સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર હાઇવે પર આવેલી પેપર મિલમાં લાગેલી ભીષણ આગ પર 30 કલાક બાદ કાબૂ મેળવી શકાયો છે. આગની જાણ થતાં જ ધ્રાંગધ્રા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગનું વિકરાળ સ્વરૂપ જોતાં ધ્રાંગધ્રા આર્મી ટીમને પણ બોલાવવામાં આવી હતી. આગને કાબૂમાં લેવા માટે અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો સાથે આર્મીના જવાનોએ સતત પ્રયાસો કર્યા હતા. 30 કલાકની ભારે જહેમત બાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી હતી. હાલ JCB અને ટ્રેક્ટર દ્વારા બળી ગયેલા માલને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ફરી આગ ન લાગે તે માટે નુકસાન પામેલા માલને અલગ કરી તેના પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તંત્રના જણાવ્યા અનુસાર, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કંપનીના માલિકો અને વીમા કંપનીના પ્રતિનિધિઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે, પરંતુ મશીનરીને કોઈ નુકસાન થયું નથી. સૌથી મોટી રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.