દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી… કમિશનરે ઉભા રહીને જ અધિકારીઓ સાથે મિટિંગ કરી!
રાજ્ય સરકાર દ્વારા જ્યારે કોઈપણ નવા IAS અધિકારીની નિમણૂક કરવામાં આવતી હોય છે ત્યારે તંત્રના અધિકારીઓ કર્મચારીઓને કંઈક નવા જ અનુભવો મળતા હોય છે. ત્યારે અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે બંછાનિધિ પાની આવ્યા બાદ અધિકારીઓને તેઓનો એક નવો અનુભવ થયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચર્ચા છે કે, મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓની એક મિટિંગ ઉભા રહીને લીધી હતી. આખી મિટિંગ દરમિયાન કમિશનર પોતે ઉભા રહ્યા હતા જેની સાથે સાથે અધિકારીઓએ પણ ઉભું રહેવું પડ્યું હતું. આખી મિટિંગ દરમિયાન કમિશનર એક વાર પણ બેઠા નહોતા. બધા અધિકારીઓ પણ ઉભા રહીને ચર્ચા અને જવાબો આપ્યા હતા. આખો દિવસ એસી ઓફિસમાં બેસવાના કારણે આવતી સુસ્તીને દૂર કરવા તેમજ બેસવાની ટેવને ટાળવા માટે કમિશનરે આ નવો અભિગમ અપનાવ્યો હોવા અંગેની ચર્ચા છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખનું કોકડું ગૂંચવાયું
ગુજરાત ભાજપમાં નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. વિવિધ જિલ્લા અને શહેરના પ્રમુખોની નિમણૂક કરી દેવામાં આવી છે. પરંતુ પ્રદેશ પ્રમુખ અને અમદાવાદ શહેર પ્રમુખમાં ભાજપ હજી ગૂંચવાયેલું છે. ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની નવા પ્રદેશ પ્રમુખ તેમજ શહેર પ્રમુખની જાહેરાતોને લઈને અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. ભાજપના કોઈ મુખ્ય નેતા ન હોવાને લઇને ધારાસભ્યોથી લઈને વિવિધ હોદ્દેદારો પોતાની જ રીતે નિર્ણયો લેવા લાગ્યા હોવાની ચર્ચા છે. ત્યારે હવે ભાજપના કાર્યકર્તાઓને નેતાઓમાં ચર્ચા છે કે જો જલ્દીથી પ્રમુખની નિમણૂક નહીં કરવામાં આવે તો ભાજપમાં આંતરિક વિખવાદોથી લઈ અને પરિસ્થિતિ બેફામ બની જશે અને કોંગ્રેસ જેમ બધા જાતે જ નેતા બની જશે. ભાજપના નેતાઓ ગુનેગારો વિશે બધુ જાણે છે, પણ પોલીસના લિસ્ટમાં કેટલાંકના નામ જ નહિ
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને ગૃહ રાજ્યમંત્રીથી લઈને પોલીસની કામગીરી પર સવાલો ઊભા થતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી ગઈ અને ગુનેગારોના લિસ્ટો બનાવીને ગેરકાયદેસર બાંધકામો તોડવાની કાર્યવાહી કરી છે. કયા ગુનેગારનું ગેરકાયદેસર બાંધકામ છે તેના વિશે ભાજપના કેટલાક નેતાઓ પણ જાણે છે. મ્યુનિ. કોર્પોરેશનના હોદ્દેદારથી લઈને પૂર્વ હોદ્દેદાર, પૂર્વ કોર્પોરેટર અને ચાલુ કોર્પોરેટરો વગેરે પાસે પોતાના વિસ્તારમાં કયો ગુનેગાર મોટો છે અને તેનું બાંધકામ ગેરકાયદેસર છે તેની માહિતી છે પરંતુ તેની માહિતી છુપાવવામાં આવી રહી છે. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં એક બ્રિજ પાસે એક ગુનેગારનું ગેરકાયદે બાંધકામ છે જેની તમામ નેતાઓને જાણ છે પણ તેનું લિસ્ટમાં હજી સમાવેશ કરાયો નથી. ભાજપ જ જાતે આ લિસ્ટ બનાવી અને પોલીસને આપે તો અનેક ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામ તૂટી જાય પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલાક વોટ મેળવવા માટે થઈને આવા ગુનેગારોને છાવરવામાં આવી રહ્યા હોવાની ચર્ચા છે. બેફામ બનેલા ભાજપના કાર્યકર્તાથી સ્થાનિક નેતાઓ કંટાળ્યા
અમદાવાદ શહેર ભાજપ સંગઠનમાં સામાન્ય હોદ્દો ધરાવનાર એવા ભાજપના જ કાર્યકર્તા સામે પશ્ચિમ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. ભાજપના કાર્યકર્તાની મારામારી અંગેનો એક વીડિયો પણ વાયરલ થયો છે. આ યુવક વિસ્તારમાં બેફામ બનીને લારી-ગલ્લાવાળાઓને ઉભા રહેવા દેવા માટે તોડબાજી કરતો હોવા અંગેની ચર્ચા છે. ભાજપમાં હોદ્દો ધરાવતો હોવાથી વિસ્તારમાં પોતે લારી ગલ્લાવાળાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓને દમ મારતો હોય છે. ચર્ચા છે કે સ્થાનિક ભાજપના નેતાઓ પણ આ અસામાજિક તત્વો બની ગયેલા યુવકથી કંટાળી ગયા છે. લારી ગલ્લાના ઉઘરાણા મુદ્દે થયેલી આ માથાકૂટમાં પોલીસ ફરિયાદ નોંધાતા સ્થાનિક પ્રજાની અને ભાજપ માટે સમાજ સેવા કરે છે અને રાજકીય છબી ખરડાઈ છે કહીને પોલીસ હપ્તા ઉઘરાવતી અને ગેરકાયદેસર ધંધાઓને તેમજ લુખ્ખા તત્વોને આશરો એવા આક્ષેપો કરી અરજીઓ કરી પોતાનો બચાવ કર્યો છે. અમદાવાદ શહેર ભાજપ સંગઠનમાં યુવા મોરચા કરતા મહિલા મોરચો સક્રિય
અમદાવાદ શહેર ભાજપ સંગઠનમાં વિવિધ મોરચાઓ કાર્યરત હોય છે. નવા સંગઠનની જાહેરાત અંતર્ગત શહેર પ્રમુખ ની જાહેરાત બાદ વિવિધ મોરચાના પ્રમુખ અને ટીમની જાહેરાત થવાની છે ત્યારે શહેર સંગઠનની નવી ટીમને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં અત્યારથી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને શહેર ભાજપ યુવા મોરચાના નવા પ્રમુખ બે એક ટર્મ અગાઉના પ્રદેશ તેમજ શહેરના યુવા મોરચાના જેવી મજબૂત ટીમ બનાવે એવા હોવા જોઈએ તેવી ચર્ચા જાગી છે. કારણ કે હાલના નેતાની નબળી કામગીરી તેમજ યુવા મોરચામાં કેટલાક જ લોકોને આગળ પડતા કરવા અને તેમને મહત્વતા આપવાને લઈને આંતરિક પણ નારાજગી જોવા મળી હતી. જ્યારે મહિલા મોરચો ખૂબ જ સક્રિયતાથી અત્યારે સંગઠનમાં કામ કરી રહ્યો છે. નાના કાર્યક્રમ હોય કે પાર્ટી દ્વારા જે પણ આદેશ આપવામાં આવે છે તેમાં મહિલા મોરચાના હોદ્દેદારો- કાર્યકર્તા ખૂબ જ રસ લઈ અને કામગીરી કરે છે. ત્યારે યુવા મોરચા કરતા તો મહિલા મોરચો સફળ સાબિત થયો છે તેવી ચર્ચા છે. વડોદરા RTOનો સ્ટાફ ઉચ્ચ અધિકારીથી અજાણ!
વડોદરામાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના એક ઇન્સ્પેક્ટરને સ્થાનિક વ્યક્તિએ કોઈ કામ અર્થે કોલ કર્યો ત્યારે જોવા અને જાણવા જેવી બાબત એક વાત સપાટી પર આવી હતી. જેમાં પોતાના જ વિભાગના આરટીઓ ઇન્સ્પેક્ટર પોતાની કચેરીના ઉચ્ચ અધિકારીને જાણે જાણતા ન હોય તેવું વર્તન કરે છે અને કહે છે કોણ અમારો ઉપરી અધિકારી, આ નંબર કોને આપ્યો જેવી વાતો કરી કામ ન કરવાના અને અધિકારીથી અજાણ હોય તેવી રમૂજી વાત કરી હતી. ત્યારે અહીં સવાલ થાય છે કે શું ઉચ્ચ અધિકારીઓને તેઓની અંડરમાં આવ્યા અધિકારીઓ ગાંઠતા નહીં હોય? તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.