સોનાની સ્મગલિંગના કેસમાં મંગળવારે રાન્યા રાવની જામીન અરજી પર સુનાવણી થઈ. દરમિયાન, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના વકીલ મધુ રાવે કોર્ટને જણાવ્યું હતું કે રાન્યાએ સોનું ખરીદવા માટે હવાલાના પૈસાનો ઉપયોગ કરવાની કબૂલાત કરી છે. વકીલે એ પણ માહિતી આપી કે અધિકારીઓએ રાન્યા રાવ સામે ન્યાયિક તપાસ શરૂ કરવા માટે કલમ 108 હેઠળ નોટિસ જારી કરી છે. આનાથી અન્ય નાણાકીય ગેરરીતિઓ બહાર આવશે. બેંગલુરુ સેશન્સ કોર્ટે રાન્યાના જામીન પરનો નિર્ણય 27 માર્ચ સુધી અનામત રાખ્યો છે. રાન્યાની જામીન અરજી અત્યાર સુધીમાં બે વાર ફગાવી દેવામાં આવી છે. પહેલા નીચલી અદાલતે અને બીજીવાર આર્થિક ગુના માટેની વિશેષ અદાલતે જામીન અરજી ફગાવી દીધી હતી. કન્નડ અભિનેત્રી રાન્યા રાવની 3 માર્ચે બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 14.2 કિલો સોના સાથે ધરપકડ કરવામાં આવી હતી. 16 માર્ચે રાન્યાએ ડીઆરઆઈના એડિશનલ ડાયરેક્ટર જનરલને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે કસ્ટડીમાં તેણીને માર મારવામાં આવ્યો હતો અને ભૂખી રાખવામાં આવી હતી. રાન્યાના મિત્રની પણ ધરપકડ, સાવકા પિતા પર મદદ કરવાનો આરોપ સોનાની સ્મગલિંગના કેસમાં પોલીસે રાન્યા રાવના મિત્ર તરુણ રાજુની ધરપકડ કરી છે. રાજુ બેંગલુરુમાં એટ્રિયા હોટેલના માલિકનો પૌત્ર છે. રાન્યાએ આર્કિટેક્ટ જતીન હુક્કેરી સાથે લગ્ન કર્યા પછી તરુણ રાજુ અને અભિનેત્રી વચ્ચે મતભેદો શરૂ થયા. આમ છતાં, બંને સાથે મળીને સોનાની સ્મગલિંગ કરી રહ્યા હતા. રાન્યા પર એરપોર્ટના VIP પ્રોટોકોલનો લાભ લેવાનો આરોપ છે. તેના સાવકા પિતા અને કર્ણાટકના ડીજીપી ડૉ. કે. રામચંદ્ર રાવ પર તેને મદદ કરવાનો આરોપ છે. કર્ણાટક સરકારે રાન્યાના સાવકા પિતા ડીજીપી રામચંદ્ર રાવને 15 માર્ચે ફરજિયાત રજા પર મોકલી દીધા છે. આદેશમાં તેમને રજા પર મોકલવાનું ચોક્કસ કારણ આપવામાં આવ્યું ન હતું. રાન્યા 2023 થી 2025 દરમિયાન 52 વખત દુબઈ ગઈ
અગાઉ, DRIની તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, 2023 થી 2025ની વચ્ચે રાન્યા 52 વખત દુબઈ ગઈ હતી. આ સમયગાળા દરમિયાન, મિત્ર તરુણ રાજુ પણ 26 વખત તેની સાથે હતો. બંનેએ સોનાની સ્મગલિંગ કરી હતી. ડીઆરઆઈએ કહ્યું હતું કે, રાન્યા અને રાજુ સવારની ફ્લાઇટમાં દુબઈ જતા હતા અને સાંજની ફ્લાઇટમાં ભારત પાછા ફરતા હતા. આ મુસાફરીની રીત શંકા પેદા કરે છે. તરુણ રાજુની 10 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. બંને ન્યાયિક કસ્ટડીમાં છે. ડીઆરઆઈએ કહ્યું- રાન્યા અને તરુણ વચ્ચે પૈસાની આપ-લે પણ થઈ છે. રાન્યાએ રાજુ માટે દુબઈથી હૈદરાબાદની ટિકિટ બુક કરી. રાન્યાએ મોકલેલા પૈસાનો ઉપયોગ કર્યો. અમારી પાસે આનો પુરાવો છે. બંને સ્મગલિંગના નેટવર્કનો ભાગ હતા. રાન્યાએ દુબઈ એરપોર્ટ પર મળેલા માણસના ચહેરાનું વર્ણન કર્યું
રાન્યાએ 14 માર્ચે દુબઈ એરપોર્ટ પર મળેલા વ્યક્તિના ચહેરાનું વર્ણન કર્યું હતું. આ વ્યક્તિએ જ તેણીને તે સોનું આપ્યું હતું, જેના સાથે તેણીને બેંગલુરુ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. રાન્યાએ કહ્યું હતું કે તેને ઇન્ટરનેટ કોલ આવ્યો હતો. ત્યાર બાદ તેને દુબઈ એરપોર્ટના ટર્મિનલ 3ના ગેટ A પર ડાઇનિંગ લાઉન્જમાં એસ્પ્રેસો મશીન પાસે એક માણસને મળવાની સૂચના આપવામાં આવી. રાન્યા વિરુદ્ધ 3 એજન્સીઓ તપાસ કરી રહી
ડીઆરઆઈ ઉપરાંત, સીબીઆઈ અને હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇડી પણ રાન્યા સામે તપાસ કરી રહી છે. ગુરુવારે (ED)એ કન્નડ અભિનેત્રી વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો. બીજી તરફ, કર્ણાટક સરકારે રાન્યાના સાવકા પિતા સામે તપાસનો આદેશ આપ્યો. જોકે થોડા સમય પછી તે પાછો ખેંચી લેવામાં આવ્યો. તે જ સમયે, રાન્યાને મદદ કરનાર એક કોન્સ્ટેબલે દાવો કર્યો હતો કે કર્ણાટકના ડીજીપી અને રાન્યાના સાવકા પિતા રામચંદ્ર રાવે તેમને પ્રોટોકોલ મુજબ તેમની પુત્રીને એરપોર્ટની બહાર લઈ જવાનો આદેશ આપ્યો હતો. એક્ટ્રેસ રાન્યાએ યુટ્યુબ પરથી સોનું છુપાવવાનું શીખ્યું:ગુપ્તચર એજન્સીને જણાવ્યું- એરપોર્ટ પરથી બેન્ડેજ અને કાતર ખરીદી, ટોઇલેટમાં જઈને શરીર પર સોનું ચોંટાડ્યું રાન્યા રાવે પોતાના નિવેદનમાં DRIને જણાવ્યું હતું કે, તેણે યુટ્યુબ વીડિયો જોઈને સોનું કેવી રીતે છુપાવવું તે શીખી હતી. રાન્યાના કહેવા મુજબ, તેણે એરપોર્ટ પરથી જ સોનું શરીર પર ચોંટાડવા માટે ક્રેપ બેન્ડેજ અને કાતર ખરીદી હતી. આ સોનું પ્લાસ્ટિકના કોટેડ બે પેકેટમાં હતું. તેને છુપાવવા માટે તે ટોઇલેટમાં ગઈ અને તેના શરીર પર સોનાના બિસ્કિટ ચોંટાડ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો…