PoK લેવા તરફ ભારત એક-એક કદમ આગળ વધી રહ્યું છે. દર વખતે યુનાઇટેડ નેશન્સમાં પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો ઉપાડે છે અને દર વખતે ભારત શાંતિથી જવાબ આપે છે. આ વખતે UNમાં ભારતના રાજદૂત પી. હરીશે સોઈ ઝાટકીને કહી દીધું કે પાકિસ્તાન PoK પર ગેરકાયદે કબજો જમાવીને બેઠું છે. એ ખાલી કરાવવું જ પડશે. ટૂંકમાં, ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી દીધી કે શાંતિથી ખાલી કરો તો ઠીક છે… નમસ્કાર, અમિત શાહે કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાની જાહેરાત કરી ત્યારે જ કહ્યું હતું કે હું જ્યારે કાશ્મીર બોલું ત્યારે સમજી લેવાનું કે એની અંદર જ PoK આવી જાય… હમણાં જ અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેનના ત્રણ કલાકના પોડકાસ્ટમાં પણ નરેન્દ્ર મોદીએ કહેલું કે જ્યારે જ્યારે ભારતે પાકિસ્તાન સાથે શાંતિ સ્થાપવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્યારે વિશ્વાસઘાત જ મળ્યો. UNSCમાં ભારતીય રાજદૂતે શું કહ્યું? UNSC (યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ)માં પાકિસ્તાનના વડાપ્રધાનના સહાયક સૈયદ તારિક ફાતમીએ સુરક્ષા પરિષદમાં જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. પાકિસ્તાન પાસે આમ તો બીજા કોઈ મુદ્દા છે નહીં, એટલે વારંવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા કરે છે. દર વખતે ભારત એનો જવાબ આપે છે, પણ આ વખતે તો ભારતના રાજદૂત પી. હરીશે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે PoK ખાલી કરાવી નાખો. તમે ગેરકાયદે કબજો જમાવી લીધો છે. આ સાંભળતાં જ દુનિયાની વચ્ચે પાકિસ્તાનનું નાક કપાઈ ગયું છે. પી. હરીશે કહ્યું હતું કે વારંવાર જમ્મુ-કાશ્મીર પર ટિપ્પણીઓ કરવાથી પાકિસ્તાનના ગેરકાયદે દાવા સાચા નહીં થઈ જાય. પાકિસ્તાન આતંકવાદને પોષે છે એ પણ યોગ્ય નથી. અમે પાકિસ્તાનને સલાહ આપીશું કે તે પોતાના એજન્ડાને આગળ વધારવા માટે યુએન જેવા પ્લેટફોર્મનો ઉપયોગ ન કરે. તેમણે આગળ કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશાં રહેશે. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર પર ગેરકાયદે રીતે કબજો કર્યો છે, જેને તેણે ખાલી કરવો પડશે. ભારત આંતરરાષ્ટ્રીય મંચો પર તેની સંપ્રભુતા પર પ્રશ્ન ઉઠાવવા દેશે નહીં. મહિના પહેલાં જ પાકિસ્તાનને ફટકાર પડી હતી તોય ન સુધર્યું ગયા મહિને 26 ફેબ્રુઆરીએ સ્વિટ્ઝર્લેન્ડના જીનિવા શહેરમાં યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (UNHRC)ની મિટિંગ મળી હતી. એમાં UNના ભારતના ઓફિસર ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. પાકિસ્તાને ત્યારે ભારત પર માનવ અધિકારના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. તેના જવાબમાં ક્ષિતિજ ત્યાગીએ કહ્યું હતું કે પાકિસ્તાન એક નિષ્ફળ દેશ છે, જે બીજા દેશના દાનના પૈસા પર ટકી રહે છે. UNમાં પાકિસ્તાનના અધિકારીઓ ભાષણ આપે તોપણ એમાં દંભની ગંધ આપે છે. ક્ષિતિજે એમ પણ કહ્યું હતું કે અમને આશ્ચર્ય નથી કે પાકિસ્તાની નેતાઓ આતંકવાદીઓના કહેવાથી જુઠ્ઠાણાં ફેલાવે છે. ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) પાકિસ્તાનનું મુખપત્ર છે. એક નિષ્ફળ દેશ આટલા મોટા સંગઠનનો સમય બગાડે છે એ દુર્ભાગ્યપૂર્ણ છે. પાકિસ્તાને ભારતને બદલે પોતાના દેશની સ્થિતિ બદલવી જોઈએ. તેનાં કાર્યો અમાનવીય છે અને સરકાર ચલાવવામાં અસમર્થ છે. ભારત તેના લોકો માટે લોકશાહી, વિકાસ અને ગૌરવ પર ફોકસ કરે છે. ક્ષિતિજ ત્યાગીએ OICનો ઉલ્લેખ કર્યો એ શું છે? ભારત હંમેશાં પાકિસ્તાન અને OICના સંબંધો પર સવાલ ઉઠાવતું રહ્યું છે. OIC એક આંતરસરકારી સંગઠન છે, જેમાં 57 ઈસ્લામિક દેશો સામેલ છે. એનો હેતુ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સદભાવને પ્રોત્સાહન આપવાનો છે અને મુસ્લિમ દેશોનાં હિતોની રક્ષા કરવાનો છે. ડિસેમ્બર 2022માં OICના મહાસચિવ હુસૈન ઈબ્રાહિમ તાહા પાકિસ્તાન ગયા હતા. ત્યાંથી તેઓ PoK પણ ગયા હતા. એ વખતે તેમણે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વિશે નિવેદનો આપ્યા, જેનો ભારતે વિરોધ કર્યો. વિદેશ મંત્રાલયના એ વખતના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે OICએ પોતાની વિશ્વનીયતા ખોઈ નાખી છે. બે વર્ષ પહેલાં PoKમાં ભારે વિરોધપ્રદર્શન થયું હતું 25 જુલાઈ, 2022થી પીઓકેમાં ભારે વિરોધપ્રદર્શન થયું હતું. લગભગ પંદર દિવસ સુધી ધમાલ ચાલી હતી. રાષ્ટ્રવાદી દળોના એક સંગઠને વીજળીની કપાત અને સરચાર્જના વિરોધમાં રાવલકોટ જિલ્લામાં ધરણાં અને પ્રદર્શન શરૂ કર્યાં હતાં. પછી પ્રદર્શન હિંસક થયું. પોલીસે ટિયરગેસના શેલ છોડ્યા. અનેકની ધરપકડ થઈ. 2018 પહેલાં આ ક્ષેત્રમાં આઝાદ જમ્મુ-કાશ્મીર કાઉન્સિલની દખલગીરી હતી. આ કાઉન્સિલના અધ્યક્ષ પાકિસ્તાનના વડાપ્રધાન હોય છે. કાઉન્સિલમાં 14 મેમ્બર હોય છે. PoKમાં આ કાઉન્સિલનો કંટ્રોલ રહેતો હતો, જેમ કે ટેક્સ કલેક્શન, ટૂરિઝમ, કુદરતી સંશાધનો પર કબજો રાખતી હતી. પછી આ કાઉન્સિલનો હોલ્ટ ન રહ્યો ને પાકિસ્તાની સેના તથા વડાપ્રધાન જ PoKનો વહીવટ કરવા લાગ્યા. એવું કહેવાય છે કે પાકિસ્તાનની સરકાર પીઓકેના ઇન્ટેરિમ સંવિધાનમાં સંશોધન કરીને પીઓકે પર સંપૂર્ણ નિયંત્રણ કરવાની યોજના બનાવે છે. PoKના વડાપ્રધાન હોય છે, એ પણ નામના જ ! પાકિસ્તાનના વડાપ્રધાન હોય છે એમ PoKના અલગ વડાપ્રધાન હોય છે. PoKમાં તો સત્તા નામ માત્ર છે, બાકી એવું કહેવાય છે કે જેની ઈસ્લામાબાદમાં સત્તા હોય છે તેની જ સત્તા PoKમાં હોય છે, એટલે ડીસીપી કક્ષાનો અધિકારી આવીને PoKના વડાપ્રધાનને કાઢી શકે છે. જ્યારે PoKમાં કોઈ શપથ લે છે. પછી એ વડાપ્રધાન પદની હોય કે ધારાસભ્ય તરીકેની હોય. તો એ શપથમાં એક વાક્ય એ પણ આવે છે કે હું કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ બનાવવા માટે પૂરી કોશિશ કરીશ… અમિત શાહ ગૃહમાં ઊકળી ગયા હતા અમિત શાહે ગૃહમાં કલમ 370 હટાવવાની જાહેરાત કરી ત્યારે વિપક્ષોએ હંગામો કર્યો. કોઈએ તો એવું કહ્યું કે જો તમે જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવીને પૂર્ણ દરજ્જો આપશો તો PoK પરનો હક ગુમાવી દઈશું. આ વાક્ય સામે અમિત શાહ ઊકળી ગયા હતા. તેમણે સદનમાં આક્રમક રીતે કહ્યું હતું કે તમે PoKને ભારતનો ભાગ નથી માનતા? જાન દે દેંગે ઈસકે લીએ… ક્યા સમજતે હો આપ? એગ્રેસિવ હોને કી ક્યા બાત કર રહે હો? PoK શું છે એ આ પોઈન્ટમાં સમજી લો… અમિત શાહે PoK માટે 24 સીટ કેમ અનામત રાખી? 5 ઓગસ્ટ 2019ના દિવસે ભારત સરકારે કલમ 370 હટાવી લીધી. એ પછી 2020માં સીમાંકન આયોગ રચાયું. આયોગે ભલામણ કરી કે જમ્મુમાં 6 સીટ અને કાશ્મીર ખીણ માટે 1 સીટ વધારવી જોઈએ. આના કારણે કુલ સીટ 90 થઈ ગઈ. આમાં પીઓકેમાં અનામત રખાયેલી 24 સીટ સામેલ નથી. જો એ ઉમેરો તો 114 સીટ થઈ જાય. આ સીટ ત્યાં સુધી ખાલી રહેશે, જ્યાં સુધી પાકિસ્તાનનો કબજો ખતમ ન થઈ જાય. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં PoKના ધારાસભ્યોની 24 સીટ ખાલી છે. છેલ્લે, 6 જુલાઈ, 2024ના દિવસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે ભાજપનું સ્ટેન્ડ ક્લિયર જ છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં જ PoK પાછું લેવાનું છે. મોદી સરકારે અધૂરા એજન્ડા પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. સોમવારથી શુક્રવારે રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ (રિસર્ચઃ યશપાલ બક્ષી)