અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી અસામાજિક તત્વોના આતંકના વીડિયો સામે આવ્યા બાદ પોલીસ દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ છતાં હજુ પણ આ લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે આવો જ એક વધુ વીડિયો સામે આવ્યો છે. જેમાં યુવક પર દંડાવાળી કરવામાં આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. જોકે, આ સમગ્ર મામલે એલિસબ્રિજ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ વીડિયોમાં દેખાતા દૃશ્યો પ્રમાણે જાણે કાયદાનો કોઈને ડર રહ્યો ન હોય તે રીતે બેફામ બની યુવક પર લાકડીઓથી તૂટી પડતા જોવા મળે છે. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા નિહાર ઠાકોર ગઈકાલે રાત્રે કલ્યાણ જ્વેલર્સ પાસે એક્ટિવા પર જતો હતો. તે સમયે તેને રોકીને બે શખસોએ ગાળાગાળી કરી હતી. ત્યાર બાદ બંનેએ નિહારની એક્ટિવા પર લાકડી મારી હતી જેમાં નિહાર નીચે પડી ગયો હતો. સૌરભ દેસાઈ, વિજય દેસાઈ અને ધવલ દેસાઈ તેમજ અન્ય એક વ્યક્તિએ ભેગા મળીને યુવકને માર મારવાનો શરૂ કરી દીધો હતો. આ બનાવમાં નિહારને આ લોકો બેફામ રીતે માર મારતા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ઉપરાંત સ્થાનિક નાગરિક દ્વારા યુવકને માર મારવાનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનામાં નિહાર ત્યાંથી બચીને નીકળવામાં સફળ રહ્યો હતો. પરંતુ તેને માથામાં ગંભીર ઈજા પહોંચી હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ અંગે મળતી માહિતી પ્રમાણે થોડા દિવસ પહેલાં પણ નિહારને આ લોકોએ ધમકી આપી હતી. હાલ તો એલિસબ્રિજ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવાના પ્રયાસો શરૂ કર્યા છે.