તાજેતરમાં નેહા કક્કડનો કોન્સર્ટ મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા) માં હતો. આ કોન્સર્ટની એક ક્લિપ Reddit પર વાઈરલ થઈ રહી છે. જેમાં સિંગર હિબકે-હિબકે રડતી જોવા મળે છે. તેની પાછળનું એવું કારણ સામે આવ્યું છે કે- કોન્સર્ટમાં નેહા અઢી કલાક મોડી પહોંચી હતી. લોકો લાંબો સમય સુધી ઊભા રહીને તેની રાહ જોતા હતા. જ્યારે નેહા સ્ટેજ પર પહોંચી, ત્યારે તે માફી માગવા લાગી અને રડવા લાગી. જોકે, ભીડમાંથી ઘણા લોકોએ હોબાળો કર્યો હતો. નેહા કક્કડને તેના કોન્સર્ટને કારણે વિવાદોનો સામનો કરવો પડ્યો. સિંગરનો મેલબોર્નમાં કોન્સર્ટ કર્યો હતો. કોન્સર્ટનો સમય સાંજે 7:30 વાગ્યાનો હતો, પણ નેહા એક-બે કલાક નહીં પરંતુ અઢી કલાક મોડી પહોંચી હતી, તે રાત્રે 10 વાગ્યે સ્ટેજ પર આવી. ફેન્સને લાંબા સમય સુધી રાહ જોવી પડી જેના કારણે તે ખૂબ જ ગુસ્સે થયા અને ‘ગો બેક નેહા’ના નારા લગાવવા લાગ્યા. ફેન્સને ગુસ્સે થતા જોઈ નેહા કક્કડ સ્ટેજ પર જ રડવા લાગી. મેલબોર્ન કોન્સર્ટનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, સિંગર નેહા કક્કડ રડતી અને મોડી આવવા બદલ તેના ચાહકોની માફી માગતી જોવા મળે છે. જોકે, ગુસ્સે ભરાયેલા ફેન્સ તેને સતત ટ્રોલ કરી રહ્યા છે. વીડિયોમાં એક છોકરો બૂમો પાડતો સાંભળાય છે, આ ઓસ્ટ્રેલિયા છે, ભારત નહીં. પાછા જાઓ, હોટેલમાં આરામ કરો. તો ઓડિયન્સમાંથી એક વ્યક્તિએ રડવા પર કોમેન્ટ કરી કહ્યું- આ ઇન્ડિયન આઇડોલ નથી. વાઈરલ થઈ રહેલા વીડિયોમાં નેહા કક્કડ તેના ફેન્સની માફી માગી રહી છે. તેણે કહ્યું, તમે લોકો ખરેખર ખૂબ સારા છો, તમે તમારી ધીરજ જાળવી રાખી. મને એ વાતનો અફસોસ છે કે તમે લોકો આટલા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો. મેં મારા જીવનમાં ક્યારેય કોઈને આટલો લાંબો સમય રાહ જોવી નથી પાડી. હું ખૂબ જ દુઃખી છું. આ મારા માટે ઘણું મહત્ત્વ ધરાવે છે. મને આ સાંજ હંમેશા યાદ રહેશે. તમે બધાએ મારા માટે સમય કાઢ્યો છે. ‘એક કલાક પણ પરફોર્મ ન કર્યું’
રાહ તો જોવડાવી ઉપરાંત, નેહાના પરફોર્મન્સ પર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આરોપ છે કે નેહા કક્કડ લગભગ 10 વાગ્યે સ્ટેજ પર પહોંચી હતી અને એક કલાકથી ઓછા સમયમાં થોડા પરફોર્મન્સ આપ્યા પછી ત્યાંથી ચાલી ગઈ હતી. આ જ કારણ છે કે ફેન્સ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક લોકો તેમને ડ્રામા ક્વીન કહી રહ્યા છે જ્યારે કેટલાક માને છે કે મોડા આવનારાઓ સાથે આવું જ થવું જોઈએ. વિવાદ વચ્ચે, નેહા કક્કડે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલના સ્ટોરી સેક્શન પર એક તસવીર શેર કરી છે, જેમાં તે બ્રેકફાસ્ટનો આનંદ માણી રહી છે.