સુરત શહેરમાં સોશિયલ મીડિયામાં રીલ્સ દ્વારા ભાઈગીરી જમાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ગેંગસ્ટર સ્ટાઇલમાં વીડિયો બનાવી લોકોમાં ડર ફેલાવનારા શખ્સોને હવે સુરત પોલીસ એક પછી એક પાઠ ભણાવી રહી છે. તાજેતરમાં લિંબાયત વિસ્તારના અસ્ફાક નામના શખ્સ ઉપર મારામારીનો કેસ નોધાઇ ચુક્યો છે પોલીસ કાર્યવાહી પણ થઈ છે. છતાં પણ તેણે પોતાને સોશિયલ મીડિયામાં રીલ દ્વારા “માફિયા” તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વીડિયો પોલીસની નજરમાં આવતા જ આખો ખેલ ફેરવાઈ ગયો અને અસ્ફાક માફી માગતો નજરે ચડ્યો. સોશિયલ મીડિયા એકાઉન્ટસ ડિલીટ કરી નાખ્યા
પોલીસની સખત કાર્યવાહી પછી અસ્ફાકે પોતાનો પસ્તાવો જાહેર કરતા કહ્યું કે હવે તે સુધરવા માગે છે. પોલીસે ન માત્ર તેની બધી હોશિયારી કાઢી નાખી પણ તેના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ ડિલીટ કરાવી દીધા છે. બુલડોઝર એક્શનથી ગુનેગારોમાં ફફડાટ
સુરત પોલીસે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે “રિલ્સમાં ભાઈગીરી અને ગેંગસ્ટર ઍટિટ્યુડ નહિ ચાલે!” આજ સુધી રીલ્સમાં ગુંડાગીરી દેખાડીને લોકપ્રિય થવાના સપના જોતા લોકો હવે પોલીસના રડાર પર છે. તાજેતરમાં પોલીસ બુલડોઝર એક્શન પણ લઈ રહી છે, જ્યાં આવા શખ્સો જે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે, તેમની સંપત્તિઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. “જો ભાઈગીરી કરશો, તો પોલીસ તમને છોડશે નહીં”
અસ્ફાક અગાઉ પણ મારામારી જેવા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. હવે જો તે ફરીથી આવા વીડિયો બનાવવાનો પ્રયાસ કરશે, તો સુરત પોલીસ તેની સામે વધુ કડક પગલાં ભરશે. પોલીસે આવા તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો ભાઈગીરી કરશો, તો પોલીસ તમને છોડશે નહીં.