રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા સ્થિત એલ એન્ડ ટી નોલેજ સિટીની મુલાકાત લઇ તેની વિવિધ પ્રવૃત્તિની જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કોર્પોરેટ બ્લોકની માહિતી લીધા બાદ એલ એન્ડ ટીના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ ટૂંકુ બિફ્રિંગ પણ કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન એલ એન્ડ ટી દ્વારા કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સબલિટી હેઠળ શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ હેઠળ કરવામાં આવતા વિવિધ કાર્યોની રૂપરેખા પણ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. વિવિધ બ્લોકની મુલાકાત લઇ કાર્યો અંગેની માહિતી મેળવી
તદુપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરેલા લોકલ ટુ ગ્લોબલના સંકલ્પ અનુસાર આ કંપની દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કરવામાં આવતા કામોનું પ્રેઝેન્ટેશન કરવામાં આવ્યું હતું. આ બાદમાં મુખ્યમંત્રીએ એલ એન્ડ ટી નોલેજ સિટીના વિવિધ બ્લોકની મુલાકાત લઇ ત્યાં ચાલી રહેલા કાર્યોની જાણકારી મેળવી હતી. આ વેળાએ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, કલેક્ટર ડો. અનિલ ધામેલિયા, એલ. એન્ડ ટીના વ્હોલ ટાઇમ ડાયરેક્ટર અનિલ વી. પરબ, જનરેલ મેનેજર ધીરેન પટેલ ઉપરાંત સતિષ પાલેકર, ટી. કે. રામચંદ્રન, અજય જૈન, દિવ્યા ભટ્ટ, નેહલ શાહ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રીઅન્ન અને તેનામાંથી બનતી પોષક તત્વોથી ભરપૂર ખીચડીનો પ્રચારપ્રસાર કરતા એક પરિવાર સાથે સંવાદ સાધ્યો હતો. શ્રીઅન્નથી બનતી ખીચડીમાં 16 જેટલા પોષકતત્વો મળતા હોવાનું ફલિત થયું
શહેરમાં રહેતા જગદીશભાઇ જેઠવા શ્રીઅન્નમાંથી મળતા પોષકતત્વો અને ખાસ કરીને દૈનિક આહાર શૈલીમાં ખીચડીનું ચલણ વધારવા માટે દેશ-વિદેશમાં જાગૃતિ અભિયાન ચલાવે છે. મહારાજ સયાજી રાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં તેમણે કરાવેલા વિશ્લેષણ દરમિયાન શ્રીઅન્નથી બનતી ખીચડીમાં 16 જેટલા પોષકતત્વો મળતા હોવાનું ફલિત થયું હતું. જગદીશભાઇ જેઠવાને ખીચડી કિંગ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ બાળકો, યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો માટે કેવી ખીચડી અને કઢી બનાવી શકાય, તેના રેડી ટુ યુઝ મિક્સ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યા હતા. આ મુલાકાતમાં મિલનબેન જેઠવા ઉપરાંત તેમના સંતાનો ડેનિશ અને દેવાંશી પણ જોડાયા હતા. મુખ્યમંત્રીએ જેઠવા પરિવાર સાથે સ્નેહસભર મુલાકાત કરી હતી અને તેમની સાદગી, સરળતા નિહાળીને જેઠવા પરિવાર આનંદવિભોર થઇ ગયો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી વાઘોડિયા આમોદ ખાતે MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં હાજરી આપવા રવાના થયા હતા.