અમદાવાદના સિંધુભવન રોડ ઉપર આવેલી ઇન્ડસ નામના ફ્લેટની બિલ્ડીંગના બેઝમેન્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના ઉપનેતા અને દરિયાપુર વોર્ડના કોર્પોરેટર નીરવ બક્ષીના પિતાની કારમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. બેઝમેન્ટમાં આગ લાગી હોવાના કારણે આખા બેઝમેન્ટમાં ધુમાડો ફેલાઈ ગયો હતો, જેને સ્મોક વેન્ટિલેશન ફેન વડે બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. કરોડો રૂપિયાના ફ્લેટમાં ફાયર સિસ્ટમ લગાવવામાં આવેલી છે. જોકે, આ ફાયર સિસ્ટમ કાર્યરત ન હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ગાડીમાં ઉતરી ગયા બાદ અચાનક જ બ્લાસ્ટ થયો હતો
મળતી માહિતી મુજબ દરિયાપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉપનેતા એવા નીરવ બક્ષીના પિતા સુરેન્દ્ર બક્ષી જેઓ પોતે પણ દરીયાપુર વોર્ડથી કોંગ્રેસમાંથી કોર્પોરેટર અને વિપક્ષના નેતા રહી ચૂક્યા છે. જે હાલમાં અમદાવાદના સિંધુભવન રોડ ઉપર આવેલા ઇન્ડસ નામના ફ્લેટમાં રહે છે. આજે રાત્રે 10:00 વાગ્યાની આસપાસ તેઓ પોતાના પિતાને દવાખાનેથી લઈ અને ઘરે પરત આવ્યા હતા ત્યારે બિલ્ડીંગના બેઝમેન્ટમાં તેઓએ પોતાની SUV ગાડી મૂકી હતી અને અચાનક જ આ ગાડીમાં ઉતરી ગયા બાદ બ્લાસ્ટ થયો હતો, જેના કારણે લોકોમાં દોડધામ બચી ગઈ હતી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બે ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બેઝમેન્ટમાં આગ લાગી હોવાથી ધુમાડો ફેલાયો હતો
ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીને જાણ થતા ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. જોકે, બેઝમેન્ટમાં આગ લાગી હોવાથી ધુમાડો ખૂબ વધારે થયો હતો, જે ધુમાડાને બહાર કાઢવામાં આવ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટર અને ઉપનેતા નીરવ બક્ષીએ આક્ષેપ કર્યો હતો કે, આ બિલ્ડિંગમાં કરોડો રૂપિયાના ફ્લેટ છે પરંતુ, ત્યાંની ફાયર સિસ્ટમ કાર્યરત નથી. ફાયર સેફટીના તમામ સાધનો લગાવવામાં આવેલા છે. જોકે, આ સિસ્ટમમાં ઓપરેશનલ ન થયું હોવાનું જાણવા મળ્યું છે.