સુરતના સિંગણપોર વિસ્તારમાં ગઈકાલે(24 માર્ચ) રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. મહિલા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા રોડની વચ્ચે રહેલા ડિવાઇડરમાં કાર ઘુસાડી દીધી હતી. જેના પગલે કારચાલક મહિલા અને કારમાં સવાર અન્ય એક મળી કુલ બે લોકોને ઈજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. આ સાથે સિંગણપોર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતી એક મહિલા અન્ય એક મિત્ર સાથે વોક્સવેગનની વેન્ટો કાર (GJ- 05-CP- 4912) લઈને સિંગણપોર વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. મહિલા કારચાલકે કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેથી બેકાબૂ બનેલી કાર રોડની વચ્ચે આવેલા ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. કારચાલક મહિલા અને તેની સાથે રહેલા અન્ય એક વ્યક્તિને અકસ્માતના પગલે સામાન્ય ઇજા પહોંચી હતી. કારના અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. કારના આગળના ભાગને મોટું નુકસાન થયું હતું. અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ કારમાં સવાર બંનેને બહાર કાઢ્યા હતા અને નજીકમાં આવેલી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. અકસ્માતના પગલે સિંગણપોર પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.