અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓડિટ વિભાગ દ્વારા કરવામાં આવતા ઓડિટ દરમિયાન ઉપસ્થિત થયેલા વાંધાઓનો નિકાલ જે-તે વિભાગ દ્વારા કરવામાં આવ્યો નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓડિટ સબ કમિટી 8 વર્ષ બાદ આજે 24 માર્ચના રોજ સોમવારે મળી હતી. જેમાં કુલ 49213 ઓડિટ વાંધા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા અને તે પૈકી નિકાલ થયા બાદ કુલ 39,958 ઓડિટ વાંધાઓ વિવિધ ખાતાઓ દ્વારા નિકાલ કરાવવાના બાકી છે. આ તમામ ઓડિટ વાંધાઓનો 30 એપ્રિલ સુધીમાં નિકાલ કરવાની સૂચના આપવામાં આવી છે. જો ત્યારબાદ કોઈપણ વાંધાઓ બાકી હશે તો તેમાં જે-તે વિભાગના અધિકારી કે કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ફક્ત 9384 ઓડિટ વાંધાનો જ નિકાલ કરાયો
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ઓડિટ સબ કમિટીની બેઠકમાં બ્રિજ પ્રોજેક્ટ, BRTS, પ્રોપર્ટી ટેક્સ અને પ્રોફેશનલ ટેક્સના કોમ્પ્લાયન્સ અને નોન-કોમ્પ્લાયન્સ ઓડિટ પેરા-વાંધા અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી. ઓડિટ સબ કમિટીમાં JNURM હેઠળ BRTS કોરિડોરના 4, બ્રિજના કામોના 14, પ્રોપર્ટી ટેકસના સૌથી વધુ 18090 અને પ્રોફેશનલ ટેક્સના 1409 ઓડિટ સહિત કુલ 19,550 ઓડિટ વાંધા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. ફક્ત 9384 ઓડિટ વાંધાનો જ નિકાલ કરાયો છે અને 10164 ઓડિટ વાંધાનો નિકાલ કરાયો નથી. તેથી, આ તમામનો 30 એપ્રિલ સુધીમાં નિકાલ કરવા માટેની સૂચના આ વિભાગના અધિકારીઓને આપવામાં આવેલી છે. 19.42 કરોડથી વધુની રીકવરી કરવામાં આવી
પ્રોપર્ટી ટેક્સના પ્રોપર્ટી ટેક્સના ઓડિટ વાંધાની સંખ્યા સૌથી વધુ 18090 છે. આ પાંચ વિભાગોના 19550 ઓડિટ વાંધા પૈકી ઓડિટ વિભાગ દ્વારા કાઢવામાં આવેલા 9384 ઓડિટ વાંધાનો નિકાલ કરીને રૂ. 19.42 કરોડથી વધુની રીકવરી કરવામાં આવી છે. અન્ય વિભાગોના બાકી રહેલા કુલ 39958 બાકી ઓડિટ પેરાનો નિકાલ કરવામાં આવે તો AMCની કરોડોની આવક થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ઓડિટ વિભાગ દ્વારા વિવિધ વિભાગોના કાઢવામાં આવતાં ઓડિટ વાંધાઓમાં જે-તે વિભાગના કર્મચારીની બેદરકારી, નાણાંકીય ઉચાપત સહિતના ગુના કે કિસ્સાની ગંભીરતા- સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને મ્યુનિ. કમિશનર દ્વારા કર્મચારીને રીમૂવ કરવા, ઈક્રીમેન્ટ કાપવા સહિતની શિક્ષા કરવાની સત્તા છે. જોકે, GPMC એકટમાં ઓડિટ વાંધા બાબતે કસૂરવાર કર્મચારીને શિક્ષા કરવા અંગે સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાનું જાણવા મળે છે.