કર્ણાટક સરકારે પોતાના કોન્ટ્રાક્ટમાં 4 ટકા જેટલી અનામત મુસ્લિમ પછાત વર્ગ માટે જાહેર કરી તેનાથી ભાજપ સખત છંછેડાયું છે. પરંતુ તેની સાથે-સાથે રમજાન ઇદ પર ભાજપ મુસ્લિમો માટે સદ્ભાવના દર્શાવવા માટે રમજાન ઇદ પર વિશેષ ભેટ આપવા આયોજન કરી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય એકમે રમજાન ઇદ પર સૌગાત-એ-મોદી નામની યોજના જાહેર કરી છે, જેમાં ગરીબ મુસ્લિમ પરિવારોને અનાજ અને મિઠાઇનું વિતરણ કરાશે, ગુજરાતમાં આવાં લગભગ 2.5 લાખ ગરીબ મુસ્લિમ પરિવારોને અનાજની કીટ અને મિઠાઇ વહેંચવામાં આવશે. ગુજરાત ભાજપના લઘુમતી મોરચાના અધ્યક્ષ ડો. મોહસીન લોખંડવાલાએ જણાવ્યું કે, આ અમારા રાષ્ટ્રીય નેતૃત્વએ લીધેલો નિર્ણય છે અને તેમાં અમારે તેનું પાલન કરવાનું છે. આ કીટ સહિતની સામગ્રી વહેંચવા માટે પાર્ટી ફંડમાંથી કોઇ સહાય મળવાની નથી. તમામ ખર્ચ લઘુમતી મોરચાના હોદ્દેદારો અને સભ્યોએ જ ઉપાડી લેવાનો છે. અમને પ્રતિ હોદ્દેદાર લગભગ 100થી 200 કીટ તૈયાર કરવાનું લક્ષ્યાંક અપાયું છે. 45 લાખ મુસ્લિમ વોટ પર નજર, કોંગ્રેસનો ઇજારો તોડવાનો પ્રયાસ ગુજરાતમાં મુસ્લિમોની કુલ વસતી 75 લાખ છે તેમાંથી અંદાજે 45 લાખ મતદાતાઓ છે. પ્રતિ પરિવાર 5 વ્યક્તિની ગણતરીએ અઢી લાખ પરિવાર લેખે કુલ 12.5 લાખ મુસ્લિમો સુધી ભાજપની આ સૌગાતે-મોદી અનાજ કીટ પહોંચશે. ભાજપનો સીધો વ્યૂહ મુસ્લિમ મતદારોને આકર્ષીને તેમના પર રહેલો કોંગ્રેસનો ઇજારો તોડવાનો છે. પાલિકા-પંચાયતની ચૂંટણીમાં બેઠકો, હોદ્દાઓ અપાયા ભાજપે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં જાહેર કરેલાં ઉમેદવારો પૈકી 103 મુસ્લિમ હતા અને તેમાંથી 22 બિનહરિફ સહિત 76 ઉમેદવારો વિજેતા બન્યા હતા. ચૂંટાયેલા પૈકી 4 મુસ્લિમ નગર સેવકોને ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવ્યા હતા. દિવાળીની જેમ પાર્ટી ઇદ સ્નેહમિલન સમારોહ યોજશે ભાજપના હોદ્દેદારો દર દિવાળી અને ગુજરાતી બેસતાં વર્ષે સ્નેહ મિલન સમારોહ યોજે છે. તે જ પેટર્ન પર હવે ભાજપના લઘુમતી સમાજના હોદ્દેદારો મહાનગરમાં વોર્ડ તેમજ જિલ્લા અને તાલુકા સ્તરના ઇદ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરશે. આ સમારોહમાં ભોજન સમારંભ સહિતની વ્યવસ્થા રહેશે. ગુજરાત ભાજપમાં 2500 લઘુમતી મોરચાના હોદ્દેદારો આ જવાબદારી સંભાળશે.