બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન તમીમ ઇકબાલને સોમવારે સવારે હૃદયરોગનો હુમલો આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. મેચ રમતી વખતે તમીમને હાર્ટ એટેક આવ્યો. તમીમ સાવરમાં મોહમ્મદન સ્પોર્ટિંગ ક્લબ અને શાઇનપુકુર ક્રિકેટ ક્લબ વચ્ચે ઢાકા પ્રીમિયર ડિવિઝન ક્રિકેટ લીગ મેચ રમી રહ્યો હતો ત્યારે તેને છાતીમાં ભારે દુખાવો થયો. તમીમને હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે
ક્રિકબઝના અહેવાલ મુજબ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના ફિઝિશિયન ડો. દેબાશીષ ચૌધરીએ જણાવ્યું હતું કે, મેચ દરમિયાન તમીમે છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની તપાસ કરવામાં આવી હતી અને ECG કરવામાં આવ્યો હતો. તે અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો અને ઢાકા પાછા જવા માંગતો હતો. એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને જ્યારે તે હોસ્પિટલથી મેદાનમાં પાછા ફરી રહ્યો હતો, ત્યારે તેને ફરીથી છાતીમાં દુખાવો થયો. આ પછી તેમને બીજી વખત હોસ્પિટલમાં લાવવામાં આવ્યો અને જાણવા મળ્યું કે તેને ભારે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેને હવે ફઝીલાતુન્નેસ હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખ્યો છે. તમીમે આ વર્ષે જાન્યુઆરીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી
તમીમ ઇકબાલે આ વર્ષે જાન્યુઆરીમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ બીજી વાર હતું જ્યારે તેણે પોતાની કારકિર્દીને અલવિદા કહ્યું હતું. તમીમે જુલાઈ 2023માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લીધી હતી, પરંતુ 24 કલાકમાં જ તેણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો. તમીમે બાંગ્લાદેશ માટે છેલ્લી મેચ સપ્ટેમ્બર 2023માં રમી હતી. તેમણે ફેબ્રુઆરી 2007માં ઝિમ્બાબ્વે સામેની ODI મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. તમીમનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ
તમીમ ઇકબાલે 70 ટેસ્ટ મેચમાં 38.89 ની સરેરાશથી 5134 રન બનાવ્યા હતા. જેમાં 10 સદી અને 31 અડધી સદીનો સમાવેશ થાય છે. 243 વન-ડેમાં તેણે 36.65ની સરેરાશથી 8357 રન બનાવ્યા છે. વન-ડે આંતરરાષ્ટ્રીય મેચમાં 14 સદી અને 56 અડધી સદી ફટકારી. તમીમે 78 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 24.08 ની સરેરાશથી 1758 રન બનાવ્યા. તેના નામે એક સદી અને સાત અડધી સદી છે.