કલોલ શહેર અને તાલુકામાં ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ ગુનાહિત તત્વો સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કલોલ-મહેસાણા હાઇવે પર કલોલ તાલુકા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન અમૃત હોટલ પાસે બે શખ્સો ખુલ્લી તલવાર સાથે ઊભેલા જોવા મળ્યા હતા. આ બંને શખ્સો લોકોમાં ભય ફેલાવી રહ્યા હતા. પોલીસે તાત્કાલિક બંને શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં તેમની ઓળખ દેવાનંદ બાબુભાઈ મારવાડી અને ઘનશ્યામ આત્મારામભાઈ મારવાડી લુહાર તરીકે થઈ હતી. બંને આરોપીઓ કલોલ કલ્યાણપુરા વિસ્તારના પશુ દવાખાના પાસે રહેતા હોવાનું જણાવ્યું હતું તલવાર અંગે પૂછપરછ કરતા આરોપીઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. પોલીસે બંને આરોપીઓ સામે જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ બદલ ફોજદારી ગુનો નોંધ્યો છે. હાલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.