ગુજરાતનાં DGP દ્વારા તાજેતરમાં ગુનેગારોની સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ પણ એક્શન મોડમાં આવી છે. આજે ક્રાઇમ બ્રાન્ચે 5 કે તેથી વધુ ગુનામાં સંડોવાયેલા 150થી વધુ આરોપીઓને એકઠા કર્યા હતા અને ગુનાહિત કૃત્યો બંધ નહીં કરે તો કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી. ક્રાઇમ બ્રાન્ચની આ ચેતવણીથી આરોપીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. 150 કરતા વધુ આરોપીઓને એકઠા કરવામાં આવ્યા
ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, DGPના આદેશ બાદ ગુનાખોરી રોકવાની સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ઝૂમ્બેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ગુનાખોરી સાથે સંકળાયેલા લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે. પોલીસ કમિશ્નરનાં આદેશ મુજબ આજે ક્રાઇમ બ્રાન્ચ ખાતે પાંચ કે તેથી વધુ ગુનામાં સંડોવણી હોય તેવા 209 પૈકી 150 કરતા વધુ આરોપીઓને એકઠા કરવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓની લેટેસ્ટ માહિતી લેવામાં આવી છે અને તેનો ડેટા અપડેટ કરવામાં આવ્યો છે. ગુનાહિત કૃત્યો બંધ કરવા કડક સૂચના અપાઈ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ તમામ આરોપીઓની સામે અસરકારક અટકાયતી પગલાં પણ લેવામાં આવશે. આ ઉપરાંત આરોપીઓ પૈકી ખાસ ડ્રગ્સનાં ગુનાઓમાં સંડોવાયેલા લોકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે કે, હવે પછી જો તેઓ આ પ્રકારના ગુનાઓ કરશે તો તમામ પ્રકારની કડક કાયદેસરની કાર્યવાહી સિવિલ એડમિનિસ્ટ્રેશન સાથે મળીને કરવામાં આવશે. હાલમાં રાજકોટમાં 209 જેટલા આરોપીઓ સામે પાંચ કરતા વધુ ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. તેમાંથી હાલ 150 જેટલા આરોપીઓને એકત્ર કરીને આ સૂચનાઓ આપી દેવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચ એક્શન મોડમાં
ઉલ્લેખનીય છે કે DGPના આદેશ બાદ ક્રાઈમ બ્રાંચ એક્શન મોડમાં આવી છે. પ્રોહિબીશન, મારામારી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને એકઠા કરવામાં આવ્યા હતા. પાંચથી વધુ ગુના નોંધાયા હોય તેવા મહિલા અને પુરુષ આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ બોલાવી તેની સામે અટકાયતી પગલાંઓ લઈ તમામ આરોપીઓને કડક સૂચના આપવામાં આવી હતી. જોકે પોલીસની આ કાર્યવાહીથી લાંબા સમયથી ક્રાઇમ સાથે સંકળાયેલા આરોપીઓ ગુનાખોરી કરવાનું બંધ કરે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.