ગુજરાત સરકારે 20 ફેબ્રુઆરી, 2025ના રોજ 2025-26નું 3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. તેમાં ચાલુ વર્ષે 2024-25ના અંતે જાહેર દેવું 26,747 કરોડ ઘટીને 3 લાખ 99 હજાર 633 કરોડ રહેવાનો સુધારેલો અંદાજ બતાવવામાં આવ્યો હતો. જ્યારે 2025-26ના અંતે 4 લાખ 55 હજાર 537 કરોડ અને 2026-27ના અંતે 5 લાખ 38 હજાર 651 કરોડ જાહેર દેવું પહોંચવાનો પ્રાથમિક અંદાજ દર્શાવ્યો છે. આ બજેટ રજૂ થયું તે પહેલાં નેશનલ કાઉન્સિલ ઑફ અપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER)નો રિપોર્ટ જાહેર થયો હતો. તે રિપોર્ટ દર્શાવે છે કે, રાજ્યએ નાણાંકીય વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કૂલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન (GSDP) સામે માત્ર 18.2%ના જાહેર દેવાં સાથે ગુજરાત મુખ્ય રાજ્યોમાં સૌથી ઓછું દેવું ધરાવતા રાજ્ય તરીકે ઊભર્યું હોવાની જાહેરાત કરવામાં આવી હતી. NCAERના રિપોર્ટ અનુસાર, ગુજરાતે તેના કુલ રાજ્ય ઘરેલું ઉત્પાદન સામે જાહેર દેવાના ગુણોત્તરમાં છેલ્લા 10 વર્ષમાં 4.5% જેટલો ઘટાડો કર્યો છે. જે ભારતના તમામ મોટા 21 રાજ્યોમાં સૌથી વધુ છે. NCAER રિપોર્ટના આંકડા એ દર્શાવે છે કે, ગુજરાતે નાણાંકીય શિસ્તમાં ઉત્કૃષ્ટ માપદંડ સ્થાપિત કરીને લાંબા ગાળાની આર્થિક સ્થિરતા સુનિશ્ચિત કરી છે. રિપોર્ટ અનુસાર, 2022-23માં ગુજરાતનો કુલ રાજ્ય ઘરેલું ઉત્પાદન સામે જાહેર દેવાનો ગુણોત્તર 18.9% હતો, જે 2023-24માં ઘટીને 18.2% થયો છે. જ્યાં ઘણાં રાજ્યોના જાહેર દેવાના સ્તરમાં વધારો થયો છે, ત્યાં ગુજરાતે પ્રશંસનીય ઘટાડો નોંધાવ્યો છે. ગુજરાતે 7.4 વર્ષની સરેરાશ પરિપક્વતા સાથે સ્ટેટ સિક્યોરિટીઝ પર 7.5% સરેરાશ વ્યાજદર જાળવીને આ સિદ્ધિ હાંસલ કરી છે. આ રાજ્યની રાજકોષીય જવાબદારી અને આર્થિક વિકાસ માટે સંતુલિત અભિગમ દર્શાવે છે. આ પણ વાંચો: ગુજરાત બજેટ 2025 આવકના સંદર્ભમાં માપ્યું છે દેવું
ગુજરાત સરકાર દ્વારા રાજ્ય ઘરેલું ઉત્પાદન સામે જાહેર દેવાંના પ્રમાણમાં ઘટાડો થયો હોવાની કરેલી જાહેરાત અંગે અમદાવાદની એચ.કે. આર્ટસ કોલેજના અધ્યાપક અને આચાર્ય તરીકે રહી ચૂકેલાં અર્થશાસ્ત્રી પ્રો. હેમંતકુમાર શાહે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ભારત સરકારની એક સંસ્થા છે NCAER.તેણે દેશના બધાં રાજ્યોનું દેવું કે દેશની કુલ આવક અને તે રાજ્યોની કુલ આવકના સંદર્ભમાં માપ્યું છે અને તેની ટકાવારીનું પ્રમાણ કાઢ્યું છે. તેના આધારે તેણે એમ કહ્યું છે કે ગુજરાતની જે આવક છે તે આવકના સંદર્ભમાં ગુજરાત સરકારનું જે દેવું છે તે છેલ્લાં દસ વર્ષમાં 4.5 ટકા ઘટાડામાં પરિણમ્યું છે. આવું છે દેવું ઘટવાનું ગણિત
‘આ વાતને બરોબર સમજવાની જરૂર છે. આ વાતનો એવો અર્થ નથી થતો કે ગુજરાત સરકારનું દેવું ઘટ્યું છે. આનો અર્થ માત્ર એટલો જ થાય છે કે દેવાની જે ટકાવારીનું પ્રમાણ છે તે ઘટ્યું છે. હું સાવ સીધી રીતે આ મુદ્દો સમજાવું દા.ત. મારી આવક 1 લાખ રૂપિયા છે અને મારું દેવું 10 હજાર રૂપિયા છે. તો તમે એવું કહેશો કે મારું દેવું 10 ટકા છે. હવે મારી આવક વધે છે. 1 લાખની 2 લાખ રૂપિયા થાય છે. પરંતુ મારું દેવું 10 હજારના સ્થાને 15 હજાર રૂપિયા થાય છે. એનો અર્થ એ થયો કે દેવામાં 50 ટકાનો વધારો થયો. પરંતુ મારી આવકમાં 100 ટકાનો વધારો થયો. એટલે 2 લાખે જો તમે 15 હજાર રૂપિયા દેવું ગણો તો તે ટકાવારી ઘટી ગઇ. જે પહેલાં 10 ટકા હતી તે 7.5 ટકા થઇ ગઈ. એટલે એનો અર્થ એ થયો કે દેવામાં 2.5 ટકાનો ઘટાડો થયો છે.’ ‘2025-26માં દેવું 4.73 લાખ કરોડ થવાનું છે’
‘આ જે સંશોધન અત્યારે આવ્યું છે તે આટલું જ કહે છે કે ગુજરાતની વધેલી આવકના સંદર્ભમાં જે વધેલું દેવું છે તે 4.5 ટકા જેટલું ઘટ્યું છે. આનો અર્થ એવો નથી થતો કે ગુજરાત સરકારના દેવામાં ઘટાડો થયો છે. જો તમે હકીકત જોવો તો અને ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની રાજકોષીય જવાબદારી ધારો અને તેના અંગેનો 2005નો કાયદો છે તે કાયદા હેઠળ બજેટની સાથે જ જે નિવેદન બહાર પાડવામાં આવે છે તેના આંકડા જોવો તો તમને ખ્યાલ આવશે કે ચાલુ વર્ષે ગુજરાત સરકારનું દેવું 4.26 લાખ કરોડ જેટલું થવાનું અંદાજ્યું છે. અને આવતા વર્ષે એટલે 2025-26માં તે 4.73 લાખ કરોડ થવાનું છે. તેના પછીના વર્ષે 5.26 લાખ કરોડ જેટલું થવાનું છે. એટલે એનો અર્થ એ થયો કે દેવું તો વધતું જાય છે. દેવું ઘટતું નથી અને દેવું વધવાની ઝડપ પણ વધી છે તે પણ એક હકીકત છે. એટલે એવું માનવાને કોઇ કારણ નથી કે ગુજરાત સરકારનું દેવું ઘટી રહ્યું છે. એક આ વાત મને લાગે છે કે મહત્વની છે.’ ‘નવા દેવાનો 50 ટકા ભાગ તો જૂનું દેવું ભરપાઈ કરવામાં થાય છે’
‘બીજો એક મુદ્દો પણ મને લાગે છે ઘણો મહત્વનો છે. તેનું કારણ એ છે કે ગુજરાત સરકાર દેવું ચૂકવવા માટે જે ખર્ચ કરે છે તે પણ ઘણું વધારે છે. દા.ત. તમે ચાલુ વર્ષનું બજેટ જોવો તો તેમાં લગભગ 25 હજાર કરોડ રૂપિયા કરતાં વધારે ખર્ચ અગાઉનું દેવું ચૂકવવા માટે થઇ ગયો છે. બીજું 50 હજાર કરોડ જેટલું દેવું તો લેવાનું જ છે તેનો અર્થ શું થયો? તેનો અર્થ એ થયો કે તમે જે દેવું લો છો તેનું લગભગ અડધું દેવું તો જૂનું દેવું ભરપાઇ કરવામાં વાપરી નાંખો છો. તો તમારું જે દેવું છે તે પુરું થવાનું જ કેવી રીતે? આ એક વાત ગુજરાતના સંદર્ભમાં ઘણી મહત્વની છે.’ કરવેરાની આવક વધી છતાં દેવામાં કેમ વધારો થાય છે?
‘બીજી એક વાત પણ સમજવાની જરૂર છે અને તે એ છે કે ગુજરાત સરકારની કરવેરાની જે આવક છે. તે આવક ખૂબ ઝડપથી વધી છે. પહેલાં વેટ અને પછી જીએસટી આવ્યો એટલે કરવેરાની આવક વધી. હવે મુદ્દો એ છે કે જો ગુજરાત સરકારની કરવેરાની આવકમાં બહુ જોરદાર વધારો થતો હોય તો દેવામાં કેમ વધારો થાય છે. તેનું કારણ એ છે કે ગુજરાત સરકારની પોતાની જે કરવેરાની આવક છે તે બેફામ રીતે ખર્ચવામાં આવે છે. ખર્ચ ઉપર કોઇપણ પ્રકારનું નિયંત્રણ નથી. તદ્દન નકામા ખર્ચાઓ ખાસ કરીને ઉત્સવો પાછળ કરવામાં આવતાં હોય છે.’ ‘વાઇબ્રન્ટ ગુજરાત જેવા આયોજનો પાછળના બેફામ ખર્ચથી દેવું વધે છે’
‘વાઇબ્રન્ટ ગુજરાત દર બે વર્ષે યોજાય છે. તેની પાછળ જ 50-100 કરોડનો ખર્ચ થાય છે. હવે આવા બેફામ ખર્ચ થતાં હોય તો સરકારનું દેવું વધે જ. પછી ભલે ને સરકારની આવકમાં બહુ મોટો વધારો થાય. એટલે મહત્વનો મુદ્દો એ છે કે સરકારે ખર્ચ ક્યાં ઘટાડવો અને જે બેફામ બગાડપૂર્ણ ખર્ચા થાય છે તે કયા ઘટાડવા એના વિશે વિચારણાં કરવાની આવશ્યકતા છે. નહીંતર તો સરકારનું દેવું અત્યારે વધે છે અને વધતું રહેવાનું છે. જે 4.5 ટકાનો ઘટાડો બતાવે છે તેનો કોઇ અર્થ રહેતો નથી. કારણ કે છેલ્લાં દસ વર્ષમાં ટકાવારીનું પ્રમાણ ઘટ્યું છે. એટલે દા.ત. અત્યારે ગુજરાત સરકારની આવકના 15 ટકા દેવું છે તો એ દસ વર્ષ પહેલાં 20 ટકા જેટલું હતું તેમ તેનો અર્થ છે. પણ એનો અર્થ એવો નથી થતો કે દેવું ઘટ્યું છે.’ ‘1999-2000માં 18,510 કરોડ દેવું હતું’
‘આ વાતને ઉદાહરણથી સમજીએ તો, 1999-2000માં ગુજરાત સરકારનું દેવું 18,510 કરોડ રૂપિયા હતું. એટલે એનો અર્થ એ થયો કે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે આપણી સરકારનું દેવું 20 હજાર કરોડ રૂપિયાની આસપાસ જ હતું. જે અત્યારે 4.15 લાખ કરોડ રૂપિયા થઇ ગયું. તો ક્યાંથી ઘટ્યું દેવું ? આ જે વિગત છે તે સરકારી વિગત છે. કાયદા મુજબ જાહેર કરવામાં આવેલી વિગત છે. એટલે લોકોએ એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી કે સરકારનું દેવું ઘટી ગયું છે.’ ‘આવક વધી છે એટલે દેવાનું પ્રમાણ ઓછું દેખાય છે’
‘સરકારે કોઇ પગલાં ભરીને દેવામાં ઘટાડો કર્યો છે તેવું નથી તેવા પ્રશ્નના જવાબમાં તેમણે બહુ સ્પષ્ટ ના કહેતાં કહ્યું કે, જો તમે એક વસ્તુ સમજો કે, દેવામાં ઘટાડો થયો જ નથી. ગુજરાતની કુલ આવક (જીડીપી)ના સંદર્ભમાં ટકાવારી પ્રમાણ છે તેમાં 4.50 ટકાનો ઘટાડો થયો છે. આ એક મહત્વનો મુદ્દો અને બીજો મહત્વનો મુદ્દો સરકારે દેવું ઘટાડવા માટે જો કોઇ પ્રયાસ કર્યો હોય તો દેવું ઘટવું જોઇએ ને, આ તો વધ્યું છે. છેલ્લાં 25 વર્ષમાં તમે મને એક પણ વર્ષ બતાવો કે જેમાં સરકારનું દેવું ઘટ્યું હોય. એવું તો કોઇ વર્ષ છે જ નહીં. એટલે દેવું ઘટાડવાનો પ્રયાસ થયો છે માટે આ ટકાવારી પ્રમાણ ઘટ્યું છે તેવું નથી. પરંતુ જેના સંદર્ભમાં ટકા કાઢવામાં આવે છે તે ગુજરાતની આવક વધી છે માટે તમને દેવાંનું પ્રમાણ ઓછું દેખાય છે.’