એક્ટર-સાંસદ કંગના રનૌતે કોમેડિયન કુણાલ કામરા સાથે જોડાયેલા વિવાદ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. કંગનાએ કુણાલ કામરા પર પ્રહાર કરતા કહ્યું કે- કોમેડીએ લોકોનું અપમાન ન કરવું જોઈએ, પવિત્ર પુસ્તકોની મજાક ન ઉડાવવી જોઈએ અથવા સસ્તી પબ્લિસિટી માટે લોકોની સિદ્ધિઓને ઓછી ન આંકવી જોઈએ. આ વિવાદ પર ANI સાથે વાત કરતા તેણે કહ્યું, કોઈનું અપમાન કરવું યોગ્ય નથી. કોમેડીના નામે તમે કોઈના કામનો અનાદર કરી રહ્યા છો. શિંદેજી ઘણા સમય પહેલા રિક્ષા ચલાવતા હતા અને તેમણે પોતાના દમ પર ઘણું બધું હાંસલ કર્યું છે. તેની (કુણાલ કામરા) ઓકાત શું છે? તે છે કોણ? તે કોમેડીના નામે ગમે તેવી વસ્તુઓ બોલી રહ્યો છે. તેઓ આપણા પવિત્ર પુસ્તકોની મજાક ઉડાવે છે અને લોકોની મજાક ઉડાવે છે. આ લોકો પોતાને ઇન્ફલુએન્સર કહે છે. આપણે વિચારવાની જરૂર છે કે ફક્ત બે મિનિટની નામના માટે આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે. વિવાદ પર કોણે શું કહ્યું… મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘સ્ટેન્ડ-અપ કોમેડી કરવાની સ્વતંત્રતા છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ જે ઇચ્છે તે કહી શકતું નથી.’ કૃણાલ કામરાએ માફી માંગવી જોઈએ, આ સહન કરવામાં આવશે નહીં. ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું- કોઈએ પણ કાયદા અને બંધારણની બહાર ન જવું જોઈએ. દરેક વ્યક્તિએ પોતાની વાત મર્યાદામાં રહીને કહેવી જોઈએ. અભિપ્રાયમાં મતભેદ હોઈ શકે છે. શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મને નથી લાગતું કે કૃણાલ કામરાએ કંઈ ખોટું કહ્યું છે. ‘ગદ્દાર’ ને ‘ગદ્દાર’ કહેવું એ કોઈ પર હુમલો નથી. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું- જ્યારે કૃણાલ મહારાષ્ટ્રના રાજકારણ પર વ્યંગાત્મક ગીત લખ્યું ત્યારે શિંદે ગેંગ ગુસ્સે થઈ ગઈ. દેવેન્દ્રજી, તમે એક નબળા મુખ્યમંત્રી છો! શું છે આખો મામલો?
23 માર્ચે સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે એક પેરોડી ગીત ગાઈ રહ્યો છે. તેની પહેલી પંક્તિ છે ‘થાણે કી રિક્ષા, ચહેરે પર દાઢી, આંખો પર ચશ્મા…હાય…હૈ’ કુણાલે તેને ‘દિલ તો પાગલ હૈ’ ફિલ્મના ગીતની ટ્યૂનમાં ગાયું હતું. શિવસેના (શિંદે) ના કાર્યકરોએ આ પેરોડીને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર વાંધાજનક કોમેન્ટ ગણાવી અને રવિવારે રાત્રે યુનિકોન્ટિનેન્ટલ હોટેલમાં તોડફોડ કરી. કુલ 40 શિવસૈનિકો સામે FIR દાખલ કરવામાં આવી હતી. સોમવારે કુણાલ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે તેની ફોન પર પૂછપરછ કરી હતી. કુણાલ કામરાએ કહ્યું- મને મારા પેરોડી ગીતનો કોઈ અફસોસ નથી. હું માફી નહીં માગું. જો કોર્ટ કહે, તો હું આ કરી શકું છું.