વલસાડ શહેરના પૂર્વ-પશ્ચિમ એપાર્ટમેન્ટમાં 3 વર્ષની બાળકી પર લૂંટનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે. આરોપીની ઓળખ નિલેશ રાજકુમાર સિંગ (29) તરીકે થઈ છે. તે મુંબઈના જોગેશ્વરી વેસ્ટનો રહેવાસી છે. ઘટના રવિવારે બની હતી. નંદાવલા ગામના પટેલ પરિવારની મહિલા પોતાની દીકરી સાથે વલસાડમાં માતા-પિતાના ઘરે આવી હતી. સાંજે બાળકી એપાર્ટમેન્ટની નીચે રમી રહી હતી. આ દરમિયાન આરોપીએ બાળકીના કાનમાં પહેરેલી 3,000 રૂપિયાની સોનાની બુટ્ટી જોઈ. આરોપીએ બાળકીનું મોઢું રૂમાલથી દબાવી તેના કાનમાંથી બુટ્ટી ખેંચી લીધી. બાળકીની ચીસો સાંભળી પરિવારજનો દોડી આવ્યા. લોકોએ આરોપીનો પીછો કર્યો, પરંતુ તે ભાગી છૂટ્યો. વલસાડ SP ડો. કરનરાજ વાઘેલા અને DySP A.K. વર્માના માર્ગદર્શનમાં પોલીસે કાર્યવાહી શરૂ કરી. સીટી PI દિનેશ પરમાર અને PSI ડી.એસ. પટેલની ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સથી આરોપીને ઓળખી કાઢ્યો. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને વલસાડ સ્ટેશન રોડ પરથી ઝડપી લીધો. પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી છે. પોલીસે તેની પાસેથી લૂંટાયેલી સોનાની બુટ્ટી પણ કબજે કરી છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.