back to top
Homeભારતમેરઠ સૌરભ હત્યાકાંડ, સાહિલ નહીં, પણ મુસ્કાન માસ્ટરમાઈન્ડ:સાહિલની મૃત માતાના નામે સ્નેપચેટ...

મેરઠ સૌરભ હત્યાકાંડ, સાહિલ નહીં, પણ મુસ્કાન માસ્ટરમાઈન્ડ:સાહિલની મૃત માતાના નામે સ્નેપચેટ એકાઉન્ટ બનાવ્યું, મેસેજ કર્યો- સૌરભને મારી નાખ

‘જો તું સૌરભને મારી નાખીશ, તો તારી માતાના આત્માને શાંતિ મળશે.’ ‘જો તારે નવું અને સારું જીવન શરૂ કરવું હોય, તો તારે મુસ્કાન સાથે લગ્ન કરવા પડશે.’ ‘મારી છેલ્લી ઈચ્છા છે કે તું મુસ્કાન સાથે લગ્ન કરી લે, તો જ મને શાંતિ મળશે.’ આ ત્રણેય મેસેજ મુસ્કાનના છે, જે તેણે સાહિલને મોકલ્યા હતા. મેરઠ પોલીસે મુસ્કાનના સ્નેપચેટ એકાઉન્ટમાંથી 136 મેસેજ મળ્યા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મુસ્કાને સાહિલની માતા અને બહેનના નામે ખોટા એકાઉન્ટ બનાવ્યા હતા. તે આ એકાઉન્ટથી વારંવાર સાહિલને મેસેજ કરતી હતી. તે જાણતી હતી કે સાહિલ એક કર્મકાંડી છે. સાહિલ મુસ્કાનને એમ પણ કહ્યું હતું કે તે તેની માતાના આત્મા સાથે વાતચીત કરે છે. આનો ફાયદો ઉઠાવીને, તે સાહિલને તેની માતાના નામના ખોટા એકાઉન્ટ પરથી મેસેજ કરતી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મુસ્કાન નવેમ્બર 2024થી સૌરભની હત્યાનું કાવતરું ઘડવાનું શરૂ કર્યુ હતું. તે સાહિલને સીધું કહી શકતી ન હતી કે સૌરભને મારી નાખવો પડશે. તેથી તેણે 3 ખોટા સ્નેપચેટ એકાઉન્ટ બનાવ્યા. પહેલું- સાહિલની મૃત માતા જ્યોતિનું. બીજું- સૌરભનું. ત્રીજું – સાહિલની બહેન સમીક્ષાનું. મુસ્કાનને છૂટાછેડા લઈ લેવા જોઈતા હતા, તેણે પોતાના પતિની હત્યા કેમ કરી? અમે આ પ્રશ્ન મેરઠ પોલીસના તે અધિકારીઓને પૂછ્યો જે આ કેસ ઉકેલી રહ્યા છે. તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો હોવાથી, અધિકારીઓએ બિનસત્તાવાર રીતે કહ્યું કે આના બે કારણો હોઈ શકે છે. પહેલું- સૌરભને ખબર પડી કે તેનું સાહિલ સાથે અફેર છે. આ વાતને લઈને બંને વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો. બીજું- સાહિલ સાથેના અફેર પછી પણ, સૌરભ મુસ્કાનને ગુમાવવા માંગતો ન હતો. તે કદાચ તેને દિલથી પ્રેમ કરતો હતો. એટલા માટે સૌરભે મુસ્કાનના છૂટાછેડાના પ્રસ્તાવને વારંવાર ફગાવતો હતો. મુસ્કાન ફક્ત સાહિલ સાથે જ રહેવા માંગતી હતી. તેથી, સૌરભના કાંટાને રસ્તા પરથી હટાવવા માટે, તેણે 4 મહિના પહેલા કાવતરું ઘડવાનું શરૂ કર્યું. સાહિલને હત્યા કરવા માટે મનાવી લીધો અને 3 માર્ચની રાત્રે સૌરભની હત્યા કરી નાખી. આ મેસેજ પરથી પોલીસને હવે લાગે છે કે સાહિલ હત્યાનો મુખ્ય સૂત્રધાર નહોતો. તે ફક્ત એક માધ્યમ હતો. સમગ્ર ષડયંત્ર મુસ્કાને ઘડ્યું છે. સૌરભની હત્યાનું કાવતરું કેવી રીતે ઘડાયું? મુસ્કાને સાહિલનો ઉપયોગ કેવી રીતે કર્યો? હત્યા કરીને બચવાનો પ્લાન શું હતો? ક્રમશઃ વાંચો… સાહિલના દાદા એક જ્યોતિષી છે અને કર્મકાંડ પર આંધળો વિશ્વાસ છે પોલીસ પૂછપરછ દરમિયાન, એવું સામે આવ્યું કે મુસ્કાન જાણતી હતી કે સાહિલ જ્યોતિષ, ભાગ્ય અને કર્મકાંડમાં ગાઢ વિશ્વાસ રાખે છે. આનું કારણ એ છે કે સાહિલના દાદા એક મોટા એસ્ટ્રોલોજર હતા. બાળપણથી જ સાહિલ જ્યોતિષ, ભાગ્ય અને કર્મકાંડ જોતો આવ્યો છે. મુસ્કાને પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે સાહિલની માતા જ્યોતિનું 18 વર્ષ પહેલાં બીમારીને કારણે અવસાન થયું હતું. પણ, તેને લાગ્યું કે તેનો આત્મા આ ઘરમાં રહે છે. આ જ કારણ છે કે સાહિલના મોટા ભાઈઓ આશિષ અને દિવ્યાંશુ લંડન અને દિલ્હી શિફ્ટ થયા, પરંતુ સાહિલ એક જ ઘરમાં રહ્યો. તે પહેલા માળે એક રૂમમાં રહેતો હતો. તેના નાની પ્રેમવતી ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા હતા. બાકીનું ઘર ભાડે આપવામાં આવ્યું હતું. સાહિલે પોતાની આસપાસનું વાતાવરણ એવું રાખ્યું હતું કે જાણે તેની માતાનો આત્મા એ જ ઘરમાં રહે છે. એટલા માટે તેણે સ્નેપચેટ પર મળતા સંદેશાઓ પર વિશ્વાસ કરવા લાગ્યો. તે વિચારી રહ્યો હતો કે મારી માતા મૃત્યુ પછી પણ મારી સાથે વાત કરે છે. તે ઈચ્છે છે કે હું મુસ્કાન સાથે લગ્ન કરી લઉ. આ જ કારણ છે કે મારી અને સાહિલ વચ્ચેની નિકટતા વધતી ગઈ. આનો ફાયદો ઉઠાવીને, મેં ખૂબ જ સરળતાથી સાહિલને સૌરભને મારી નાંખવા માટે મનાવી લીધો. સૌરભને મારવાનો પહેલો પ્રયાસ નવેમ્બર, 2024: દારૂમાં દવાઓ ભેળવીને તેને પીવાડાવાનો પ્લાન એસપી સિટી આયુષ વિક્રમ સિંહના જણાવ્યા અનુસાર, સૌરભે લંડનમાં રહેતા સમયે ખૂબ દારૂ પીવા લાગ્યો હતો. એટલા માટે મુસ્કાન, પહેલી વાર હત્યાનું કાવતરું ઘડતી વખતે, સૌરભની વ્હિસ્કીમાં દવા ભેળવવાનું વિચારી રહી હતી, જે પીધા પછી રિએક્શન થાય અને સૌરભ મરી જાય. પોલીસને લાગશે કે મૃત્યુ વધુ પડતા દારૂ પીવાથી થયું છે. આ રીતે, તેની સામે કોઈ આરોપો લાગશે નહીં. પોલીસ તપાસ દરમિયાન, મુસ્કાનના મોબાઇલ પર પણ આવી સર્ચ હિસ્ટ્રી મળી આવી હતી. મુસ્કાને ઇન્ટરનેટ પર પણ આવી દવાઓ સર્ચ કરી હતી. પરંતુ, સૌરભે એક પણ દિવસ ઘરે બેસીને દારૂ પીધો નહીં. તે દારૂ પીવા માટે બારમાં જતો રહ્યો. આ કારણે, મુસ્કાનને ક્યારેય તેના પ્લાનને અંજામ આપવાની તક મળી નહીં. આ દરમિયાન, સૌરભને મુસ્કાન અને સાહિલના અફેર વિશે ખબર પડે છે. બંને વચ્ચે ભારે ઝઘડો થયો. વાત તો એટલી આગળ વધી ગઈ કે બંને છૂટાછેડા સુધી પહોંચી ગયા. પરંતુ, સૌરભ તેને છૂટાછેડા આપવા માંગતો ન હતો. તેથી તેણે તેને સમજાવી અને લંડન પાછો ગયો હતો. બીજા પ્રયાસમાં સફળતા હું સૌરભ તરીકે મેસેજ કરતી- પપ્પા અને મમ્મી મને મારી નાખવા માંગે છે આ તરફ મુસ્કાન સૌરભના નકલી આઈડી પરથી પોતાના માટે સારા મેસેજ લખતી રહી. જેથી તેને વાંચ્યા પછી બહારની દુનિયાને લાગે કે તે લોકો સુખી જીવન જીવી રહ્યા છે. ક્યાંય કોઈ સમસ્યા નથી. મુસ્કાન સૌરભના આઈડી પરથી લખતી હતી કે મારા માતા-પિતા મને મારી નાખવા માંગે છે. જેથી સૌરભની હત્યા પછી લોકો તેના પરિવારના સભ્યોને જવાબદાર ઠેરવે અને મુસ્કાન અને સાહિલ બચી જાય. પોલીસને પણ આ મેસેજ મળ્યા છે. તપાસ અધિકારીએ આનો સમાવેશ પોતાની કેસ ડાયરીમાં કર્યો છે. ફેબ્રુઆરી, 2025: સૌરભને તેના જન્મદિવસના બહાને મેરઠ બોલાવવામાં આવ્યો, તેનો પાસપોર્ટ સંતાડી દીધો સૌરભ લંડન ગયા પછી, મુસ્કાન તેની સાથે ફોન પર સતત વાત કરતી હતી. તેણે કહ્યું કે દીકરી પીહુનો જન્મદિવસ ફેબ્રુઆરીમાં છે, મારો જન્મદિવસ પણ ફેબ્રુઆરીમાં છે. તેને મેરઠ આવવું જ પડશે. આ વાતચીતથી સૌરભને લાગવા લાગ્યું કે મુસ્કાન તેને ફરીથી પ્રેમ કરવા લાગી છે. મુસ્કાનનો જન્મદિવસ 25 ફેબ્રુઆરીએ હતો. ત્રણ દિવસ પછી, 28 ફેબ્રુઆરીએ, દીકરી પીહુનો જન્મદિવસ હતો. તેથી સૌરભ 24 ફેબ્રુઆરીએ લંડનથી મેરઠ આવ્યો. મુસ્કાન સાથે એક રેસ્ટોરન્ટમાં પાર્ટી કરી. સૌરભ અને મુસ્કાનના ડાન્સનો એક વીડિયો પણ સામે આવ્યો છે. સૌરભે મુસ્કાનને કહ્યું કે તેનો પાસપોર્ટ રિન્યુ કરાવવાની જરૂર છે. તેણે ઓનલાઈન અરજી કરી છે. મુસ્કાનને ડર લાગ્યો કે સૌરભ લંડન પાછો જતો રહેશે. એટલા માટે તેણે પાસપોર્ટ બનીને આવ્યા પછી છુપાવી દીધો. આ બાબતે સૌરભ અને મુસ્કાન વચ્ચે ઝઘડો પણ થયો હતો. 2 માર્ચ: ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર મિડાઝોલમ દવા ખરીદી આ પછી મુસ્કાને નક્કી કર્યું કે સૌરભને રસ્તા પરથી હટાવવો પડશે. તેણે સાહિલ સાથે પ્લાન કર્યો કે તે ડિનર દરમિયાન ખાવામાં ઊંઘની ગોળીઓ ભેળવી દેશે જેથી સૌરભ ગાઢ નિદ્રામાં સુઈ જાય. આ પછી બંને મળીને સૌરભને મારી નાખશે. આ માટે મુસ્કાને મેરઠના ડૉ. અરવિંદ દેશવાલના જૂના પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ કર્યો. તેમણે પોતે ડૉક્ટર દ્વારા લખવામાં આવેલી દવાઓની નીચે મિડાઝોલમ દવા લખી હતી. આ એક પ્રતિબંધિત ઊંઘની ગોળી છે, જે ફક્ત ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ મળે છે. તે ખૈરનગરના ઉષા મેડિકલ સ્ટોર પર ગઈ. અમે અહીં દુકાનદાર અમિતને મળ્યા. મુસ્કાને મિડાઝોલમ ખરીદીને રાખી દીધી હતી. પોલીસે અમિતનું નિવેદન નોંધ્યું છે. ઉપરાંત, ઘરથી દુકાન સુધીના સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવ્યા છે. આમાં, દવાની ખરીદીની પુષ્ટિ કરવામાં આવી છે. 3 માર્ચ: મુસ્કાનનો ઝઘડો થયો, સૌરભ ઘર છોડીને ચાલ્યો ગયો સૌરભના મોટા ભાઈ રાહુલ રાજપૂતે ભાસ્કરને જણાવ્યું – સૌરભ 3 માર્ચે ઘરે ડિનર માટે આવ્યો હતો. તેણે સુબી (મુસ્કાન) માટે ખાવાનું પેક કરાવ્યું. રાત્રે લગભગ 8.30 વાગ્યે સૌરભ કોફ્તા લઈને ઘરે પાછો ફર્યો. મુસ્કાનનો સૌરભ સાથે ઝઘડો થયો. હતાશ થઈને સૌરભ ઘરની બહાર નીકળી ગયો. મુસ્કાને આ નાટક એટલા માટે કર્યું જેથી તે ખાવામાં ઊંઘની ગોળીઓ ભેળવી શકે. સૌરભ 9.30 વાગ્યે ઘરે પાછો ફર્યો. બંનેએ સાથે ડિનર કર્યું. રાત્રે લગભગ 11.30 વાગ્યા સુધીમાં, સૌરભ સંપૂર્ણપણે બેભાન થઈ ગયો. આ પછી મુસ્કાને સાહિલને ફોન કર્યો. તેણે કહ્યું- હવે તું જલ્દી ઘરે આવી જા. સાહિલ રાત્રે લગભગ 1 વાગ્યે ઇન્દ્રનગરમાં સૌરભના ઘરે પહોંચ્યો હતો. સાહિલ રસોડામાંથી મીટ કાપવાની 2 છરીઓ લઈને બેડરૂમમાં આવ્યો. હવે સાહિલે મુસ્કાનને કહ્યું – આ કામ તારે જ પૂરું કરવું પડશે. તું સૌરભને મારીશ, હું નહીં… સાહિલે ઉપરથી મુસ્કાનનો હાથ પોતાના હાથથી પકડી રાખ્યો. પછી તેણે છરીનો જોરથી છાતીમાં ઘા કર્યો. સૌરભની છાતી પર એક પછી એક ત્રણ વખત ઘા માર્યા. તેના મૃત્યુ પછી, બંનેએ સૌરભનો મૃતદેહ ઉપાડ્યો અને બાથરૂમમાં લઈ ગયા. સાહિલે સૌરભની બોડીના 4 ટુકડા કરી નાખ્યા. માથું અને બંને હાથ બેગમાં પેક કર્યા. પગ સહિત ધડ બીજી મોટી બેગમાં પેક કરવામાં આવ્યું હતું. સવારે લગભગ 3 વાગ્યે, સાહિલે ધડ અને પગવાળી મોટી બેગ બેડરૂમના પલંગના બોક્સમાં છુપાવી દીધી. મુસ્કાન સાથે તે માથા અને હાથના ટુકડાવાળી બેગ લઈને બ્રહ્મપુરીમાં પોતાના ઘરે પાછો ફર્યો. બંને સવારે 8 વાગ્યા સુધી ત્યાં રહ્યા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સાહિલે અહીં માથા સાથે કેટલીક તાંત્રિક વિધિઓ પણ કરી હતી. 4 માર્ચ: ઘંટાઘરથી ડ્રમ અને શારદાનગરથી સિમેન્ટ ખરીદી સવારે લગભગ 9 વાગ્યે, મુસ્કાન અને સાહિલે ઘંટાઘરના સૈફુદ્દીન પાસેથી 1200 રૂપિયામાં એક ડ્રમ ખરીદ્યો. શારદાનગરથી સિમેન્ટ અને રેતી ખરીદી. લગભગ 10 વાગ્યે, સાહિલે શિવા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સને ફોન કર્યો અને 10 દિવસ માટે કેબ બુક કરાવી. 54 હજાર રૂપિયામાં બુકિંગ થયું. બંને લગભગ 10.30 વાગ્યે સૌરભના ઘરે પહોંચ્યા. તે ઘરેથી માથું અને હાથવાળી બેગ પણ લઆ આવ્યા હતા. તેણે બેડની અંદરથી બેગ બહાર કાઢી. ડ્રમમાં સિમેન્ટનું દ્રાવણ બનાવ્યું. બોડીના ભાગો એક પછી એક નાંખ્યા. સિમેન્ટ અને રેતીથી બનેલું દ્રાવણ ઉપરથી ભરવામાં આવ્યું હતું. ઘરના એક રૂમમાં ડ્રમ મુકવામાં આવ્યો અને તેના પર ઢાંકણ લગાવી દીધું. પછી તેના પર સિમેન્ટનો લેપ પણ કરવામાં આવ્યો, જેથી તે સીલ થઈ જાય અને ગંધ બહાર ન ફેલાય. સાંજે લગભગ 4 વાગ્યે, મુસ્કાને તેની માતા કવિતાને ફોન કર્યો અને કહ્યું કે તે સૌરભ સાથે શિમલા-મનાલી ફરવા જઈ રહી છે. તે તેની દીકરી પીહુને તેની માતાના ઘરે પહેલેથી જ મુકી આવી હતી. બંને સાંજે 7.30 વાગ્યે દિલ્હી ચુંગી (મેરઠ) પહોંચ્યા. કાર ડ્રાઇવર અજબ સિંહ ચલાવી રહ્યો હતો. દિલ્હી હાઇવે પર જતા રસ્તામાં એક ઢાબા પર બંનેએ ખાધું. અજબે પોલીસને કહ્યું કે હું આખી રાત ગાડી ચલાવતો રહ્યો. 336 કિમી ડ્રાઇવ કરીને સવારે 3 વાગ્યે શિમલા પહોંચ્યા. 5 થી 7 માર્ચ: આખો દિવસ શિમલામાં ફરતા, રાત્રે પાર્ટી કરતા શિમલા પહોંચ્યા પછી, સાહિલ કેબ દ્વારા 3-4 હોટલમાં ગયો. આખરે એક હોટલમાં રૂમ બુક કરાવ્યો. બંને લગભગ 3 કલાક સુધી રૂમમાં રહ્યા. સ્નાન કરીને અને નાસ્તો કર્યા પછી, અમે શિમલા જવા માટે કેબમાં બેઠા. માર્કેટ ગયા અને પછી બંનેએ શિમલાના એક મંદિરમાં લગ્ન કરી લીધા. ડ્રાઈવર અજબના મતે, બંને એવું વર્તન કરી રહ્યા હતા જાણે તેઓ હનીમૂન પર હોય. બંને ૩ દિવસ સુધી શિમલામાં ફરતા રહ્યા. ત્યાંની હોટલોમાં થતી પાર્ટીઓ ઓનલાઈન સર્ચ કરી. તેઓ સાંજે આવતા, પીતા અને નાચતા રહેતા. પોલીસને આના ઘણા વીડિયો અને ફોટા પણ મળ્યા છે. 8 થી 13 માર્ચ: બંનેએ કુલ્લુ મનાલીમાં બરફની મજા માણી પોલીસને આપેલા નિવેદનમાં, અજબે કહ્યું કે શિમલામાં 3 દિવસ રહ્યા પછી, તેમણે કહ્યું કે હવે ચાલો કુલ્લુ મનાલી જઈએ. ત્યાં બરફ પડી રહ્યો છે. લગભગ 235 કિમી ડ્રાઇવિંગ કર્યા પછી, મુસ્કાન અને સાહિલ 8 માર્ચે સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ્લુ પહોંચી ગયા. તેમણે અહીં એક હોટેલ બુક કરાવી અને પછી બંને આગામી 5 દિવસ અહીં ફરતા રહ્યા. આ દરમિયાન હોળીનો તહેવાર આવી ગયો. પોલીસને એવા વિઝ્યુઅલ મળ્યા છે જેમાં બંને હોળી રમ્યા પછી નાચતા દેખાય. છે. બંને નશામાં હોવાનું પણ જણાયું હતું. એવા મેસેજ પણ સામે આવ્યા છે જેમાં મુસ્કાન ડ્રાઈવરને મેસેજ કરીને એક કેકનો ઓર્ડર આપે છે જેના પર શંકર લખેલું હોય છે. 14 થી 17 માર્ચ: કાસોલમાં પણ દરરોજ પાર્ટીઓ ચાલુ રહી કેબ ડ્રાઈવરે પોલીસને જણાવ્યું કે કસોલ મનાલીથી માત્ર 80 કિમી દૂર છે. ત્યાં પહોંચ્યા પછી પણ મુસ્કાન અને સાહિલનો નિત્યક્રમ એનો એ જ રહ્યો. તે અલગ અલગ હોટલોમાં પાર્ટીઓમાં જતા. દરરોજ 1 થી 2 બોટલ દારૂ ખરીદતા. લંચ અને ડિનર લેતા અને આખો દિવસ ફરતા. આ દરમિયાન, મુસ્કાનને ઘરેથી સતત ફોન આવી રહ્યા હતા. મુસ્કાન અને સાહિલ પાસે પણ પૈસા ખતમ થઈ ગયા હતા. તેઓ બંને કોઈના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરાવવા માટે કોઈની સાથે વાત કરી રહ્યા હતા. પણ કદાચ પૈસા ટ્રાન્સફર ન થઈ શક્યા. આ પછી, અચાનક 16 માર્ચે, તેમણે કહ્યું કે હવે આપણે મેરઠ પાછા જવું પડશે. 16 માર્ચની સાંજે, બંને એક કેબમાં બેસીને નીકળી ગયા. 500 કિમીનું અંતર કાપ્યા પછી, બધા 17 માર્ચની સવારે મેરઠ પહોંચ્યા. 18 માર્ચ: મુસ્કાને પોલીસને કહ્યું- મેં સૌરભને મારી નાખ્યો મેરઠ આવતા પહેલા જ, મુસ્કાને તેની માતા કવિતા સાથે વાત કરતી વખતે સૌરભના મૃત્યુનું રહસ્ય ખોલી નાખ્યું હતું. મુસ્કાને તેની માતાને કહ્યું હતું કે ખાતામાં પૈસા નથી. માતાએ પૂછ્યું હતું કે, સૌરભ તારી સાથે છે ત્યારે તને પૈસાની જરૂર કેમ પડી? આ પછી મુસ્કાને તેની માતાને આખી કહાની જણાવી હતી. આ પછી, પિતા પ્રમોદ અને કવિતા મુસ્કાનને લઈને બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન પહોંચ્યા. અહીં મુસ્કાને પોલીસ સમક્ષ કબૂલાત કરી. પોલીસે સાહિલની પણ ધરપકડ કરી હતી અને સૌરભનો મૃતદેહ ઇન્દ્રનગરમાં તેના ભાડાના ઘરમાંથી ડ્રમમાં મળી આવ્યો હતો. સૌરભની બોડીના ટુકડા પ્લાસ્ટિકના ડ્રમમાં સિમેન્ટથી જામી ગયેલા મળી આવ્યા હતા. પોલીસે સૌરભ અને મુસ્કાનના નિવેદનોની વીડિયોગ્રાફી પણ કરાવી. 19 માર્ચ: કોર્ટમાં હાજર થતાં પહેલાં વકીલો દ્વારા માર મારવામાં આવ્યો સાહિલ અને મુસ્કાનની ધરપકડ કર્યા બાદ પોલીસે તેમને જેલ ધકેલવાની પ્રક્રિયા શરૂ કરી. મેડિકલ તપાસ બાદ, બંનેને મેરઠની જિલ્લા કોર્ટમાં રજૂ કરવાના હતા. પણ તે પહેલાં સાહિલને વકીલોએ ઘેરી લીધો હતો. તેને માર મારવામાં આવ્યો. જજ સમક્ષ રજૂ કર્યા બાદ, બંનેને જિલ્લા જેલમાં ધકેલવામાં આવ્યા. હાલમાં, સાહિલ અને મુસ્કાન જેલમાં છે. પોલીસ કોર્ટ પાસેથી મુસ્કાન અને સાહિલના રિમાન્ડ માંગશે ​​​​​​​​​​​​​​હવે સોમવારે (આજે) મેરઠ પોલીસ મુસ્કાન અને સાહિલના રિમાન્ડ માટે કોર્ટમાં અરજી કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુસ્કાન અને સાહિલ સાથે ફરી એકવાર ક્રાઈમ સીન રીક્રિએટ કરવામાં આવશે. મેરઠ પોલીસે તપાસ માટે હિમાચલ જવા માટે ડીઆઈજી મેરઠ રેન્જ પાસેથી મંજુરી માંગી છે. અગાઉ, મંજુરી વિના એક ટીમને હિમાચલ મોકલવામાં આવી હતી. તેને અધવચ્ચે જ પાછી બોલાવી લેવામાં આવી હતી. આ સમાચાર પણ વાંચો મેરઠ સૌરભ હત્યા કેસ, મુસ્કાન-સાહિલ જેલમાં બેચેન દેખાતા હતા, 4 દિવસથી નશો ન મળવાથી પરેશાન, મુસ્કાનની પ્રેગનેન્સી ટેસ્ટ કરવામાં આવશે મેરઠમાં પૂર્વ મર્ચન્ટ નેવી ઓફિસર અને પતિ સૌરભની હત્યાના આરોપી​​​​​​​ મુસ્કાન અને તેનો બોયફ્રેન્ડ સાહિલ છે. તેમને ચાર દિવસથી મેરઠ જેલમાં રાખવામાં આવ્યા છે. નશો ન મળવાને કારણે બંને બેરેકમાં વ્યથિત અને બેચેન દેખાતા હતા. આના કારણે સાહિલની તબિયત બગડી ગઈ. જેલ હોસ્પિટલના ડોક્ટરોએ તેમનું ચેકઅપ કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments