રાજકોટમાં રિક્ષા ગેંગ ફરી સક્રિય થઈ છે. મોરબીથી રાજકોટ છઠ્ઠીના પ્રસંગમાં નિવૃત્ત વૃદ્ધાના ગળામાંથી સોનાનો ચેન અને રોકડ ભરેલું પર્સ ચોરાઇ ગયુ છે. મોરબીના લખધીરવાસમાં રહેતા નિવૃત્ત વૃદ્ધા 66 વર્ષિય ઇલાબેન વસંતભાઈ રાચ્છે A ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા. 19 માર્ચના રાજકોટમાં છઠ્ઠીનો પ્રસંગ હોવાથી એસટી બસ સ્ટેશનમાં અહીં આવ્યા હતા અને ત્રિકોણબાગથી નીલાબેન હસમુખભાઈ કોટેચા સાથે રીક્ષામાં બેઠા હતા. જયાંથી 2 મહિલા પેસેન્જર બેઠા હતા અને હોસ્પિટલ ચોકથી અન્ય એક ઈસમ રિક્ષામાં બેઠો હતો. જે બાદ તે શખ્સ પારેવડી ચોક ઉતરી ગયો હતો. જે બાદ શક્તિ સોસાયટી શેરી નંબર – 14 માં મીનાબેનના ઘર પાસે રીક્ષા માંથી ઉતર્યા હતા. બાદમા ગળામાં પહેરેલો અંદાજે રૂ. 3 લાખનો સોનાનો ચેન ગાયબ હતો અને થેલીમાં રાખેલું રૂ. 3000 ની રોકડ સાથેનું પર્સ પણ નહોતું. પોલિસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા સામે પાસા કરવામાં આવી
રાજકોટ શહેરમાં ઘરફોડ ચોરીઓ કરવાની ટેવવાળા ઇસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા તેમજ આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જે સુચના અન્વયે અગાઉ ઘરફોડ ચોરીઓના ગુન્હાઓમાં પકડાયેલ આરોપી વિપુલભાઇ વલ્લભભાઇ કાવેઠીયા (રહે.રાજકોટ)ની ગુન્હાહિત પ્રવૃતી અટકાવવા માટે તેના ઉપર અસરકારક અટકાયતી પગલા લેવા જરૂરી હતા. જેથી થોરાળા પોલીસ સ્ટેશને ઇસમની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી હતી. જે અન્વયે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર સાહેબ દ્વારા ઇસમની ગુન્હાહિત પ્રવૃતી તથા ગુનાને ધ્યાને લઇ પાસા અધિનીયમ હેઠળ અટકાયત કરવા હુકમ કરતા આ ઈસમની પાસા હેઠળ અટકાયતમાં લઇ પાસા વોરંટની બજવણી કરી વડોદરા જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. IPL ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
રાજકોટના અમીન માર્ગ મેઇન રોડ ઉપર ડ્રાઇવિંગ કામ કરતો 42 વર્ષિય મુસ્તાક ઇસ્માઇલ ભાલેજવાળાએ ભાલેજવાલા નામનું એકાઉન્ટ ખોલી આઈડી બનાવી કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતો હતો. જેથી તેને રૂ. 15 હજારના મોબાઇલ સાથે ઝડપી પાડયો હતો. નવાગામમાં બાંધકામ સાઈટ પર વીજ શોકથી મજૂરનુ મોત
રાજકોટના નવાગામમાં આદિત્ય ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં બાંધકામ સાઈટ ચાલુ છે. જ્યાં આજે સવારે 11 વાગ્યે 28 વર્ષનો મજૂર પ્રદીપ યાદવ લોખંડના સળિયા ઉતારતો હતો ત્યારે વીજ શોક લાગ્યો હતો અને તેથી તે બેભાન થઈ ગયો હતો. જે બાદ તુરંત 108 માં ફૉન કરવામાં આવતા એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ગઈ હતી પરંતુ તબીબે યુવાનનું મૃત્યુ નિપજ્યું હોવાનુ જાહેર કર્યુ હતુ. જે અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં ગુનો નોંધાતા વધુ તપાસ હાથ ધરવામા આવી છે. અંબિકા જવેલર્સમાંથી ચાંદીના દાગીના – જૂના ભંગારની ચોરી
રાજકોટના કોઠારીયા મેઇન રોડ ઉપર અંબિકા જ્વેલર્સ નામની દુકાનમાં 22 માર્ચના રાત્રિથી સવાર દરમિયાન 2 અજાણ્યા શખ્સો દુકાનના તાળા તોડી અંદર ઘૂસ્યા હતા અને કોઈ ચીજ વસ્તુથી ડિસ્પ્લે કાઉન્ટરના ખાના ખોલી તેમાંથી રૂ. 40,500 ની કિંમતના મિક્સ દાગીના અને રૂ. 8,500 નો જૂનો ભંગાર મળી રૂ. 49,000 ની ચોરી કરી ગયા હતા. આ મામલે શહેરના બાપા સીતારામ ચોક નજીક વિવેકાનંદ શેરી નંબર 14 માં રહેતા વેપારી સંજય પરમારે ભક્તિનગર પોલિસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શેરબજારમાં રોકાણના નામે રૂ. 96.96 લાખની છેતરપિંડી કરતા 4 શખ્સો ઝડપાયા
રાજકોટમાં શેર માર્કેટમાં ઇન્ટ્રા ડે ટ્રેડીંગની ટીપ્સ આપી ફેક વેબ સાઇટમાં એકાઉન્ટ ખોલાવી ખોટો નફો બતાવી રોકાણના નામે અલગ-અલગ ખાતાઓમા રૂ.96,96,740 ની રકમ ટ્રાન્સફર કરાવડાવી છેતરપિંડી આચર્યાના ગુન્હામા 4 આરોપીને રાજકોટ શહેર સાયબર ક્રાઈમ ટીમે ઝડપી પાડયા છે. જેઓ રાજુ ઉર્ફે મેમરી વજુભાઈ સોલંકી (ઉ.વ.-39 રહે- લક્ષ્મી બેકરીની સામે, દિપક ચોકની આગળ, આનંદનગર રોડ, મફતનગર, ભીમનગર, ભાવનગર), યુવરાજસિંહ મહેશભાઇ મોરી (ઉ.વ.-25 રહે- પ્લોટ નંબર 13/14-ઇ, ક્રીષ્ના સોસાયટી,જે.સી. ભવન ની બાજુમા, ઘોઘા જકાત નાકા, ભાવનગર), કિશોર ઉર્ફે ક્રીશ કાબાભાઇ ઉલ્વા ( ઉ.વ.- 29 રહે- પ્લોટ નંબર 84, ગાયત્રી પાર્ક સોસાયટી, પાંજરાપોર પાસે મુ. સિહોર તા.સિહોર જી. ભાવનગર) અને વિજય વજુભાઇ ધનવાણીયા (ઉ.વ.-34 રહે- રામાપીર મંદીરની પાસે, લાઠી રોડ, મુ. પીપળવા તા.લાઠી જી. અમરેલી) સામેલ છે.