ભૂપત ભાયાણીના રાજીનામા બાદ વિધાનસભાની ખાલી પડેલી વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની સંભાવના છે. જેને લઈને આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર લેઉવા પાટીદાર એવા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે, ચૂંટણી પંચે હજુ સુધી ચૂંટણી માટે તારીખ જાહેર કરી નથી પણ તે પહેલાં જ AAPએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 1995થી લઈ 2022 સુધી આ સીટ પરથી લેઉવા પાટીદાર ઉમેદવાર જ જીતતા આવ્યા છે. આ સીટ પરથી જ જીતીને કેશુભાઈ પટેલ 1995માં પહેલીવાર મુખ્યમંત્રી બન્યા હતા. આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ જણાવ્યું છે કે, વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ‘આપ’ નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઈટાલીયા ઉપર પસંદગી ઉતારી છે. વ્યવસાયે એડવોકેટ એવા ગોપાલભાઈ ઈટાલીયા ખેડૂતોના હિત માટે તેમજ ગુજરાતની બદતર કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવા તેમજ સિસ્ટમમાં પેસેલો સડો દૂર કરવા ઘણાં વર્ષોથી સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે. ગરીબ અને મધ્યમ વર્ગના નાનામાં નાના માણસો પણ ગોપાલભાઈ ઈટાલીયાને ખુબ પ્રેમ કરે છે. ખેડૂતોને તેમનો હક અપાવવામાં સૌથી મોટી ભૂમિકા ગોપાલ ઈટાલિયા ભજવી રહ્યાં છે. મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગોપાલભાઈ ઈટાલીયાનું ગુજરાત વિધાનસભામાં આવવાથી શાસકોના પેટમાં અવશ્ય ફાળ પડશે. ખેડૂતો અને ગરીબ તેમજ મધ્યમ વર્ગનો અવાજ હવેથી વિધાનસભામાં ગુંજશે તેવી આશા સમગ્ર ગુજરાતને છે. ગોપાલભાઈ ઈટાલીયા રેકોર્ડ બ્રેક બહુમતીથી વિજેતા બનશે તેવી આમ આદમી પાર્ટીને જ નહીં, સમગ્ર ગુજરાતની જનતાને આશા છે. 2022માં કતારગામ સીટ પરથી ઇટાલિયાની થઈ હતી હાર
2022ની વિધાનસભા ચૂંટણીમાં સુરત શહેરની કતારગામ બેઠક ગોપાલ ઇટાલિયાનો ભાજપના વિનુ મોરડિયા સામે હાર થઈ હતી. આ ચૂંટણીમાં મોરડિયાને 120342 મત મળ્યાં હતા. જ્યારે ગોપાલ ઇટાલિયાને 55713 મત મળ્યાં હતા. આમ 64,629 મતથી ઇટાલિયા હારી ગયા હતા. સીટ ખાલી થયાને સવા વર્ષ છતાં કેમ યોજાઈ નથી પેટાચૂંટણી?
વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણી વિજયી થયા હતા. હાઇકોર્ટમાં વિસાવદર બેઠક પરથી હારેલા ઉમેદવારોએ જીતેલા ઉમેદવારની જીતને પડકારી હતી. જેની ઇલેક્શન પિટિશન પેન્ડિગ હોવાથી વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાતી નથી. ત્યારે કુલ ત્રણ અરજી હરેશ ડોબરિયા, મોહિત માલવિયા અને હર્ષદ રીબડીયા દ્વારા કરવામાં આવી હતી. જેમાંથી પહેલાં મોહિત માલવિયા દ્વારા અરજી પરત ખેંચવામાં આવી હતી. બાદમાં હર્ષદ રીબડીયાએ પણ અરજી પરત ખેંચી હતી. જોકે, હરેશ ડોબરિયાએ હજી સુધી અરજી પરત ખેંચી ન હોવાથી પેટાચૂંટણીનો માર્ગ મોકળો થયો નથી. વિસાવદરમાં પેટા ચૂંટણી યોજવા માટે વર્ષ 2024માં હાઇકોર્ટમાં થયેલી એક જાહેર હિતની અરજીમાં ઇલેક્શન કમિશન વતી ઉપસ્થિત થયેલા વકીલે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદા મુજબ ઇલેક્શન પિટિશન પેન્ડિંગ હોય તો તેનો નિકાલ ના થયા ત્યાં સુધી પેટા ચૂંટણી યોજી શકાય નહીં. કોર્ટે કહ્યું હતું કે, ઇલેક્શન પિટિશન પરત ખેંચાય તો આગળ કાર્યવાહી થાય. પેટા ચૂંટણી નહીં યોજાવા પાછળ ઇલેક્શન કમિશન જવાબદાર નથી. આ એક ન્યાયિક પ્રક્રિયા છે. પાયલ ગોટીને ન્યાય અપાવી ન શકતા ઈટાલિયાએ જાતે જ પટ્ટા માર્યા હતા
ત્રણ મહિના પહેલા અમરેલીના લેટરકાંડમાં પાયલ ગોટીની ધરપકડ કરાયા બાદ પોલીસે રિકન્સ્ટ્રક્શનના નામે રસ્તા પર ફેરવતાં રાજ્યભરમાં ચર્ચા જાગી હતી. જામીન મળ્યા બાદ યુવતીએ પોલીસ પર માર માર્યાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ સુરતમાં જાહેરમાં પોતાના શરીર પર પટા મારી માફી માગી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) કોણ છે ગોપાલ ઈટાલિયા?
ગોપાલ ઈટાલિયાએ પહેલી નોકરી પોલીસ-કોન્સ્ટેબલ તરીકે કરી હતી. અમદાવાદના માધુપુરામાં પોસ્ટિંગ મળ્યા પછી રેવન્યુની એક્ઝામ પાસ કરી અમદાવાદ કલેક્ટર ઓફિસમાં ક્લાર્ક બન્યા. ત્યાંથી ઈટાલિયાની બદલી ધંધૂકા સબ રજિસ્ટ્રાર કચેરીમાં રેવન્યુ ક્લાર્ક તરીકે થઈ. આ તેની છેલ્લી નોકરી. એનું કારણ એક જ હતું કે તેમણે આક્રમક વિચારોને અમલમાં મૂકવાનું શરૂ કર્યું. 2017માં વિધાનસભાની ચૂંટણી આવી રહી હતી ત્યારે ઈટાલિયા ગાંધીનગર સચિવાલય પહોંચી ગયા. તક જોઈને તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ચંપલનો ઘા કર્યો. ચંપલ વાગ્યું નહીં, પણ ઈટાલિયા સામે આ હરકત કરવા બદલ કાર્યવાહી થઈ. આ જ વર્ષમાં ગોપાલ ઈટાલિયાએ નીતિન પટેલને ફોન કર્યો અને રાજ્યમાં પ્રોહિબિશનના કાયદાના નબળા અમલીકરણ માટે ઉગ્ર ભાષામાં વાત કરી. આ ઓડિયો આખા ગુજરાતમાં વાઇરલ થયો અને ગોપાલ ઈટાલિયાનું નામ ચર્ચામાં આવી ગયું. જોકે આના કારણે ગોપાલ ઈટાલિયા સામે કાર્યવાહી પણ થઈ હતી. 2022માં ભૂપત ભાયાણીની જીત થઈ
2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડિયા અને AAPના ભૂપત ભાયાણી વચ્ચે જામેલા ચૂંટણી જંગમાં ભૂપત ભાયાણી વિજેતા બની ધારાસભ્ય બન્યા હતા. જો કે ડિસેમ્બર, 2023માં તેમણે રાજીનામુ ધરી દેતા ફરી વિસાવદર બેઠક ખાલી પડી હતી. ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભાયાણી ભાજપમાં જોડાઈ ગયા હતા. બેઠક પર 50 ટકા લેઉવા પટેલ મતદારોનો સમાવેશ
જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા બેઠક પર પાટીદાર ધારાસભ્ય ચૂંટાઈને આવી રહ્યા છે. અહીંયાના મતદારોની વાત કરવામાં આવે તો કુલ 2.70 લાખથી વધુ મતદારોનો સમાવેશ થાય છે અને તેમાં 50% લેઉવા પટેલ મતદારોનો સમાવેશ થાય છે. વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાનાં 170થી વધુ ગામોનો આ મત વિસ્તારમાં સમાવેશ થાય છે. છેલ્લા એક દાયકામાં એટલે કે 2014થી 2024 સુધીના સમયમાં કેશુભાઈ પટેલ, હર્ષદ રિબડિયા અને ભૂપત ભાયાણી એમ કુલ 3 ધારાસભ્યોએ ચાલુ ટર્મ દરમિયાન રાજીનામું આપ્યું હોવાની ઘટના બનવા પામી છે. ત્યારે 10 વર્ષ બાદ ફરી વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી સાથે સાથે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાશે. વિસાવદર બેઠક પર કોણ ક્યારે જીત્યું?