ઇડર શહેરમાં મંગળવારે બપોરે એક ધૃષ્ટ લૂંટની ઘટના સામે આવી છે. એ.યુ. બેંકના કર્મચારી પાસેથી બે અજાણ્યા બાઇક સવારોએ 15 લાખ રૂપિયાની રોકડ ભરેલો થેલો ઝૂંટવી લીધો છે. ઘટના મુજબ, એ.યુ. બેંકમાં કલેક્શનનું કામ કરતા વિક્રમસિંહ બળવંતસિંહ ઝાલા (રહે. જેઠાજીના મુવાડા, તા.તલોદ) બપોરે બેંકમાંથી રૂ.15 લાખ રોકડ થેલામાં લઈને નીકળ્યા હતા. તેઓ આ રકમ અન્ય બેંકોમાં જમા કરાવવા માટે રિક્ષામાં જઈ રહ્યા હતા. બપોરે પોણા બે વાગ્યાના સુમારે કે.એમ.પટેલ વિદ્યામંદિર નજીક બે અજાણ્યા શખ્સો (ઉંમર 25થી 30 વર્ષ) બાઇક પર આવ્યા. તેમણે રિક્ષામાં આગળ બેઠેલા વિક્રમસિંહના હાથમાંથી રોકડ ભરેલો થેલો ઝૂંટવી લીધો અને ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં ઇડર પોલીસ સ્ટેશનના PI સી.જી.રાઠોડ, PSI પી.એમ.ઝાલા તેમજ DYSP સ્મિત ગોહિલ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. SOG અને LCBની ટીમે પણ તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે. વિક્રમસિંહ ઝાલાની ફરિયાદના આધારે પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.