અમદાવાદના સરદાર પટેલ રિંગરોડ પર વટવા નજીક રોપડા રેલવે ઓવરબ્રિજ નજીક 23 માર્ચ(રવિવાર)ના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન 600 ટનની વિશાળકાય ક્રેન તૂટી હતી. અમદાવાદ-મુંબઈ ડાઉન લાઈન પર ક્રેન પડી હતી જેના કારણે ટ્રેક અને રેલવેના ઓવરહેડ વાયરને નુકસાન થયું હતું. ક્રેન દુર્ઘટનાને પગલે નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા ક્રેનને ઉતારવાની અને રીપેરીંગની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી હતી. રેલવે અને નેશનલ હાઈ સ્પીડ રેલવે ઓથોરિટી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા 24 કલાકમાં ધરાશાયી થયેલી વિશાળ ક્રેનને નીચે ઉતારી લેવામાં આવી છે. 750 ટનની એક ટ્રેન અને 500 ટનની બે તેમજ 130 ટનની એક ટ્રેનની મદદથી આ ક્રેનને ઉતારી લેવામાં આવી છે. ક્રેનને ઉતારી લેવાની કામગીરી પૂરી થઈ ચૂકી છે ત્યારે હવે રેલ્વે લાઈનને ફરીથી પૂર્વવત કરવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને રેલ્વે ટ્રેકનો સમગ્ર વિસ્તાર ખાલી કરી દેવામાં આવ્યો છે. નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ અને પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના 300 માણસોની મદદથી 24 કલાકમાં ક્રેનને ઉતારી લેવામાં આવી છે. મહાકાય ક્રેને દૂર કરવા માટે 300 જેટલા કામદારો છેલ્લા 24 કલાક કરતા વધુ સમયથી કામે લાગ્યા છે. મંગળવારે ક્રેઈન દૂર થયા બાદ અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર પૂર્વવત થવાની શક્યતા છે. 300થી વધુ કર્મચારી-અધિકારીઓ કામે લાગ્યા
દિવ્ય ભાસ્કર દ્વારા છેલ્લા 24 કલાકથી પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના અધિકારીઓને કર્મચારીઓ તેમજ નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા કેવી રીતે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં કેટલા લોકો જોડાયેલા છે અને કેટલા સમય સુધી હજી સુધી આ કામગીરી ચાલશે તે અંગે સમગ્ર માહિતી મેળવી હતી. 24 કલાકથી નેશનલ હાઈ સ્પીડ રેલવે અને પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના 300થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓ ત્રણ વિશાળ ક્રેન અને બીજી નાની મશીનરી તેમજ રેલવે પ્રોટેક્શન ફોર્સના પોલીસ બંદોબસ્ત વચ્ચે આખા વિસ્તારને પ્રોટેક્શન કરીને ક્રેનને ઉતારવાની કામગીરી કરી રહી છે. ગર્ડરની કામગીરી સમયે ક્રેન તૂટી પડી હતી
નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, રાત્રે 11 વાગ્યાની આસપાસ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન વાયડક્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી સેગમેન્ટ લોન્ચિંગ ગેન્ટ્રી( વિશાળ ક્રેન) કોન્ક્રીટ ગર્ડરની કામગીરી પૂરી કરી પરત આવતી હતી. ત્યારે અચાનક જ ખસી જતા નીચે તૂટી પડી હતી. ઘટના અંગે જાણ થતા હાઈ સ્પીડ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને પશ્ચિમ રેલવેના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા વડોદરા અને અમદાવાદ કાંકરીયાથી એકસીડન્ટ રેસ્ક્યૂ ટીમ (ART) પણ પહોંચી હતી. 600 ટનની ક્રેનને દૂર ખસેડવા ત્રણ અન્ય ક્રેન લાવવામાં આવી
600 ટનની વિશાળકાય ક્રેન ધરાશાયી થઈ હોવાથી તેને હટાવવા માટે ભારે મશીનરી અને ક્રેનની જરૂરિયાત ઊભી થઈ હતી. જેથી 500 ટનની બે અને 750 ટનની 1 એમ ત્રણ વિશાળ ક્રેન તેમજ જેસીબી મશીન સહિતની મશીનરી બોલાવવામાં આવી હતી. પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના 50થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓ પણ પહોંચી ગયા હતા. સવારે 9:00 વાગ્યાની આસપાસ 500 ટનની બે વિશાળ ક્રેન બોલાવી લેવામાં આવી હતી ત્યારબાદ 750 ટનની ક્રેન લાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી. જેથી બપોરે 12 વાગ્યાની આસપાસ આ ક્રેન ત્યાં પહોંચી હતી અને કામગીરી શરૂ કરવામાં આવી હતી. કામગીરી માટે 15 મીટર સુધી રેલવે ટ્રેક તોડવો પડ્યો
અમદાવાદ-મુંબઈ રેલ્વે વ્યવહાર પર ડાઉનલાઇન પર ક્રેન ઉભી કરવાની જરૂરિયાત ઊભી થતા રેલવેનો અંદાજિત 10થી 15 મીટર લાંબો રેલવે ટ્રેક કાપી અને દૂર કર્યો હતો. ત્યારબાદ એક ક્રેન ટ્રેકની જગ્યા ઉપર રાખવામાં આવી હતી ત્યાંથી ગેન્ટ્રી (વિશાળ ક્રેન)ના એસ સેક્શન છે તેમાંથી એક સેક્શનને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મશીનરીના ઉપયોગથી ક્રેનનો એક તરફનો ભાગ રાત્રે 8:30 વાગ્યાની આસપાસ ઉતારી લેવામાં આવ્યો હતો. બીજા ભાગને ઉતારવાની કામગીરી હજી સુધી ચાલી રહી છે જે લગભગ સોમવાર મોડી રાત સુધી ચાલશે. ખૂબ જ વિશાળ ક્રેન હોવાથી સાવચેતીપૂર્વક આવી કામગીરી કરવામાં આવી રહી છે. મંગળવારે બપોર સુધીમાં અમદાવાદ-મુંબઈને રેલ વ્યવહાર પૂર્વવત થવાની શક્યતા
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અને નેશનલ હાઈ સ્પીડ રેલ્વે કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર સહિતના અધિકારીઓ સતત આ કામગીરી ઉપર નજર રાખી રહ્યા છે હાલમાં 300 થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓની મદદ લઈ અને ક્રેનને ત્યાંથી હટાવવામાં આવી રહી છે. વિશાળ ક્રેન ઉતારવાની કામગીરી પૂર્ણ થયા બાદ જ રેલવેને તેના ટ્રેક અને ઓવરહેડ વાયર સરખો કરવા માટે પણ સમય લાગશે. જેના કારણે અમદાવાદથી મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર હજી મંગળવાર બપોર સુધી પૂર્વવત થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી.