સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેટલાક પ્રોફેસરોના ચારિત્રય સામે અગાઉ પણ નામી-અનામી ફરિયાદો થઇ છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર સામે મહિલા આયોગે તપાસના આદેશ આપતો પત્ર યુનિવર્સિટીના કુલપતિને મોકલતા માહોલ ગરમાયો છે. અર્થશાસ્ત્ર ભવનની 5 વિદ્યાર્થિનીએ અગાઉ CMOમાં ફરિયાદ કરી હતી કે, આ પ્રોફેસર ક્લાસરૂમમાં દ્વિઅર્થી શબ્દોનો ઉપયોગ કરે છે, વાતો કરે છે. આ ઉપરાંત તેઓ ચોક્કસ જ્ઞાતિના જ વિદ્યાર્થીઓને જ માર્ક આપતા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આ વિદ્યાર્થિનીઓનો લેટર CMOમાંથી મહિલા આયોગમાં અને હવે મહિલા આયોગે યુનિવર્સિટીના કુલપતિને લેટર મોકલીને આ સમગ્ર મામલે તપાસ કરવાનું કહેતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સંજય પંડ્યા સામે તે જ ભવનની 5 જેટલી વિદ્યાર્થિનીએ સૌથી પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફરિયાદ કરી હતી. ત્યાંથી આ ફરિયાદનો લેટર રાજ્યના મહિલા આયોગમાં પહોંચ્યો હતો અને સોમવારે જ મહિલા આયોગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઈ-મેઈલથી એક લેટર મોકલાયો છે જેમાં વિદ્યાર્થિનીએ કરેલી ફરિયાદ સાથે આસિસ્ટન્ટ પ્રોફેસર સામે તપાસ કરવા જણાવ્યું છે. મહિલા આયોગમાંથી તપાસના આદેશ આવતા જ યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર સહિતના અધિકારી એલર્ટ થયા છે અને ઇકોનોમિકસ ભવનના વડા પાસે આ સમગ્ર બાબતની પૃચ્છા કરી છે અને બાકીની તપાસ પણ શરૂ કરી છે. યુનિવર્સિટીમાં સમયાંતરે કોઈ પ્રોફેસરને ટાર્ગેટ કરવા માટે નામી-અનામી ફરિયાદો થતી રહે છે. મહિલા આયોગમાંથી આવેલી આ ફરિયાદમાં જે વિદ્યાર્થિનીના નામ છે તે અર્થશાસ્ત્ર ભવનની જ વિદ્યાર્થિની છે કે કેમ? તેણે ફરિયાદમાં કરેલા આક્ષેપ સાચા છે કે કેમ? ખરેખર આ પ્રોફેસર ક્લાસરૂમમાં દ્વિઅર્થી શબ્દપ્રયોગ કરે છે કે કેમ તેને લઈને જો વિદ્યાર્થિનીના નામ સાચા હશે તો તેના નિવેદન લેવાશે અને પ્રોફેસરના પણ નિવેદન લેવાશે અને જો અનામી નામ હશે તો તે પ્રમાણે આયોગને રિપોર્ટ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. મહિલા આયોગમાંથી લેટર આવ્યો છે, વિભાગમાં મોકલી દીધો છે મહિલા આયોગમાંથી લેટર આવ્યો છે, પરંતુ આ બાબતે અત્યારે હું કશું કહી નહીં શકું, લેટર જે-તે વિભાગમાં મોકલ્યો છે, ત્યારબાદ કહી શકીશ.> ડૉ. ઉત્પલ જોષી, કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરિયાદના અનુસંધાને તપાસ કરી રહ્યા છીએ મહિલા આયોગમાંથી જે લેટર આવ્યો છે તેમાં અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર સામે દ્વિઅર્થી શબ્દો બોલવાના અને માર્ક મુકવા સબંધિત આક્ષેપ કરાયા છે. લેટરમાં જે નામ લખ્યા છે તે સાચા છે કે કેમ, ફરિયાદ કરનાર વ્યક્તિ હકીકતમાં છે કે અનામી ફરિયાદ કરી છે તેની પણ તપાસ કરી રહ્યા છીએ. કારણ કે કોઈને ટાર્ગેટ કરવા અનામી અરજીઓ વારંવાર આવતી હોય છે, ભવનના વડા પાસેથી વિગતો મેળવી તપાસ કરી રહ્યા છીએ. > આર.જી.પરમાર, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર