અમદાવાદ – મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે વટવા રોપડા બ્રિજ નજીક રેલવે લાઈનની બાજુમાં જ પિલર ઉપર સ્પાન ગોઠવવાની કામગીરી ચાલી રહી છે. રવિવારે મોડી રાતે વાયડક્ટનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે જ સ્પાન ગોઠવતી સેગમેન્ટલ લોંચિંગ ગેન્ટ્રી કોંક્રીટ ગર્ડરનું લોંચિંગ કરી પરત ફરી રહી હતી. ક્રેઈનનું બેલેન્સ ખોરવાઈ જતા નીચે પડી ગઈ હતી. રેલવે ટ્રેક પર કામગીરી કરવાની હોય ત્યારે બ્લૉક લેવામાં આવે છે. પણ અહીં બ્લૉક વિના જ કામગીરી કરવામાં આવી રહી હતી. ક્રેનનો 280 ટન વજનનો હિસ્સો તૂટી પડ્યો એની 15 મિનિટ પહેલાં જ તેજસ એક્સપ્રેસ ટ્રેન પસાક થઈ હતી.
રાત્રે લગભગ 11 વાગે સર્જાયેલા અકસ્માતમાં ગેન્ટ્રી (ક્રેનનો ભાગ) નીચે સીધી જ મુંબઈ – અમદાવાદ મુખ્લ ટ્રેક પર પડતા ઓએચઈ (ઑવરહેડ ઇલેક્ટ્રિક)વાયર તુટવાની સાથે ટ્રેક પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. જેના કારણે મુંબઈ અમદાવાદ વચ્ચે ટ્રેનોનું સંચાલન ખોરવાયું હતું. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા આ કામગીરી રેલવે લાઈનની બાજુમાં જ કરવામાં આવી રહી હતી ત્યારે બ્લોક લીધા વગર જ આ કામગીરી કરવામાં આવી રહી હતી.
મોડી રાતે ગેન્ટ્રી ટ્રેક પર પડી જવાની ઘટનાની જાણ થતા તત્કાલ રેલવેની સાથે નેશનલ હાઈસ્પીડ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત પોલીસ ટીમ, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પડી ગયેલી ગેન્ટ્રીને ત્યાંથી હટાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જો કે સોમવારે મોડી રાત સુધી આ ગેન્ટ્રી હટાવી શકાઈ ન હોવાથી ટ્રેનોનું સંચાલન ખોરવાયેલું રહ્યું હતું. આ ઘટનાને પગલે સોમવારે અમદાવાદથી ઉપડતી કે આવતી 28 જેટલી ટ્રેનો સંપૂર્ણ રદ કરવાની સાથે 7 ટ્રેનો આંશિક રદ કરવામાં આવી હતી જ્યારે કેટલીક ટ્રેનો ડાયવર્ટ રૂટ પર દોડાવવામાં
આવી હતી.
દીકરીનું મુંબઈમાં જોબનું જોઈનિંગ છે
મારી દીકરીનું મુંબઈમાં જોબનું જોઇનિંગ છે. અમદાવાદ 3 કલાકથી ટ્રેન ઊભી છે. ઓનલાઇન કે રેલવે સ્ટેશનથી કોઈ માહિતી મળતી નથી. ટ્રેન રદ થાય તો અમને સમજ પડે કે ટ્રેન ચલાવે તો ખબર પડે. અમારે શું કરવું તે નિર્ણય કરી શકતા નથી. – કલ્પેશ શાહ, મુસાફર
સાસુના અંતિમ સંસ્કારમાં આવ્યો હતો, હવે અટવાયો છું બોરીવલીથી વડોદરા સાસુના અંતિમ સંસ્કારમાં આવ્યો હતો. સોમવારે સાંજે 4 વાગે મુંબઈમાં મિટિંગ છે. જોકે ટ્રેન રદ થતાં હવે રિફંડ મેળવવા પ્રયત્ન કરું છું. બીજો વિકલ્પ શોધીશ. – રાહુલ ગુપ્તા, મુસાફર ગુડ્સ ટ્રેનોના ટ્રેક પર પેસેન્જર ટ્રેનો દોડાવી મુંબઈ-અમદાવાદ વચ્ચે ટ્રેનો શરૂ કરાઈ
{ પેસેન્જરોને મદદ મળી રહે તે માટે અમદાવાદના અધિકારીઓ દ્વારા બપોર બાદ બારેજડીથી અમદાવાદ તરફ આવતા ગુડ્સ ટ્રેનના ટ્રેક પર ધીમી ગતિએ પેસેન્જર ટ્રેનોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું. જેના કારણે ટ્રેનોને બારેજડી બાદ ગુડ્સ ટ્રેનોના ટ્રેક પર ડાયવર્ટ કરી ધીમી ગતિએ અમદાવાદ લાવવાની શરૂ કરાઈ હતી. સોમવારે રેલવે દ્વારા હેલ્પલાઇન પણ શરૂ કરાઈ હતી. 50 હજારથી વધુ મુસાફરોને હાલાકી, અંદાજે 5 કરોડ રિફંડ ચૂકવાશે
{ વડોદરા રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોને તકલીફ ન પડે તે માટે સિટી બસની સાથે ચા-નાસ્તાની વ્યવસ્થા કરી હતી. અધિકારીએ જણાવ્યા મુજબ ટ્રેનો રદ થતા તથા ડાઇવર્ટ થતા અંદાજે 50 હજારથી વધુ મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી. જ્યારે રેલવેને ટિકિટ રિફંડ કરતા 5 કરોડ રૂપિયાનું નુકસાની શક્યતા છે. રાતે સાઉથ આફ્રિકાની ફ્લાઈટ છે, ટ્રેન રદ થતાં હવે ટેક્સીથી મુંબઈ જઈશું
અમે રાજકોટથી આવ્યા છીએ. વડોદરાથી મુંબઈ જવા માટેની 4 ટિકિટ હતી. જ્યાંથી સાઉથ આફ્રિકા જવાની સોમવાર રાતની ફ્લાઈટ છે. રાતે 12 વાગે બોર્ડિંગ કરવાનું છે. હવે વડોદરાથી ટેક્સી લઈને જઈશું. 10 હજારનો વધારાનો ખર્ચ થશે. – દિવ્યેશ નાગર, મુસાફર