સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના કો-સીઈઓ હાન જોંગ-હીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન હાર્ટ-એટેકથી મૃત્યુ થયું હતું. તેમના અંતિમ સંસ્કાર ગુરુવારે દક્ષિણ સિઓલના સેમસંગ મેડિકલ સેન્ટરમાં થવાની ધારણા છે. હાન સેમસંગના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ ડિવાઇસ વિભાગના વડા હતા. તેમને 2022માં સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના વાઇસ ચેરમેન અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ કંપનીના બોર્ડ સભ્ય પણ હતા. કંપનીએ હજુ સુધી હાનના ઉત્તરાધિકારી અંગે નિર્ણય લીધો નથી. સેમસંગે કહ્યું- હાને ટીવી બિઝનેસમાં વૈશ્વિક લિડર બનાવ્યું
હાનને શ્રદ્ધાંજલિ આપતા કંપનીએ કહ્યું કે, તેમણે સેમસંગના ટીવી વ્યવસાયને વૈશ્વિક સ્તરે અગ્રણી બનાવવા માટે તેમના જીવનના 37 વર્ષ સમર્પિત કર્યા. ઇલેક્ટ્રોનિક્સ અને ઉપકરણોના વ્યવસાયના વડા તરીકે, તેમણે ‘પડકારજનક વ્યવસાયિક વાતાવરણ’ વચ્ચે કંપનીના વિકાસમાં ફાળો આપ્યો. હાને 2025ને કંપની માટે મુશ્કેલ વર્ષ ગણાવ્યું હતું
રોઇટર્સના અહેવાલ મુજબ, ગયા અઠવાડિયે રોકાણકારો સાથેની વાર્ષિક બેઠક દરમિયાન હાને સેમસંગના શેરના નબળા પ્રદર્શન માટે માફી માંગી હતી. તે જ સમયે તેમણે 2025ને મુખ્ય અર્થતંત્રોની આર્થિક નીતિઓ અંગે અનિશ્ચિતતાઓને કારણે મુશ્કેલીઓથી ભરેલું ગણાવ્યું હતું. હાન 1988માં સેમસંગ ઇલેક્ટ્રોનિક્સમાં જોડાયા
1962માં જન્મેલા હાને ઇન્હા યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા. 1988માં સેમસંગ ઇલેક્ટ્રોનિક્સમાં વિઝ્યુઅલ ડિસ્પ્લે વિભાગમાં કામ કરવાનું શરૂ કર્યું. સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના ટીવી વ્યવસાયના વિકાસમાં તેમને મુખ્ય વ્યક્તિ તરીકે જોવામાં આવે છે.