જાણીતા કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત અચાનક લથડી છે. આણંદમાં બુધવારે ચાલુ કથાએ જીજ્ઞેશ દાદાની તબિયત લથડી છે. આણંદના લાંભવેલ રોડ પર જીજ્ઞેશ દાદાની કથા ચાલી રહી હતી અને કથામાં જીજ્ઞેશ દાદાનું સ્વાસ્થ્ય લથડતા તેમને તાત્કાલિક કથા મંડપમાંથી સીધા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે તબીબી સારવાર સમયસર મળી જતાં કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયતમાં સુધારો થયો છે. તબીબો દ્વારા સંપૂર્ણ તપાસ બાદ હાલ જીજ્ઞેશ દાદાની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ચાલુ કથામાંથી જ હોસ્પિટલ લઈ જવાયા ચાલુ કથામાં જીજ્ઞેશ દાદાએ કહ્યું કે મારૂં સ્વાસ્થ્ય બગડ્યું હોવાથી જવું પડશે. વ્યાસપીઠ પરથી તેમણે ઈશારો કરીને તાત્કાલિક ગાડી મગાવી લીધી હતી. તેઓને અચાનક પરસેવો વળી જતા કથા મોકૂફ રાખવામાં આવી અને તેમને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં જીજ્ઞેશ દાદાની તબિયત સ્વસ્થ છે. જીજ્ઞેશ દાદાની તબિયત લથડવાના સમાચાર સાંભળીને હાજર રહેલા તમામ લોકો ચિંતામાં આવી ગયા હતા. ઉપવાસના લીધે નબળાઈથી સ્વાસ્થ્ય લથડ્યાની સૂત્રોમાં ચર્ચા ચાલુ કથા દરમિયાન તબિયત ખરાબ થતા જીજ્ઞેશ દાદાને હોસ્પિટલ લઈ જવાયા હતા. જો કે, સમયસરની સારવાર મળતા અને તબિયતમાં સુધારો થતા તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. સત્રોના જણાવ્યા અનુસાર, ઉપવાસના કારણે નબળાઈના લીધે તબિયત લથડી હોય એ શક્ય છે. હોસ્પિટલમાં ચેકઅપ પછી અને તબિયતમાં સુધારો થતાં હાલ જીજ્ઞેશ દાદા આણંદ નિવાસ સ્થાને આવ્યા છે. આજે રાબેતા મુજબ કથા યોજાશે તેમ જણાવાયું છે. અગાઉ વર્ષ 2020માં પણ જીજ્ઞેશ દાદાની તબિયત લથડી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં કોરોના કાળ વખતે ભાગવત કથાકાર જીજ્ઞેશ દાદાનો ઓક્સિજન માસ્ક સાથેનો હોસ્પિટલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તે સમયે જીજ્ઞેશ દાદાની તબિયત બગડી હતી. જીજ્ઞેશ દાદાની તબિયત કોરોનાના કારણે લથડતાં તેમના ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.