વલસાડના પારડી તાલુકાના ખેરલાવ ગામમાં પ્રજા શક્તિ પાર્ટીના સદસ્યતા અભિયાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કાર્યક્રમમાં વલસાડ-ડાંગ જિલ્લાના પૂર્વ સાંસદ કાનજી પટેલ સહિત અનેક સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાઘેલાએ ભાજપને ગુંડાઓ અને અસામાજિક તત્વોની પાર્ટી ગણાવી હતી. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, બળાત્કારી હોય, બહેન-દીકરીનો બળાત્કાર કર્યો હોય. એને ફાંસી આપવાની હોય, જાહેરમાં પથ્થરા મારવાના હોય. એના બદલે એને બોલાવીને મોટા મોટા આગેવાનો ટોપી પહેરાવે, ખેસ પહેરાવે, ફૂલહાર કરે એને મોટો બનાવે. પથ્થરા મારવાવાળાને તે ફૂલહાર માળા પહેરાવે. કેવી રીતે ચાલે આવું? આ એક નહીં સમાજનો ગુંડો, દારૂના અડ્ડાવાળો, આવો મોટો ભ્રષ્ટ માણસ આવા માણસોના હાથમાં જે ખુલ્લેઆમ દાદાગીરી, લુખ્ખાગીરી, કરપ્શન કરે. આ કરપ્શન કેમ છે? એવા લોકોના હાથમાં પાર્ટી છે, જે કરપ્શનના ભાગીદાર છે. તેમણે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. જજના ઘરેથી મળેલી લાખો રૂપિયાની રકમ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. ભ્રષ્ટ જજોને દિલ્હીના ચાંદની ચોકમાં જાહેરમાં સજા આપવાની માંગ કરી હતી. આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણના મુદ્દે પણ વાઘેલાએ ભાજપ અને હિંદુ સંગઠનો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે કેશુભાઈ પટેલની સરકાર દરમિયાન તેમણે આદિવાસી વિસ્તારોમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવાની રજૂઆત કરી હતી, જેથી ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા થતા ધર્માંતરણ પર રોક લગાવી શકાય. કાર્યક્રમ દરમિયાન પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના વલસાડ જિલ્લા સંગઠનની નવી નિમણૂંકો પણ કરવામાં આવી હતી.