22 માર્ચથી IPL 2025 સીઝનની શરૂઆત થઈ છે. અમદાવાદમાં આવતીકાલે એટલે કે, 25 માર્ચે ગુજરાત અને પંજાબ વચ્ચે મેચ યોજાવવાની છે. આ મેચને લઈને હજુ પણ ઓનલાઈન ટિકિટ મળી રહી છે. ટિકિટની વેબસાઈટ પર સ્ટેડિયમમાં હજુ પણ 30 ટકાથી વધુ સીટો ખાલી દેખાઈ રહી છે. એટલે કે, કાલની મેચમાં લોકોને ઓછો રસ જોવા મળી રહ્યો છે. 29 માર્ચે યોજાનારી મેચમાં સ્ટેડિયમ ફૂલ થાય તેવી શક્યતા છે. ટિકિટનું ઓનલાઈન વેચાણ ચાલુ
IPL 2025ની સિઝનની ગુજરાતના અમદાવાદમાં પ્રથમ મેચ 25 માર્ચ યોજાવાની છે. ગુજરાત એને પંજાબ વચ્ચેની મેચની ટિકિટની ઓનલાઈન વહેંચણી DISTRICT BY ZOMATO નામની વેબસાઈટ પર શરૂ થઈ હતી. આ સાથે સાથે કેટલાક શહેરોમાં ટિકિટનું ઓફલાઈન વેચાણ પણ શરૂ થયું હતું. જોકે, મેચના એક દિવસ અગાઉ પણ હજુ DISTRICT BY ZOMATO પર ઓનલાઈન ટિકિટ મળી રહી છે. 499થી 20 હજાર રૂપિયા સુધીની તમામ ટિકિટ ઓનલાઈન મળી રહી છે. એટલે કે, તમામ ટિકિટનું વેચાણ થયું નથી. 30 ટકાથી વધુ ટિકિટ હજુ વેચાઈ નથી. ટિકિટના ભાવ ગુજરાત-મુંબઈની મેચની ટિકિટનું વેચાણ શરૂ
29 માર્ચે ગુજરાત અને મુંબઇ વચ્ચે પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજાવાની છે. જેની ટિકિટ 900 રૂપિયાથી શરૂ થાય છે. આ મેચમાં સ્ટેડિયમ ફૂલ થાય તેવી શક્યતા છે. ટિકિટના ભાવ પણ બે ગણા જેટલા છે અને ટિકિટનું વેચાણ શરૂ થયું છે, જેમાં લોકો અત્યારથી જ ટિકિટ ખરીદી રહ્યા છે. ટિકિટ ઉપલબ્ધ હોવાથી કાળાબજારીઓ નિષ્ક્રિય
ટિકિટનું ઓનલાઈન અને ઓફલાઇન માધ્યમથી વેચાણ થતાં કાળાબજારીઓ પણ સક્રિય થયા નથી. સામાન્ય રીતે મેચના અઠવાડિયાથી 10 દિવસ અગાઉ ટિકિટના કાળાબજારીઓ દ્વારા બે ગણાથી દસ ગણા સુધીના ભાવમાં વેચાણ કરવામાં આવે છે, પરંતુ ટિકિટ ઉપલબ્ધ હોવાથી કાળાબજારીઓ નિષ્ક્રિય છે. 25 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને પંજાબ વચ્ચે IPL 2025 સીઝનની પહેલી મેચ રમાવવાની છે, જેને લઇને અનેક લોકો મેચ જોવા આવવાના છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને કેટલાક રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જે માટે વૈકલ્પિક રસ્તો આપવામાં આવ્યો છે. જનપથથી સ્ટેડિયમ થઈને મોઢેરા ગામ તરફ જતા રસ્તો વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ રહેશે. IPL મેચ માટે મેટ્રોનું ટાઇમિંગ
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી IPL મેચો માટે મેટ્રો સેવામાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. GMRCએ મેટ્રો સેવાનો સમય મધ્યરાત્રિ 12:30 સુધી લંબાવ્યો છે. 25 માર્ચ, 29 માર્ચ, 9 એપ્રિલ, 2 મે અને 14 મે ના રોજ યોજાનારી મેચો દરમિયાન આ વિશેષ સેવા ઉપલબ્ધ રહેશે. સામાન્ય દિવસોમાં સવારે 6:20થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલતી મેટ્રો સેવા, મેચના દિવસોમાં મધ્યરાત્રિ સુધી ચાલશે. રાત્રે 10 વાગ્યા પછી માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી જ સેવા ઉપલબ્ધ રહેશે. મુસાફરો ત્યાંથી મેટ્રોની બંને કોરિડોર પર કોઈપણ કાર્યરત સ્ટેશન સુધી જઈ શકશે. મેચના દર્શકો માટે રૂ.50ની સ્પેશિયલ પેપર ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રે 10 વાગ્યા પછી માત્ર આ સ્પેશિયલ ટિકિટ જ માન્ય રહેશે. આ ટિકિટ અગાઉથી નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર સહિત 10 સ્ટેશનો પરથી ખરીદી શકાશે. મેચના દિવસોમાં દર 8 મિનિટે મેટ્રો ઉપલબ્ધ રહેશે. રાત્રે 10થી મધ્યરાત્રિ 12:30 દરમિયાન મોટેરા અને સાબરમતી સ્ટેશન પરથી દર 6 મિનિટે મેટ્રો મળશે. મોટેરા-ગાંધીનગર વચ્ચેની સેવા નિયમિત સમય મુજબ જ રહેશે.