back to top
Homeદુનિયામધદરિયે 95 દિવસની દિલધડક દાસ્તાન:દરિયામાં ફસાયેલા 61 વર્ષના માછીમારે કરચલા ખાધા, કાચબાનું...

મધદરિયે 95 દિવસની દિલધડક દાસ્તાન:દરિયામાં ફસાયેલા 61 વર્ષના માછીમારે કરચલા ખાધા, કાચબાનું લોહી પીધું; જીવતા રહેવાનું એક જ કારણ- મા

86 વર્ષની માતાએ પોતાના હાથે 61 વર્ષના દીકરા માટે ટિફિન ભર્યું. દીકરો માછીમારી કરવા નીકળવાનો હતો. એ પણ 15 દિવસ માટે. મા તો મા હોય. એણે એના દીકરાને કહ્યું, તારા માટે તને ભાવતું બનાવ્યું છે. ભલે 15 દિવસ માટે જા, મેં તો 30 દિવસનું ટિફિન ભરીને આપ્યું છે. નિરાંતે જમજે. માછીમાર દીકરો માતાને ભેટીને નીકળે છે. ઘરેથી બોટ તરફ પહોંચે છે. સ્થળ : સાઉથ આફ્રિકાનો પેરૂ દેશ. તેનો માર્કોના નામનો દરિયા કિનારો.
તારીખ : 7 ડિસેમ્બર, 2024, સવારે 7 વાગ્યે…. 61 વર્ષના એ માછીમારનું નામ છે- મેક્સિમો નાપા કાસ્ત્રો. એનું હુલામણું નામ છે- ગાતોન. ઘરમાં પણ આ જ નામે બધા બોલાવે. તેના માછીમાર મિત્રો પણ ગાતોનથી જ ઓળખે… એ બોટમાં બેસે છે. આકાશ તરફ જોઈ, ગળામાં પહેરેલા ક્રોસને હાથમાં લઈને ચૂમે છે. બોટની મોટરને સ્ટાર્ટ કરે છે. ઘરરર. ઘર્ટ..ઘર્ટ…ઘર્ટ… અવાજ સાથે અફાટ દરિયામાં બોટ આગળ વધવા લાગે છે. કિનારે ઊભેલા બીજા માછીમારો જોવે છે કે ગાતોનની બોટ દૂર જઈને ટપકું બની ગઈ છે ને ધીમે ધીમે બ્લૂ ક્ષિતિજમાં ઓગળી ગઈ…. ગાતોન બોટ લઈને માછીમારી કરવા નીકળી પડ્યો. તેને હતું કે 15 દિવસમાં માછીમારી કરીને ઘરે પહોંચી જઈશ…. પણ એવું થયું નહીં. અહીંથી જ શરૂ થાય છે માછીમાર નાપા કાસ્ત્રો એટલે કે ગાતોનની દિલઘડક દાસ્તાન…. માછીમારી કરતાં કરતાં તે પ્રશાંત મહાસાગરમાં બહુ આગળ નીકળી ગયો હતો. આમ ને આમ દસ દિવસ નીકળી ગયા. તારીખ આવી 17 ડિસેમ્બરની. દરિયામાં સાંજ પડવા આવી હતી. ગાતોન પોતાની ધૂનમાં માછીમારી કરતો હતો ત્યાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા. ગાજવીજ થવા લાગી. દરિયો તોફાની બન્યો. તે પોતાની બોટની અંદર બનેલી નાનકડી કેબિનમાં ગયો જેથી ભીંજાય નહીં પણ દરિયો એટલો તોફાની હતો કે મોજાં ઊછળી ઊછળીને બોટમાં છાલક મારતા હતા. ઉપરથી ધીમો ધીમો વરસાદ ચાલુ હતો…. થયું એવું કે, બોટ બંધ પડી ગઈ. ગાતોનને એમ કે બે-ચાર સેલ્ફ મારીશ તો થઈ જશે. તેણે બે-ચાર નહીં, બાવીસવાર સેલ્ફ મારી જોયા પણ બોટ ચાલુ ન થઈ. હવે? સૂર્ય ઢળી ચૂક્યો હતો. રાત પડી ગઈ હતી. જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ દરિયાનું તોફાન ઓછું થયું. વરસાદ પણ રહી ગયો. રાત તો નીકળી ગઈ ને સવાર પડી. સીગલ પંખીઓના અવાજથી આકાશ ગુંજી ઉઠ્યું. ગાતોનને થયું કે, હવે આકાશ સાફ છે. થોડો તડકો પણ નીકળ્યો છે. બોટમાં ફીટ કરેલી મોટરમાં પાણી ગયું હશે તે સુકાઈ જશે. પણ એવું થયું નહીં. તેણે સવારથી બપોર સુધી ટ્રાય કરી, બોટ સ્ટાર્ટ થઈ જ નહીં. ગાતોન હવે મુંઝાયો. તેને મનમાં ઘણા વિચાર આવવા લાગ્યા, મારું શું થશે? બોટ ચાલુ નહીં થાય તો શું કરીશ? તેણે બધું ઈશ્વર પર છોડી દીધું. તેની મમ્મી એલેના કાસ્ત્રોએ સાથે આપેલું ટિફિન ખાધું. આમ ને આમ દિવસ ને રાત પસાર થવા લાગ્યા. 7 ડિસેમ્બરની થઈ ગઈ 10 જાન્યુઆરી. એક મહિનો ને માથે ત્રણ દિવસ બીજા. ટિફિન ખલાસ. સાથે લાવેલું પાણી ખલાસ.
બોટ તો મધદરિયે પાણીની સાથે થોડીથોડી હલતી ઊભી હતી. ન કોઈ માછીમાર દેખાય, ન કોઈ બીજો સહારો. અફાટ સાગરમાં એકમાત્ર ગાતોન અને તેની બોટ. ફરી દિવસો પસાર થયા, રાત પસાર થઈ. ગળું સુકાવા લાગ્યું. નબળાઈ થવા લાગી. ભૂખ તો ભયંકર લાગી હતી. પણ ખાવાનું તો પૂરું થઈ ગયું હતું. પાણી પણ નહોતું. દરિયાનું પાણી પીવાય કેવી રીતે? એ તો બહુ ખારું ને વિચિત્ર હોય. એ પીવે તો તબિયત વધારે બગડે. એવામાં મેક્સિમા નાપા કાસ્ત્રો ઉર્ફે ગાતોનને એવો વિચાર આવ્યો કે, અહીં દરિયામાં જે જીવ મળે તે ખાવા પડશે. તો જ હું જીવી શકીશ. તે બોટના કઠોડે બેઠો રહેતો. દરિયાના પાણીમાં જાળ અને હાથ નાખીને કરચલા પકડ્યા. તેને મારીને કાચેકાચા ખાવા પડ્યા. રાંધ્યા વગરના કરચલા ભાવે કેમ? તો ય આંખ બંધ કરીને તેણે ખાધા. બોટના લાકડામાં જે દરિયાઈ જીવાતો ચોટી હોય તે પકડી પકડીને ખાધી. પણ ભૂખ મટી નહીં. પછી તેણે દરિયાના પંખીને મારીને ખાવાનું નક્કી કર્યું, તેણે વિચાર્યું કે જો હું પંખીને મારીને ખાઈશ તો પેટ ભરાશે. પણ ઊડતા પંખીને મારવા કેવી રીતે? તેનો ઉપાય પણ ગાતોને શોધી કાઢ્યો. થતું એવું કે, રાત પડે ને સીગલ જેવા દરિયાઈ પંખી ગાતોનની બોટના કઠોડે આવીને બેસી જતા. સવારે ઊડી જતા. ગાતોન પાસે મોટી લાકડી હતી. રાત્રે જેવા પંખી બોટના કઠોડે બેસે તે લાકડીથી ફટકારીને મારી નાખે… આ રીતે ભૂખ મટાડી. ગાતોન મનોમન બહુ પસ્તાયો. એણે આકાશ તરફ જોઈ ઈશ્વરને પ્રાર્થના કરી કે, હું જે કાંઈ કરું છું તે બહુ ખોટું છે. કોઈનો ભોગ લઈને હું જીવી રહ્યો છું. પણ મને મારી મા, મારા બાળકો, મારી પૌત્રી બહુ યાદ આવે છે. એ લોકો મારા માટે બધું છે. મારે એ લોકો માટે જીવવું જરૂરી છે. ખાસ કરીને મારી માતા માટે. કારણ કે એ હજી જીવે છે. એને ખબર પડશે કે તેનો દીકરો મધદરિયે મરી ગયો તો એ સાંભળીને ભાંગી પડશે. એનું શું થશે? માટે હે ઈશ્વર મારે જીવવું છે… મને મદદ કર… મારે મારી મા પાસે જવું છે… દિવસો વિતતા ગયા. વધુ એક મહિનો પસાર થયો. 11મી ફેબ્રુઆરી આવી. ડિસેમ્બર આખો દરિયામાં ગયો, જાન્યુઆરી પણ પસાર થઈ ગયો, ફેબ્રુઆરી પણ અડધો નીકળી ગયો હતો. ગાતોનને વિચાર આવ્યો કે, હું આવી રીતે રોજ એક જીવને મારીને ક્યાં સુધી જીવીશ? આના કરતાં તો મરી જાવું સારું… તેણે પોતાની બોટમાં માછીમારીની જાળ કાપવાના બે મોટા છરા રાખ્યા હતા. તેણે નક્કી કર્યું કે, આજે તો આપઘાત કરી જ લેવો છે. છરો કાઢીને પોતાના ગળા પર રાખ્યો. આંખ બંધ કરી તો તેની માતાનો ચહેરો દેખાયો. ગાતોન અટકી ગયો. આવું ત્રણેકવાર થયું. પરિવારનો વિચાર કરીને તે આપઘાત ન કરી શક્યો. વચ્ચે વચ્ચે ઘણીવાર વરસાદ આવતો તો બોટમાં તેનું ભરાયેલું પાણી પી લેતો. ભૂખ અને તરસથી ગાતોનની હાલત કફોડી થતી જતી હતી. રોજ એ જ કરચલા, માછલી, પંખી ખાવાના… આવું ક્યાં સુધી? એકવાર તો ગાતોનની બોટ પાસે મોટો કાચબો આંટા મારતો દેખાયો. ગાતોને કાચબાને ખેંચીને બોટમાં લીધો ને છરાથી મારીને તેનું લોહી પી લીધું. સાંભળીને ચીતરી ચડે પણ જ્યારે માણસના જીવનો સવાલ આવે ત્યારે તે ગમે તે કરી છૂટે છે. આમ ને આમ ફેબ્રુઆરી પણ પસાર થઈ ગયો. માર્ચ-2025નો મહિનો આવ્યો. પેરૂ દેશના કિનારાથી મેક્સિમો નાપા કાસ્ત્રોની બોટ 1094 કિલોમીટર દૂર હતી. તેનો પરિવાર શોધમાં તો હતો જ. આ તરફ તેના પરિવારે નેવીને જાણ કરી, પોલીસને જાણ કરી. નેવીએ સર્વેલન્સની મદદ લીધી તો પણ કાસ્ત્રો ઉર્ફે ગાતોનની બોટ મળી નહોતી. એવું માની લેવામાં આવ્યું કે કદાચ તોફાનમાં બોટ ડૂબી ગઈ હશે. પણ પેરૂ નેવીના પોર્ટ કેપ્ટન જ્યોર્જ ગોન્ઝાલવીઝને થયું કે, હેલિકોપ્ટર મોકલીને ચેક કરાવું જોઈએ. સવાલ એ હતો કે, પેરૂથી હેલિકોપ્ટર ઊડાન ભરે તો જાય ક્યાં સુધી? પેરૂથી ઉપડો એટલે દરિયાનો છેડો મળે જ નહીં. આમાં ક્યાં આવડી નાનકડી બોટ મળશે? પણ ગાતોનના મનમાં રોજ તેનાં માતા આવ્યા કરતા હતા. તે રોજ ઈશ્વરને પ્રાર્થના કરતો હતો. મા પ્રત્યેનો પ્રેમ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા કામ કરી ગઈ. પેરૂ નેવીનું હેલિકોપ્ટર 10 માર્ચે ઊડાન ભરીને ગાતોનને શોધવા નીકળ્યું. એ દિવસ હતો 12 માર્ચ 2025નો. રાતના સમયે હેલિકોપ્ટરના જવાનોને પેરૂથી 1094 કિલોમીટર દૂર ટમટમિયાં જેવી બોટ દેખાઈ. 7 ડિસેમ્બરથી ખોવાયેલો નાપા દેખાયો. નીચે બોટમાં નાપા રોજની જેમ સૂવાની તૈયારી કરતો હતો. રોજ રાત્રે દરિયાનો ઘૂઘવતો અવાજ તેના કાને અથડાયા કરતો હતો. આ ઘૂઘવતા અવાજ વચ્ચે ‘નાપા.. નાપા… કાસ્ત્રો….’ એવો અવાજ સંભળાયો. નાપા સફાળો જાગીને બહાર આવ્યો. જોયું તો નીચે ઊડાન ભરતું હેલિકોપ્ટર હતું અને તેમાંથી બૂમ સંભળાતી હતી. નાપાએ પણ બે હાથ હલાવ્યા. હેલિકોપ્ટરમાંથી મેસેજ અપાયો કે, એક કલાકમાં બોટ લેવા આવશે. આટલું કહીને હેલિકોપ્ટર ઊડી ગયું. તેને લેવા માટે બોટ આવવાની હતી. તે સાંભળીને કાસ્ત્રોની આંખમાંથી આંસૂ સરી પડ્યાં. આંસૂ તેના ગાલ પર થઈને હોઠે પહોંચ્યાં. આંસુનો સ્વાદ પણ સમુદ્રના ખારા પાણી જેવો લાગ્યો… કારણ કે 95 દિવસમાં તેને સમુદ્ર સાથે સારી ઓળખાણ થઈ ગઈ હતી. વર્ષોથી માછીમારી કરવા જાય ત્યારે સમુદ્ર સાથે મિત્રતા તો હતી જ પણ હવે સમુદ્ર સાથે દિલનો સંબંધ બંધાઈ ગયો હતો. એકાદ કલાક પસાર થઈ ત્યાં ઈક્વાડોરની ટૂના નામની બોટ પહોંચી ગઈ ને નાપાની બોટ ત્યાં જ મૂકીને નાપાને રેસક્યુ કર્યો. બોટ 15 માર્ચે પેરૂના પઈતા નામના શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ત્રણ દિવસની સારવાર પછી 18 માર્ચે રજા આપી દેવામાં આવી. 95 દિવસ સુધી મધદરિયે રહીને, મોત સામે ઝઝૂમીને નાપા કાસ્ત્રો ઘરે પાછો ફર્યો. જ્યારે તેને બચાવાયો ત્યારે તેની તબિયત કેવી હતી? આવો સવાલ સ્પેનિશ મીડિયાએ પૂછ્યો ત્યારે પેરૂ નેવીના પોર્ટ કેપ્ટન જ્યોર્જ ગોન્ઝાલ્વીઝે કહ્યું હતું કે, તેને બચાવાયો ત્યારે તેની તબિયત સારી હતી. તે ચાલી શકતો હતો. તે વાત કરી શકતો હતો. આ એક ચમત્કારથી કમ નથી. નાપાને હોસ્પિટલમાં સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે. આ કહાની મેન વર્સેસ વાઈલ્ડ કરતાં પણ આગળની છે. કારણ કે આ ઘટનામાં કોઈ સ્ક્રીપ્ટ નહોતી. નાપા ઉર્ફે ગાતોમ જ્યારે પોતાના ઘરે પહોંચ્યો ને પરિવાર સાથે નિરાંતે ભોજન લીધું. CNN ચેનલના રિપોર્ટર તેમના ઘરે ગયા ને મળ્યા. તેમની સાથેની વાતચીતમાં માછીમાર મેક્સિમો નાપા કાસ્ત્રોએ એવું કહ્યું કે, ભગવાન મહાન છે. કારણ કે ભગવાને જ બનાવેલા જીવોએ જ મને બચાવ્યો છે. હું થોડા દિવસમાં ફરીથી માછીમારી શરૂ કરી દઈશ…
ઈમેજ અને ડિટેઈલ ક્રેડિટ
Inside Edition
CNN (Spenish)
ABC 7 Chicago

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments