કચ્છમાં ઉનાળાની શરૂઆત સાથે આકરો તાપ પડી રહ્યો છે. આ સ્થિતિમાં વન્યજીવોની સુરક્ષા માટે વન વિભાગે વિશેષ વ્યવસ્થા કરી છે. પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાના જણાવ્યા મુજબ, સપ્ટેમ્બર સુધી સારા વરસાદને કારણે કુદરતી જળસ્ત્રોતોમાં હજુ પાણી છે. પરંતુ વધતી ગરમીને ધ્યાનમાં રાખીને વિભાગે આગોતરું આયોજન કર્યું છે. વન વિભાગે અભયારણ્ય અને જંગલ વિસ્તારમાં 80 કૃત્રિમ વોટર પોઈન્ટ બનાવ્યા છે. આ પોઈન્ટ્સ પર ટેન્કર દ્વારા નિયમિત પાણી પહોંચાડવામાં આવે છે. વન્યજીવોની સુરક્ષા માટે દરેક વોટર પોઈન્ટ પર ટ્રેપ કેમેરા લગાવવામાં આવ્યા છે. વિભાગે નાગરિકોને પણ અપીલ કરી છે કે ગરમીથી અસરગ્રસ્ત કે ઘાયલ પશુ-પક્ષીઓ જોવા મળે તો વન વિભાગની હેલ્પલાઈન પર તાત્કાલિક જાણ કરે. સાથે જ લોકોને પોતાના ઘર આસપાસ પશુ-પક્ષીઓ માટે પાણીના વાસણ મૂકવાની અપીલ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા કૃત્રિમ વોટર પોઈન્ટ બનાવતા પહેલા કુદરતી જળસ્ત્રોતોનું પરીક્ષણ કરવામાં આવે છે. વન્યજીવોની સલામતીને ધ્યાનમાં રાખીને જ નવા વોટર પોઈન્ટની પસંદગી કરવામાં આવે છે.