ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા જાણીતી છે. જેનો ગેરલાભ ઉઠાવી ઠગ એજન્ટો લોકોના લાખો રૂપિયા પડાવી રહ્યા છે. કેનેડામાં રહેતા હોવાની સોશિયલ મીડિયા પર રીલ બનાવી પીસીનું કામ કરતો હોવાનું કહેનાર કૂશલ રાજપુતનો સંપર્ક કરી અમદાવાદના ટુર વિઝા ઓપરેટરો પોતાના ક્લાયન્ટના કામ તેને આપ્યા હતા. કૃશલ અને તેના આણંદના મળતીયા દંપતી વૃંદા અને વિવેક પટેલે વિઝાના નામે 45 લાખની ઠગાઇ કરી હોવાની ફરિયાદ ક્રાઇમબ્રાંચમાં નોંધાઇ છે. મણીનગરમાં રહેતા ઉમેશભાઇ અમીન છ વર્ષથી મણીનગરમાંજ અનાયા ઓવરસીજ નામની ઓફિસ ધરાવી વિઝા અને વર્ક પરમિટનું કામ કરે છે. તેમની ફરિયાદ છે કે તેમની ઓફીસે આવેલા ક્લાયન્ટને યુ.કે.ના વિઝીટર વિઝા માટે ફાઇલ મુકી હતી પરંતુ વિઝા મળ્યા નહોતા. જેથી ક્લાયન્ટે તેમને કેનેડાના વિઝા અને વર્ક પરમિટ માટે વાત કરી હતી. જોકે ઉમેશ અમીન કેનેડાનું કામ કરતા નથી જેથી તેમણે આ બાબતે ના પાડી હતી. જોકે ક્લાયન્ટ સાથેની ચર્ચામાં કેનેડામાં કુશાલ રાજપુત ઇમિગ્રેશન લોયરની સોસીયલ મિડીયા પર જાહેરાતો જોઇ હોવાની ચર્ચા થઇ હતી. હવે ક્લાયન્ટ માટે તેમણે કુશલ રાજપુતનો સંપર્ક કર્યો હતો. અને કામ આપ્યું હતું જોકે રૂપિયાના મુદ્દે કુશલને મળ્યા નહોવાથી એડવાન્સ અંગે થોડી આનાકાની થતાં કુશાલે ગુજરાતમાં આણંદના કાસોર ગામમાં રહેતા વૃંદાબેન અને તેમના પતિ વિવેકભાઇ પટેલ જ ગુજરાતનું કામ સંભાળતા હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે રૂપિયાનો વ્યવહાર તેમની સાથે કરવાનું કહ્યું હતું. જેથી ઉમેશભાઇ અને ક્લાયન્ટ આણંદ જઇને વૃંદાબેન તથા વિવેકભાઇને મળ્યા હતા અને બધુ પાક્કુ કર્યું હતુ. ત્યાર બાદ ટુકડે ટુકડે આ ત્રિપુટીને 45 લાખ ચુકવ્યા હતા. રૂપિયા ચુકવાતાં કુશાલે ફોન બંધ કરી દીધો હતો. પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં આ બાબતે ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ આદરી છે.