ગુજરાતમાં HTAT મુખ્યશિક્ષકોએ સરકાર સામે આંદોલનનો માર્ગ પસંદ કર્યો છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેતૃત્વમાં આંદોલનની રણનીતિ ઘડવા ગાંધીનગરના બલરામ ભવનમાં બેઠક યોજાઈ હતી. રાજ્યની 7000થી વધુ પ્રાથમિક શાળાઓના HTAT મુખ્યશિક્ષકોના જિલ્લા ફેર અને અરસપરસ બદલી કેમ્પ છેલ્લા 12 વર્ષથી યોજાયા નથી. આ મુદ્દે વારંવાર રજૂઆતો છતાં સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા આચાર્યોમાં રોષ જોવા મળી રહ્યો છે. આંદોલનની રૂપરેખા મુજબ, 26 માર્ચ 2025ના રોજ સોશિયલ મીડિયા પર આંદોલન કરવામાં આવશે. ત્યારબાદ 29 માર્ચે બપોરે 1 વાગ્યે દરેક જિલ્લામાં કલેક્ટરને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવશે. HTAT મુખ્યશિક્ષક શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારી બેઠકમાં સમગ્ર ગુજરાતના કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આંદોલનને વધુ સફળ બનાવવા માટે આગામી સમયમાં ઓનલાઈન બેઠક યોજવામાં આવશે.