સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. અહીં અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સંજય પંડ્યા દ્વારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે દ્વિઅર્થી ભાષામાં વાત કરવામાં આવતી હોવાની સાથે ચોક્કસ જ્ઞાતિના વિદ્યાર્થીઓને પરીક્ષામાં વધુ માર્કસ આપવામાં આવતા હોવાના આક્ષેપ સાથેનો એક પત્ર મહિલા આયોગ સુધી પહોંચતા ખળભળાટ મચી ગયો છે. જેમાં 5 વિદ્યાર્થિનીના નામ લખવામાં આવ્યા છે. આ બાબતે મહિલા આયોગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને તપાસ કરવા માટે આદેશ અપાયો છે. ત્યારે કુલપતિનું કહેવું છે કે, મહિલા આયોગ તરફથી મળેલા પત્ર બાબતે અર્થશાસ્ત્ર ભવનના અધ્યક્ષનો અભિપ્રાય માગવામાં આવ્યો છે. જેઓ પત્રની સત્યતા ચકાસ્યા પછી રિપોર્ટ આપશે અને ત્યાર પછી નિર્ણય લેવાશે. જેમની સામે આક્ષેપો થયા છે તે આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. પંડ્યાએ જણાવ્યું હતું કે, મારા વિરુદ્ધના આક્ષેપો પાયાવિહોણા છે. કોઈ હિત શત્રુએ કાયદો અને કુદરતનો ડર રાખ્યા વિના આ કૃત્ય કર્યું છે. જોકે, યુનિવર્સિટીની તપાસ પૂર્ણ થયા બાદ આ પત્ર બાબતે પોલીસ ફરિયાદ કરવી કે કેમ? તે વિચારવામાં આવશે. સેક્સ્યુઅલ હેરેસ્ટમેન્ટની કોઈ વાત નથીઃ કુલપતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ જણાવ્યું હતુ કે, મહિલા આયોગમાંથી એક અરજીના સ્વરૂપમાં પત્ર આવ્યો છે અને તેનું પૂછાણ આવ્યું છે. આ બાબતે ભવનના અધ્યક્ષનો અભિપ્રાય માગવા માટે પત્ર લખવામાં આવ્યો છે. જેમાં સેક્સ્યુઅલ હેરેસ્ટમેન્ટની કોઈ વાત નથી, પરંતુ આ પ્રકારની બેનામી અરજીઓ આવતી હોય છે. જેમાં સૌપ્રથમ તો તેમાં વિદ્યાર્થી કોણ છે? તેની તપાસ કરવાની હોય છે. આ કિસ્સામાં પણ અર્થશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડૉ. નવીન શાહનો અભિપ્રાય માગવામાં આવ્યો છે, પરંતુ તેમને 2 દિવસ ગાંધીનગર અપોઈન્ટ કર્યા હોવાથી હાલ તેઓ ત્યાં છે. આવતીકાલે તેઓ આવશે અને ત્યારબાદ તેઓ તપાસ કરી અભિપ્રાય સ્વરૂપે રિપોર્ટ આપશે. પત્રની નીચે 5 વિદ્યાર્થિનીના નામ અને સહીઓ
આ પત્રમાં એવું લખવામાં આવ્યું છે કે, અધ્યાપક દ્વારા દ્વિઅર્થી વાત કરવામાં આવે છે અને ચોક્કસ જ્ઞાતિ અંગે બોલવામાં આવે છે. પત્રની નીચે 5 જેટલી વિદ્યાર્થિનીના નામો લખેલા છે અને તેમાં સહીઓ કરવામાં આવેલી છે. જેને સૌપ્રથમ તો ખરાઈ કરવામાં આવશે. પત્રમાં 5 સહીઓ કરવામાં આવેલી છે, પરંતુ તમામના હેન્ડરાઇટિંગ એક સરખા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિસ્તભંગ ચલાવી ન શકાય, પરંતુ સામે પક્ષે એ પણ ચકાસવું જોઈએ કે કોઈના દ્વારા અધ્યાપકને ટાર્ગેટ કરવામાં તો નથી આવતા ને? જોકે હાલ ભવનના વડા પાસે આ પત્રની સત્યતા ચકાસવા માટે અભિપ્રાય માગવામાં આવેલો છે. તેમના અભિપ્રાય બાદ આગળની તપાસ કરવામાં આવશે. ભાષા, વાણી અને વિવેકનો મને ખ્યાલ છેઃ ડૉ. સંજય પંડ્યા
અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સંજય પંડ્યાએ જણાવ્યું હતું કે, મારા વિરૂદ્ધનો જે પત્ર આવ્યો છે, તેમાં આક્ષેપો એ પ્રકારના થયા છે કે ચોક્કસ વિદ્યાર્થીઓને વધુ માર્કસ આપવામાં આવે છે અને દ્વિઅર્થી વાત કરવામાં આવે છે. પરીક્ષાની પ્રક્રિયા ખાનગી હોય છે. તેમાં વિદ્યાર્થીઓની ઓળખ છતી થતી નથી, જેથી કોઈ વ્યક્તિને વધુ માર્ક્સ આપવા શક્ય નથી. આ આક્ષેપો પાયા વિહોણા છે. જ્યારે દ્વિઅર્થી વાતના આક્ષેપો પણ ખોટા છે. ભાષા, વાણી અને વિવેકનો મને ખ્યાલ છે. આવી કોઈ જ વાત મારા દ્વારા કરવામાં આવી નથી. ખોટો પત્ર વાઇરલ થયો છે, જેની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તપાસ કરશે અને યોગ્ય ન્યાય આપશે. કાયદો અને કુદરતનો ડર રાખ્યા વિના મારા વિરુદ્ધ કોઈએ ખોટો પત્ર લખ્યો હોય તેવું હું માનું છું. ‘આ પ્રકારની પ્રવૃત્તિ કરનારાને ભગવાન સદબુદ્ધિ આપે’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ બાબતે તપાસ કરી રહી છે. તેની સાથે રહી યુનિવર્સિટી પોતે પોલીસ ફરિયાદ કરશે કે મને પોલીસ ફરિયાદ કરવાનું કહેશે તો એ પ્રમાણે હું કાયદાકીય રીતે આગળ વધીશ. અધ્યાપકો વિરુદ્ધ નનામાં પત્રો વાઇરલ થાય ત્યારે શું નુકસાન થતું હોય છે? તેવું પૂછતા તેમને જણાવ્યું હતું કે, હાલ તો આ પ્રકારના પત્રનો હું સામનો કરી રહ્યો છું. આ પ્રકારની પ્રવૃત્તિ કરનારાને ભગવાન સદબુદ્ધિ આપે તેવું કહું છું.