મિહિર ભટ્ટ
પાલડીના આવિષ્કાર ફ્લેટમાં ગુજરાત ATS અને DRIના દરોડાની જાણ થતાં જ મહેન્દ્ર શાહ કાઠમંડુ ભાગ્યો અને ત્યાંથી દુબઈ પહોંચ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. હાલ મેઘ શાહ અને તેના પિતા મહેન્દ્ર શાહ બન્ને દુબઈમાં છે ત્યારે બીજી તરફ અમદાવાદ અને મુંબઈમાં આ પિતા-પુત્ર સાથે જોડાયેલા નજીકના લોકો ATS અને DRIના રડારમાં આવ્યા છે. DRIએ મહેન્દ્ર શાહનાં અમદાવાદ-મુંબઈ સહિત સાત ગુપ્ત સ્થાનો શોધી કાઢી ત્યાં પણ તપાસ કાર્યવાહી શરૂ કરી છે.
ગુજરાત ATS અને DRIના આધારભૂત સૂત્રોનું કહેવું છે કે હાલ સાતેક જગ્યા પર તપાસ કાર્યવાહી શરૂ છે. બીજી તરફ પિતા-પુત્ર ફરાર છે પરંતુ તેમની નજીકના એવા લોકો કે જે તેમની સાથે રોજિંદા વ્યવહાર અને લેવડ-દેવડમાં જોડાયેલા હતા તેવા અનેક લોકોની યાદી બની છે. જે પૈકી અનેક લોકો પર સુરક્ષા એજન્સીએ સર્વેલન્સ પણ ગોઠવ્યું હોવાનું જાણવા મળે છે.
સૂત્રોનું કહેવું છે કે મુંબઈની પ્રોપર્ટી અને અમદાવાદની પ્રોપર્ટીઓ મળી સાતેક જગ્યા પર સર્ચ ઉપરાંત પિતા-પુત્રના વ્યવહારો અને જવાબદારી નક્કી કરી સ્મગલિંગ અંગે કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરી દેવાઈ છે.
એક IPS પાસે પણ મહેન્દ્ર શાહ રોકાણ કરાવવા પહોંચ્યો હતો
સૂત્રોનું કહેવું છે કે મહેન્દ્ર શાહ પર કાર્યવાહી થઈ ત્યારે એક IPS સ્તબ્ધ બન્યા હતા. કારણ, થોડા સમય પહેલાં જ મહેન્દ્ર શાહે તેમને રોકાણ કરવાના નામે સમજાવ્યા હતા. જોકે, આઈ.પી.એસ અધિકારીને મહેન્દ્ર શાહની વાતોમાં વિશ્વાસ નહીં આવતા તેમણે રોકાણ કર્યું ન હતું અને તે બચી ગયાની લાગણી તેમના અન્ય એક અધિકારી મિત્રને ફોન કરી વ્યક્ત કરી હતી. DRIએ આવિષ્કાર ફ્લેટ પર કરેલા પંચનામામાં જે સોનાનાં બિસ્કિટ મળ્યાં છે તેના પરના માર્કા પણ નોંધ્યા છે. સૂત્રોનું કહેવું છે કે આ માર્કા દુનિયાના અલગ અલગ દેશની અલગ અલગ ગોલ્ડ કંપનીઓના છે. જેમાં કેટલાક દુબઈ તો કેટલાક ઓસ્ટ્રેલિયન કંપનીના પણ છે. આ ઉપરાંત સ્વિત્ઝર્લેન્ડની ગોલ્ડ કંપનીના છે. જેને જોઈ માનવામાં આવી રહ્યું છે કે મોટા ભાગનું સોનું દુબઈ અથવા બેંગકોકથી સ્મગલિંગ કરીને જ લવાયું હશે. કેટલીક સોનાની લગડીઓ પર ઈન્ડિયન બ્રાન્ડના પણ માર્કા છે જેની તપાસ થશે.