ખ્યાતિ હોસ્પિટલ કેસમાં વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ સંદર્ભે આરોપી પંકિલ પટેલ અને પ્રતીક ભટ્ટે ચાર્જશીટ બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેને કોર્ટે આજે નકારી નાખી છે. અગાઉ કોર્ટ રાજશ્રી કોઠારી, રાહુલ જૈન અને ડૉ.પ્રશાંત વજીરાણીની ચાર્જશીટ બાદની જામીન અરજી નકારી નાખી છે. જ્યારે આ જ કેસમાં ડો.સંજય પટોલિયા અને ચિરાગ રાજપૂતની ચાર્જશીટ બાદની જામીન અરજી દાખલ કરવામાં આવી છે. જેની ઉપર આગામી સમયમાં સુનાવણી યોજાશે. બંને આરોપી માર્કેટિંગ સાથે સંકળાયેલા છે. પંકીલ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદાર ઉપર દર્દીઓની મેડિકલ હિસ્ટ્રી લખવાનું અને રેકોર્ડ રાખવાનો અને સ્થાનિક ડોક્ટરોને ખ્યાતિ હોસ્પિટલમાંમાં દર્દીઓ રીફર કરવા કમિશન આપવાનો આરોપ છે, પરંતુ અરજદાર ડોક્ટર નથી, તેને દર્દીઓનું ચેકઅપ કરવાનું હોતું નથી. મેડિકલ કેમ્પમાં ડોક્ટર અજય સિંહ વાઘેલા દર્દીઓને તપાસતા હતા તેમનો ECG જોઈને સલાહ આપતા હતા. બોરીસણા ગામના કેમ્પમાં 83 દર્દીઓને તપાસીને 19 દર્દીઓને હૃદયની બીમારી હોવાથી ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, પરંતુ આ કેસમાં અન્ય આરોપીઓ સાથે તેને કોઈ ભાગ ભજવવાનો નહોતો. મેડિકલ હિસ્ટ્રી લખવાની કોઈ લાયકાત અરજદાર પાસે નથી. જુનિયર ડોક્ટર દર્દીઓની મેડિકલ હિસ્ટ્રી લખતા હતા. અરજદારે પગાર સિવાય કોઈ વધારાના લાભ મેળવ્યા નથી. અરજદાર ડોક્ટરો સાથે લાયઝનિંગ કરતો હતો તેવા પણ કોઈ પુરાવા નથી. પંકિલ મેડીક્લેમ એક્ઝિક્યુટિવ અને પ્રતીક માર્કેટિંગ આસિસ્ટન્ટ છે. આરોપીઓના પોલીસ ફરિયાદમાં નામ નથી. સરકારી વકીલે દલીલ કરી હતી કે, અરજદારે પગાર ઉપરાંત 8.34 લાખ રૂપિયા મેળવ્યા હતા. કડીના બોરીસણા ગામે મેડિકલ કેમ્પના આયોજનમાં આરોપીઓએ સક્રિય ભાગ ભજવ્યો હતો. ખોટા કાગળિયા બનાવવામાં આરોપીઓએ ભાગ ભજવ્યો છે. આ નાના કર્મચારીઓ હોવાથી ગુનામાં તેમનો સક્રિય ભાગ નથી એવી વાસ્તવિકતા નથી. આરોપીઓ ઉપરથી મળેલી સૂચના મુજબ કામ કરતા હતા. તેઓ ગામડામાં મેડિકલ કેમ્પનું આયોજન કરતા અને સ્થાનિક ડોકટરોને મળતા હતા.