હિમાચલના શિમલામાં આવેલા જુબ્બરહટ્ટી એરપોર્ટ પર સોમવારે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. દિલ્હીથી સિમલા આવી રહેલા એલાયન્સ એરના ATR વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને ઇમરજન્સી બ્રેક મારીને રોકવું પડ્યું હતું. એવું કહેવાય છે કે લેન્ડિંગ પછી વિમાનની સ્પીડ ઘટી નહોતી. હિમાચલના નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રી અને ડીજીપી ડૉ. અતુલ વર્મા વિમાનમાં સવાર હતા. બંને દિલ્હીથી સિમલા પરત ફરી રહ્યા હતા. આ ફ્લાઇટ દિલ્હીથી સિમલા, સિમલાથી ધર્મશાલા, ધર્મશાલાથી સિમલા અને સાંજે સિમલાથી દિલ્હી પરત જાય છે. હાલમાં આગળની ત્રણ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. લેન્ડિંગ પહેલાં મુસાફરોને ચેતવણી આપવામાં આવી હતી
એલાયન્સ એરનું 42 સીટર વિમાન સવારે દિલ્હીથી શિમલા આવે છે. આ પછી સિમલાથી ધર્મશાલા માટે ઉડાન ભરે છે. દિલ્હીથી સિમલા પરત ફરી રહેલા વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત 44 મુસાફરો હતા. એરલાઈને ઇમરજન્સી બ્રેક લગાવતા પહેલા મુસાફરોને એલર્ટ કર્યા હતા. તેમને કહેવામાં આવ્યું કે ટેકનિકલ સમસ્યાઓના કારણે વિમાનના ઇમરજન્સી બ્રેકનો ઉપયોગ કરવો પડ્યો છે. રનવેના છેલ્લા પોઈન્ટે પહોંચ્યા, મુસાફરો રડવા લાગ્યા સૂત્રોના જણાવ્યા અનુસાર, લેન્ડિંગ પછી રનવે પુરો થવાનો હતો, પરંતુ વિમાનની સ્પીડ ઘટી નહીં અને વિમાન રનવેના છેલ્લા પોઈન્ટ પર પહોંચી ગયું. જ્યારે ઇમરજન્સી બ્રેક મારવામાં આવી ત્યારે જ વિમાન અટક્યું. વિમાનની અંદર કેટલાક લોકો ભયભીત થઈને રડવા લાગ્યા હતા. વિમાન અટકી ગયા પછી પણ, લગભગ 25 મિનિટ સુધી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા ન હતા. ડિરેક્ટરે કહ્યું – ટેકનિકલ ખામી હતી જુબ્બરહટ્ટી એરપોર્ટના કાર્યકારી નિર્દેશક કેપી સિંહે જણાવ્યું હતું કે, ‘લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાઈ હતી.’ આ વિમાન સવારે દિલ્હીથી નિરીક્ષણ પછી જ ઉડાન ભરી હતી. સવારની ફ્લાઇટ દરમિયાન કોઈ સમસ્યા નહોતી. ઇજનેરો ખામી અ્ંગેની તપાસ કરી રહ્યા છે. હાલમાં ધર્મશાલાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. ખરાબ હવામાનમાં જુબ્બરહટ્ટીમાં લેન્ડિંગ કરવું પડકારજનક રહે છે ખરાબ હવામાન દરમિયાન જુબ્બરહટ્ટી એરપોર્ટ પર લેન્ડિંગ ઘણીવાર પડકારજનક હોય છે કારણ કે અહીં રનવે ટૂંકો છે. પરંતુ, જ્યારે એલાયન્સ એરની ફ્લાઇટ આજે સવારે જુબ્બરહટ્ટી પહોંચી ત્યારે હવામાન સ્વચ્છ હતું. આવી સ્થિતિમાં, ટેકનિકલ ખામીને અકસ્માતનું કારણ માનવામાં આવી રહ્યું છે. એરપોર્ટ ઓથોરિટી પણ હાલમાં વધુ માહિતી આપવાનું ટાળી રહી છે. 2 માર્ચે ગોરખપુર એરપોર્ટમાં પણ ટેકનિકલ સમસ્યા આવી હતી. 2 માર્ચ, 2025ના રોજ પણ ગોરખપુર એરપોર્ટ પર ટેકનિકલ ખામીને કારણે એલાયન્સ એરની દિલ્હી જતી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. તેમજ, સ્પાઇસ જેટની ફ્લાઇટ્સમાં સતત વિલંબ થવાને કારણે, અન્ય ફ્લાઇટ્સનું સમયપત્રક પણ ખોરવાઈ ગયું. આ કારણે ઘણી ફ્લાઇટ્સને રાહ જોવી પડી, જેના કારણે મુસાફરોને વધુ સમય એરપોર્ટ પર રોકાવું પડ્યું હતું.