બાંગ્લાદેશનો ગારમેન્ટ સેક્ટર હાલમાં ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના સરકાર ગયા પછીના સાત મહિનામાં 140થી વધુ કપડાની ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે. આના કારણે એક લાખથી વધુ કામદારો બેરોજગાર થઈ ગયા છે. એકલા ગાઝીપુર, સાવર, નારાયણગંજ અને નરસિંદીમાં, 50થી વધુ ફેક્ટરીઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે, જ્યારે લગભગ 40 ફેક્ટરીઓ કામચલાઉ ધોરણે બંધ છે. બીજી તરફ, ઘણી ગારમેન્ટ કંપનીઓમાં, કામદારોને 2 મહિનાથી 14 મહિનાનો પગાર આપવાનો બાકી છે, જેના કારણે તેઓ રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે. જેમ જેમ ઈદ નજીક આવી રહી છે તેમ તેમ પરિસ્થિતિ વધુ ભયાનક બનતી જાય છે. ઈદ પછી વધુ ફેક્ટરીઓ બંધ થવાની ધારણા છે. આમ છતાં, સરકાર અને ગારમેન્ટ માલિકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ગારમેન્ટ સેક્ટરમાંથી 20% ઓર્ડર શિફ્ટ થયા બાંગ્લાદેશ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્સપોર્ટર્સ એસોસિએશન (BGMEA)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, 20% ઓર્ડર દેશની બહાર શિફ્ટ થઈ ગયા છે. હવે આ ઓર્ડર ભારત, વિયેતનામ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા અને પાકિસ્તાનને મળી રહ્યા છે. બંધ થઈ રહેલી મોટાભાગની ફેક્ટરીઓ હસીનાની પાર્ટીના નેતાઓ સાથે જોડાયેલી છે કપડાની ફેક્ટરીઓ અચાનક બંધ થવાના બે મુખ્ય કારણો આર્થિક મંદી અને રાજકીય અસ્થિરતા છે. જો કે, આ કટોકટીમાં એક રસપ્રદ હકીકત એ છે કે બંધ થઈ રહેલી મોટાભાગની ફેક્ટરીઓ ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગ સાથે સંકળાયેલા નેતાઓની છે. આમાં હસીનાના વિદેશી રોકાણ સલાહકાર સલમાન એફ. રહેમાનની બેક્સિમકો કંપની પણ તેમાં સામેલ છે. છેલ્લા સાત મહિનામાં, બેક્સિમકોના 15 ફેક્ટરીઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. આ ઉપરાંત, આવામી લીગના મંત્રી ગાઝી દસ્તગીરના ઘણા કારખાનાઓ પણ બંધ થઈ ગયા છે. મજૂર નેતા મોહમ્મદ મિન્ટુ કહે છે કે, બેક્સિમકો ગારમેન્ટ સેક્ટરની એક વિશાળ કંપની હતી. અહીં કામદારોને સમયસર વેતન અને બોનસ મળતા હતા. તેને બંધ કરવાથી સમસ્યા થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણા મોટા કપડાના વેપારીઓ દેશ છોડીને ચાલ્યા ગયા છે, જેના કારણે ફેક્ટરી બંધ થવાની સમસ્યા વધુ ગંભીર બની છે. યુનિયને કહ્યું – મંદીનું સંકટ વધુ ઘેરું બન્યું કપડાની ફેક્ટરીઓ બંધ થવા અંગે સરકાર દલીલ કરી રહી છે કે બજારમાં ઓર્ડર ન મળવાને કારણે પ્રોડક્શન ઠપ્પ થઈ ગયું છે. પરંતુ ગાર્મેન્ટ વર્કર્સ ટ્રેડ યુનિયન સેન્ટરના કાનૂની બાબતોના સચિવ ખૈરુલ મામુન મિન્ટુ દાવો કરે છે કે આ એક હળાહળ ખોટું છે. ઓર્ડર હજુ પણ મળી રહ્યા છે, પરંતુ જે ફેક્ટરીઓ બચી છે તેમના પર વધારાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. ખરેખરમાં, રાજકીય કારણોસર આ કટોકટી વધુ ઘેરી બની છે. જો આને નિયંત્રિત કરવામાં નહીં આવે તો દેશમાં આર્થિક મંદી આવી શકે છે. નિષ્ણાતો કહે છે કે યુનુસ સરકાર આ ક્ષેત્રમાં સુધારો લાવવા માટે કોઈ પગલાં લઈ રહી નથી. મોટાભાગની મહિલાઓ ગારમેન્ટ ક્ષેત્રમાં છે, આ 84% વિદેશી હૂંડિયામણનો સ્ત્રોત છે ગારમેન્ટ સેક્ટર બાંગ્લાદેશના અર્થતંત્રનો આધારસ્તંભ છે. આ ઉદ્યોગ દર વર્ષે દેશના 84% વિદેશી હૂંડિયામણ કમાય છે. ઉપરાંત, તે 50 લાખ લોકોને સીધી રીતે અને 1.5 કરોડ લોકોને પરોક્ષ રીતે રોજગાર પૂરો પાડે છે. ખાસ વાત એ છે કે આ ઉદ્યોગમાં મહિલાઓની મોટી ભાગીદારી છે. પરંતુ વર્તમાન કટોકટીએ આ સમગ્ર વ્યવસ્થાને હચમચાવી નાખી છે. હસીનાની વાપસીની તૈયારી કરી રહી છે સેના બાંગ્લાદેશમાં નવા વિદ્યાર્થી-નેતૃત્વવાળા પક્ષ ‘નેશનલ સિટીઝન પાર્ટી’ (NCP) અને સેના વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. NCPએ આરોપ લગાવ્યો હતો કે સેના હાંકી કાઢવામાં આવેલી શેખ હસીનાની અવામી લીગને સત્તામાં પાછી લાવવાનું કાવતરું ઘડી રહી છે. NCPના નેતાઓ હસનત અબ્દુલ્લા અને સર્જિસ આલમે દાવો કર્યો હતો કે સેના અવામી લીગનું નામ બદલીને એક નવો પક્ષ બનાવી શકે છે જેથી હસીનાના નેતૃત્વમાં તેને ફરીથી રાજકારણમાં ઉભી કરી શકાય. જોકે, સેનાએ તેને ખોટું ગણાવ્યું છે. સેના કહે છે કે અમારી પાસે આવી કોઈ યોજના નથી.