સલમાન ખાન તેની ફિલ્મ ‘સિકંદર’ને લઈ ચર્ચામાં છે. તાજેતરમાં એક્ટર મુંબઈમાં એક સ્પોર્ટ્સ ઇવેન્ટમાં હાજર રહ્યો હતો. આ દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ તેની સાથે હાજર હતા. આ ‘નેતા XI Vs અભિનેતા XI’ નામની ક્રિકેટ ઈવેન્ટનો ઉદ્દેશ્ય ટીબી જેવા રોગો માટે જાગૃતતા લાવવાનો હતો. આ ઇવેન્ટના ઘણાબધા વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. ‘નેતા XI Vs અભિનેતા XI’ મેચ મુંબઈમાં યોજાઈ હતી. ટીબી અંગે જાગૃતિ ફેલાવવા માટે પૂર્વ કેન્દ્રીય રમતગમત મંત્રી અને વર્તમાન સાંસદ અનુરાગ ઠાકુરની આ પહેલ હતી. સુનિલ શેટ્ટીએ પણ આ પહેલમાં સાથ આપ્યો હતો. સુનિલ શેટ્ટી ‘અભિનેતા XI’નો કેપ્ટન હતો અને અનુરાગ ઠાકુર ‘નેતા XI’નો કેપ્ટન હતા. એમસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાયેલી આ મેચમાં, ‘અભિનેતા XI’ ટીમમાં અર્જુન કપૂર, સોહેલ ખાન, સુનીલ શેટ્ટી, અનુપમ ખૈર જેવા ખેલાડીઓ હતા. બીજી તરફ, સલમાને તેમાં ચીફ ગેસ્ટ તરીકે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાંથી સલમાન ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એકનાથ શિંદે તેમનો હાથ પકડીને બેસવા માટે કહી રહ્યા છે. જોકે, એક્ટર બેસતા પહેલા આજુબાજુ નજર કરે છે કે ઉભેલા બધા લોકો બેસી ગયા છે કે નહીં. આ વીડિયો સામે આવ્યા બાદ એક્ટરની સિમ્પલિસિટીના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ ઇવેન્ટનો બીજો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ‘નેતા XI’ ટીમમાંથી રમતા એક નેતા સલમાન ખાનને મળવા માટે કેટલીક છોકરીઓને પોતાની સાથે લાવ્યા હતા. ત્રણેય છોકરીઓ સલમાન ખાનને પગે લાગી તેના આર્શીવાદ લે છે. આ દરમિયાન સલમાન ખાન તેને મળવા માટે પોતાની જગ્યાએથી ઉભા થઈ ગયો અને તે છોકરીઓ સાથે ફોટો પણ પડાવ્યાં. અનુપમ ખેરે વિકેટ લઈ સેલિબ્રેશન કર્યું
‘નેતા XI’ ટીમ તરફથી બોલિંગ કરતી વખતે અનુપમ ખેરે એક વિકેટ લીધી. આ અંગે ખુશી વ્યક્ત કરતા આ સિનિયર એક્ટરે લખ્યું કે, મેં વિકેટ લીધી. ટીબી વિશે જાગૃતિ ફેલાવવા માટે અમે નેતા અને અભિનેતા વચ્ચે મૈત્રીપૂર્ણ મેચ રમી. બંને ટીમોને મહત્વપૂર્ણ કાર્ય કરવાની તક આપવા બદલ અનુરાગ ઠાકુર અને સુનીલ શેટ્ટીનો આભાર. આ એક ઓફ સ્પિન બોલ હતો, જેના પર બેટ્સમેન ફોર ફટકારવા માગતો હતો, પરંતુ તે કેચ આઉટ થઈ ગયો. હું મારી અલગ પ્રકારની પ્રતિભા બતાવી રહ્યો છું. જય હો.