અંજારમાં આજે પોલીસ અને નગરપાલિકાએ સંયુક્ત કાર્યવાહી કરીને હિસ્ટ્રીશીટર સુલેમાન આમદસા શેખ ઉર્ફે બાબાના ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યું છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશ અનુસાર ગુજરાતમાં હિસ્ટ્રીશીટર આરોપીઓ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. આ અભિયાન અંતર્ગત અંજારના ગંગા નાકા નજીક ઓક્ટ્રોય ચોકી પાસે આવેલા જાહેર માર્ગ પરના બિન અધિકૃત મકાનને તોડી પાડવામાં આવ્યું છે. સુલેમાન શેખ જમીન કબજા અને મારામારી સહિતના 10 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે. નગરપાલિકાએ અગાઉ તેને દબાણ હટાવવાની નોટિસ પાઠવી હતી. પરંતુ તેણે નોટિસનું પાલન ન કરતાં આજે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તેનું પાકું મકાન અને વાડો તોડી પાડવામાં આવ્યાં હતા. આ કાર્યવાહી દરમિયાન નગરપાલિકાના દબાણ શાખાના કર્મચારીઓની સાથે પોલીસ અધિકારી વિકાસ યાદવ અને નાયબ પોલીસવડા મુકેશ ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કામગીરી માટે વિશેષ સાધન સામગ્રી અને માનવબળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીએ પોતાના મોજ શોખ માટે નગરપાલિકાની જગ્યામાં ફાર્મ હાઉસ બનાવ્યું હતું. જેમાં બે રૂમ, એક મોટો હોલ બે કિચન, બાથરૂમ, પતરાનો મોટો શેડ જેને તોડી પાડવામાં આવ્યું છે. આરોપીનો ગુનાહિત ઈતિહાસ જોઈએ તો ચિટિંગ, ફ્રોડ, બળજબરીથી મિલકત કઢાવી લેવી, મારામારી, શરીર સંબંધી ગુના, સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી, એકના ત્રણ ગણા કરવાની લાલચ આપી મિલકત બળજબરીથી કઢાવી લેવી સહિતના ગુના નોંધાયેલા છે.