રાજકોટમાં 10 એપ્રિલ બાદ લગ્ન કરનારાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 8 મહિનાથી મનપાનાં તમામ 18 કોમ્યુનિટી હોલ ફાયરનાં સાધનો ફિટ કરવાની કામગીરી માટે બંધ કરવામાં આવ્યા હતા. આ પૈકી હાલ અડધા કરતા વધુ હોલમાં કામગીરી પૂર્ણ થઈ છે. બાકી રહેલા તમામ હોલમાં ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થનાર છે. જેને લઈ વધુમાં વધુ એપ્રિલનાં પ્રથમ સપ્તાહમાં આ તમામ કોમ્યુનિટી હોલ લોકો માટે ખુલ્લા મુકવામાં આવશે, તેવો દાવો મેયર નયનાબેન પેઢડીયા દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આ સમય પછી લગ્ન કરનારાઓને ખૂબ વ્યાજબી ભાવે મનપાનાં હોલ ભાડે મળી રહેશે, જેથી લગ્નનાં ખર્ચમાં મોટી રાહત મળશે. 20માંથી 18 હોલમાં ફાયર સેફટીની કામગીરી
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ મહાપાલિકા દ્વારા બીયુ સર્ટી અને ફાયર એનઓસી મુદ્દે કડક ચેકિંગ હાથ ધરી અનેક એકમોને સીલ કર્યા હતાં. જેમાં મનપા સંચાલિત લગ્ન હોલમાં પણ ફાયર સેફટીના સાધનો નહીં હોવાનું સામે આવ્યું હતું. જે અંતર્ગત ફાયરનાં સાધનો ફિટ કરવા માટે છેલ્લા લગભગ આઠ મહિનાથી તમામ હોલ બંધ કરવામાં આવ્યા હતા. રાજકોટ મનપાનાં કુલ 20 જેટલા હોલ છે, જે પૈકીનાં 18 હોલમાં ફાયર સેફટીની કામગીરી ચાલી રહી હોવાથી આ હોલમાં આવેલા તમામ 26 યુનિટ ભાડે આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. ગત વર્ષે લોકોને મોંધા ભાડા ચૂકવવા પડ્યા હતાં
મહાનગરપાલિકાના ફાયર સેફ્ટીના સાધનો વગરના લગ્ન હોલ ઘણા સમયથી બંધ કરવામાં આવ્યા હતા અને જે તે વખતે અનેક પરિવારોના લગ્નપ્રસંગો પણ રઝળી પડ્યા હતાં. ગત લગ્ન ગાળાની સિઝનમાં અનેક પરિવારોએ મોંઘાભાવની પ્રાઈવેટ વાડીઓ ફરજિયાત રાખવાની ફરજ પડી હતી. આ પહેલા ચોમાસાની સિઝન હોવાથી પાર્ટીપ્લોટનો વિકલ્પ ઉપલબ્ધ નહીં હોવાથી ખાનગી હોલ એ એકમાત્ર ઉપાય બચ્યો હોવાથી આ સમયમાં લગ્ન કરનારા લોકોએ મસમોટા ભાડા ચૂકવ્યા હતા. જો કે લોકોની આ સમસ્યાનો અંત હવે ટૂંક સમયમાં આવી રહ્યો છે. ફાયરના સાધનો પૂર્ણ કરવાની કામગીરી અંતિમ ચરણમાં હોવાથી એપ્રિલનાં પ્રથમ સપ્તાહ બાદ લગ્નની સિઝનમાં લોકોને મોટી રાહત મળશે. 8 હોલમાં નાના-મોટા કામ જ બાકી
રાજકોટનાં મેયર નયનાબેન પેઢડીયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મનપાનાં કુલ 18 હોલનાં 26 યુનિટમાં ફાયર એનઓસી નહીં હોવાને લઇ અંદાજે 8 મહિના પહેલા ફાયરના સાધનો ફિટ કરવાનાં કામ માટે આ તમામ હોલનાં બુકિંગ બંધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેના માટેની ટેન્ડર પ્રક્રિયા કરીને આ કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં હાલ 10 જેટલા હોલમાં કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બાકીના 8 હોલમાં કેટલાક નાના-મોટા કામ બાકી છે. જે ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે માર્ચનાં અંત અથવા એપ્રિલ માસનાં પ્રથમ સપ્તાહ સુધીમાં તમામ કામગીરી પૂર્ણ થતાં ફરી આ હોલનાં બુકિંગ લોકો માટે શરૂ કરવામાં આવશે. જેને લઈને લોકોને લગ્ન સહિતના પ્રસંગમાં ઓછા ખર્ચે સારી સુવિધા મળી રહેશે. ગેમ ઝોન દુર્ઘટના બાદ બંધ કરાયા હતાં
ઉલ્લેખનીય છે કે, ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ મહાપાલિકા દ્વારા બીયુ સર્ટી અને ફાયર એનઓસી મુદ્દે કડક ચેકિંગ હાથ ધરી અનેક એકમોને સીલ કર્યા હતાં. જેમાં મનપા સંચાલિત લગ્ન હોલમાં પણ ફાયર સેફટીના સાધનો નહીં હોવાનું સામે આવ્યું હતું. જે અંતર્ગત ફાયરનાં સાધનો ફિટ કરવા માટે છેલ્લા લગભગ આઠ મહિનાથી તમામ હોલ બંધ કરવામાં આવ્યા હતા. હાલ આ 18 કોમ્યુનિટી હોલ પૈકી 10માં કામગીરી પૂર્ણ થઈ છે. બાકીના 8માં પણ ટૂંક સમયમાં કામગીરી પુરી થતા તમામ હોલ લોકો માટે ફરીથી ખુલ્લા મૂકી દેવામાં આવનાર છે.