14 જૂન, 2020ના રોજ, એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ તેમના બાંદ્રા સ્થિત ઘરમાંથી મળી આવ્યો હતો. આ કેસમાં પોલીસે તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની અટકાયત કરી હતી. તેના પર સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. એક્ટરના મૃત્યુના 4 વર્ષ અને 6 મહિના પછી, CBIએ આ કેસનો ક્લોઝિંગ રિપોર્ટ આપ્યો છે. CBIને તેની તપાસમાં જાણવા મળ્યું કે- સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવામાં આવ્યો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. હવે રિયા ચક્રવર્તીના ભાઈ શોવિકે ન્યાય મળવા પર ખુશી વ્યક્ત કરી છે. શોવિકે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી તેની બહેન રિયા સાથેનો એક વીડિયો શેર કર્યો છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ વિડીયો સાથે તેણે લખ્યું છે – સત્યમેવ જયતે. 27 દિવસ સુધી કસ્ટડીમાં હતી રિયા ચક્રવર્તી
25 જુલાઈ, 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના લગભગ દોઢ મહિના પછી, તેના પિતા કે.કે. સિંહે પટનામાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે રિયા ચક્રવર્તી પર સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદ મુજબ, સુશાંતે તેના મૃત્યુના થોડા સમય પહેલા તેની બહેનને ફોન પર કહ્યું હતું કે- રિયાએ તેના મેડિકલ રિપોર્ટ્સ જાહેર કરીને તેને પાગલ સાબિત કરવાની ધમકી આપી હતી. સુશાંતે તેની બહેનને કહ્યું હતું કે તેને ડર છે કે રિયા તેને તેની પૂર્વ મેનેજર દિશા સલિયનના મૃત્યુના કેસમાં ફસાવી દેશે. ફરિયાદમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે સુશાંતના મૃત્યુના એક દિવસ પહેલા, રિયા તેના મેડિકલ રિપોર્ટ લઈને ગઈ હતી. આ કેસની તપાસ દરમિયાન કલાકારો દ્વારા મની લોન્ડરિંગ અને ડ્રગ્સના ઉપયોગ વિશે પણ માહિતી મળી હતી. રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની મની લોન્ડરિંગ કેસમાં 7 ઓગસ્ટ, 2020ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ, રિયા અને તેના ભાઈની 8 સપ્ટેમ્બરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ડ્રગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડનો આધાર રિયા અને શોવિક વચ્ચેની વાતચીત હતી, જેમાં તેમણે ડ્રગ્સ ખરીદવા અને સપ્લાય કરવાનો ઉલ્લેખ કર્યો હતો. લગભગ 27 દિવસ પોલીસ કસ્ટડીમાં રહ્યા બાદ, રિયા ચક્રવર્તીને 7 ઓક્ટોબરે બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા. જ્યારે શૌવિકને ડ્રગ્સના કેસમાં 3 મહિના જેલમાં રહેવું પડ્યું હતું. 2013માં યશ રાજ ફિલ્મ્સ સ્ટુડિયોમાં રિયા-સુશાંત મળ્યાં હતાં
રિયા અને સુશાંત પહેલી વાર 2013માં યશ રાજ ફિલ્મ્સના શૂટિંગ દરમિયાન મળ્યાં હતાં. તે સમયે રિયા ‘બેંક ચોર’માં અને સુશાંત ‘શુદ્ધ દેશી રોમાંસ’માં કામ કરી રહી હતી. તેની ફિલ્મોના સેટ નજીકમાં હતા, જેના કારણે તેઓ મિત્રો બન્યા. વર્ષ 2019માં, રિયા અને સુશાંતના વેકેશનની કેટલીક તસવીરો સામે આવી હતી જેમાં તેમનું લોકેશન એ વાતનું સાક્ષી હતું કે તે બંને સાથે હતાં. જોકે આ કપલે પોતે ક્યારેય આ વાત જાહેર કરી નથી. આ વર્ષે ડિસેમ્બરમાં, રિયા અને સુશાંત લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યાં, જેના બરાબર 6 મહિના પછી એક્ટરે આત્મહત્યા કરી.