સ્વામિનારાયણના કહેવાતા સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી-દેવતાઓ વિશે કરવામાં આવતી અભદ્ર ટિપ્પણીને લઇ હિન્દુ સમાજ રોષે ભરાયો છે. ત્યારે હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક ગ્રંથમાં ‘દ્વારકામાં ભગવાન કયાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ’ દ્વારકા અંગે આવું વિવાદાસ્પદ લખાણ લખ્યું છે. જેને કારણે સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ ફેલાયો છે. જેને લઇ દ્વારકાધીશ જગત મંદિરના પૂજારીઓ, સમસ્ત ગૂગળી બ્રાહ્મણ સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા આજે (25 માર્ચે) વિશાળ રેલીનું આયોજન કરાયું હતું. સાથે જ હિંદુ સમાજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને માફી માંગવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક ગ્રંથમાં વિસ્ફોટક નિવેદનથી ચકચાર
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છેલ્લાં વર્ષોમાં એકથી વધુ વખત ધાર્મિક લાગણી દુભાય તેવાં નિવેદન કે બફાટને કારણે વિવાદમાં રહ્યા છે. ત્યારે, ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના જ ‘શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરૂશ્રી ગોપાળાનંદજી સ્વામીની વાતો’ નામના પુસ્તકની વાર્તા નંબર 33માં દ્વારકા વિશેના કથિત વિવાદાસ્પદ ઉલ્લેખને કારણે વિવાદ સર્જાયો છે. સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ
તાજેતરના વિવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક પુસ્તકમાં કથિત રીતે જાણે દ્વારકાધીશ ભગવાન પર જ સવાલો ઊભા કરાયા હોય તેમ ‘દ્વારકામાં ભગવાન કયાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ’ એવો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હોવાનું સામે આવ્યું છે. જેને લઇ સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ ફેલાયો છે. સ્વામિનારાયણ સંતે નવો વિવાદ છેડતા ભક્તોએ વિશાળ રેલી યોજી
આજરોજ સૌપ્રથમ જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશનાં ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કરી, સરઘસરૂપે દ્વારકાના મુખ્ય માર્ગો પર વિશાળ રેલી કાઢવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દ્વારકાધીશ મંદિરથી એસડીએમ કચેરી સુધી યોજાયેલી આ રેલીમાં વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જે બાદ તમામ લોકો દ્વારકા પ્રાંત કચેરીએ પહોંચી, પ્રાંત અધિકારીને આ બાબતે જાણકારી આપી, ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને મધ્યસ્થી કરી આ બાબતે સમાજને ન્યાય અપાવવાનું આહવાન કર્યું હતું. ગૂગળી સમાજના પ્રમુખ યજ્ઞેશભાઇએ જણાવ્યું હતું કે, સાત દિવસમાં જો આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહિ આવે તો લાખો ભક્તોને સાથે લઇ જરૂર પડશે તો ઉગ્ર આંદોલન કરશું. ‘સ્વામિનારાયણ સંપ્રદાય દેશની પરિસ્થિતિને ખરાબ કરે છે’
શારદાપીઠના શંકરાચાર્ય બ્રહ્મચારી નારાયણનંદજીએ જણાવ્યું હતું કે, કૃષ્ણના અસ્તિત્વને નકારવામાં આવ્યું, આ બહુ જ ખોટું કહેવાય. તમે સોશિયલ મીડિયા પર પોતાને પ્રચારિત કરવા માટે જે કામ કરો છો તે બિલકુલ ઠીક નથી. દેશના લીડરે આ બાબતે ધ્યાન રાખવું જોઇએ કે, સ્વામિનારાયણ સંપ્રદાય નિત્યરૂપથી કોઇ ને કોઇ વિવાદ ઊભો કરી ગુજરાત અને દેશની પરિસ્થિતિને ખરાબ કરે છે. વિવાદિત વક્તા સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવાની માગ
સોશિયલ મીડિયા તથા દ્વારકામાં પણ અનેક હિન્દુ સનાતનધર્મી સંતો મહંતો આગેવાનો તથા સ્થાનિકોએ જાહેરમાં આ કથિત નિવેદનની ટીકા કરી રોષની લાગણી વ્યક્ત કરી છે. આ બાબતે ગઇકાલે બ્રહ્મપુરીમાં યોજાયેલી મિટિંગમાં વિવાદિત વક્તા સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ હિન્દુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર લખાણ ધરાવતાં પુસ્તકોનો નાશ કરવાની માગ પણ કરાઈ છે. દ્વારકામાં ફક્ત ગૂગળી બ્રાહ્મણો જ નહીં, પરંતુ અન્ય સમાજ દ્વારા પણ તેમને ટેકો આપવામાં આવ્યો છે. રેલીમાં ભૂદેવો, બ્રહ્મસમાજ, આહિર સેના, હિંદુ સેના સહિતનાં સંગઠનોએ ભાગ લીધો હતો. હિંદુ સમાજે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું
ઉલ્લેખનીય છે કે, ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિના યુવા ટીમ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના જે લોકોએ ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે તે લોકોને 48 કલાકનું એલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે. આ 48 કલાકમાં તે લોકો દ્વારકા આવી દ્વારકાધીશના શરણે પોતાનાં વચનો પરત લે અને હવે પછીના સમયમાં ક્યારેય પણ હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી નહીં કરે તેવો વિશ્વાસ આપે. અન્યથા અહીં ગૂગળી બ્રાહ્મણ યુવા ટીમ વડતાલ પહોંચશે અને ત્યાં જઈ અભદ્ર ટિપ્પણી કરનાર સંતોને પડકારવામાં અને લલકારવામાં આવશે તેવું જણાવ્યું હતું. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજે નિવદેનને વખોડ્યું
આ અંગે દ્વારકા શારદાપીઠાધીશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજે પણ કઠોર શબ્દમાં આ નિવેદનને વખોડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સનાતનધર્મીઓએ એકતા દાખવવી જોઈએ અને અંદરોઅંદરના વિવાદને ટાળી વિધર્મીઓ સામે એકજૂથ થવું જોઈએ. હિન્દુ સનાતનધર્મીઓએ ક્યારેય સ્વામિનારાયણ સંપ્રદાય વિશે અશોભનીય ટિપ્પણી કરી નથી. ત્યારે, સ્વામિનારાયણ સંપ્રદાયે પણ સનાતનધર્મના દેવી-દેવતાઓ અને આસ્થાના કેન્દ્ર સમા ભગવાન સામેના ખોટા અને અશોભનીય નિવેદનોથી બચવું જોઈએ. ‘દ્વારકામાં દ્વારકાધીશ આદિકાળથી છે’
વેપારી એસોસિયેશનના પ્રમુખ મિત્તલ વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું કે, શ્રી સંકલ્પમૂર્તિ સ્વામિનારાયણની એક બુકમાં 33 નંબરની વાર્તામાં દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ છે નહિ એવી વાત કરવામાં આવી છે. તો દ્વારકામાં દ્વારકાધીશ આદિકાળથી છે, જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનો તો હજુ હમણાં જ જન્મ થયો છે. તો આ મામલે અમારા દ્વારકાવાસીઓનો વિરોધ છે. ‘ગોપાલાનંદ સ્વામી હાય હાય’ના નારા લાગ્યા
આ સંપ્રદાયની બુકમાંથી 33 નંબરનું પાનું રદ કરવામાં આવે એ અમારી માગ છે. સાથે વડતાલ સ્વામી સંપ્રદાયના જે અનુયાયીઓ છે તે દ્વારકા આવી અને માફી માંગે. જો આમ નહિ થાય તો ભવિષ્યમાં દ્વારકામાંથી ઉગ્ર આંદેલન થશે. આ સાથે ‘ગોપાલાનંદ સ્વામી હાય હાય’ના નારા લાગ્યા હતા.