વડોદરાના શ્રવણ સેવા ફાઉન્ડેશનના સેવાભાવી યુવાનોએ સતત બીજા વર્ષે ગૌમાતા અને નંદીને આમરસ પીરસી અનોખી સેવા કરી હતી. સેવાભાવી યુવાનોએ ઠંડો અને તાજો 2001 કિલો રસ તૈયાર કરી ગૌશાળાની 9 ક્યારી ભરી દીધી હતી. આ તકે સેવાભાવી યુવાન નીરવ ઠક્કરે જણાવ્યું કે, ગૌ માતા કેરીની છાલ અને ગોટલી નહીં, પરંતુ કેરીના રસના હકદાર છે. 20 શ્રવણ સેવકોએ દિવસ-રાત જોયા વગર મહેનત કરી
સમગ્ર આયોજન અંગે નીરવ ઠક્કરે જણાવ્યું કે, ઘર ઘર સુધી કેરીનો રસ પહોંચે તે પહેલા ગૌ માતા-નંદીજીની ક્યારીમાં પહોંચે તેવો અમારો સંકલ્પ હતો. વિતેલા સપ્તાહથી આ કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યું હતું. સારી ક્વોલીટીની કેરી ખરીદવાથી લઇને ગૌ માતા-નંદીજી આરોગે ત્યાં સુધી કેરીનો રસ ઠંડો રહે ત્યાં સુધીના કાર્યમાં યોગદિપસિંહ જાડેજા, દિપ પરીખ તથા 20 જેટલા શ્રવણ સેવકોએ દિવસ-રાત જોયા વગર મહેનત કરી છે. સામાન્ય રીતે આપણે રસ કાઢ્યા બાદ કેરીના ગોટલા અને તેની છાલ ગૌ માતાને ધરાવીએ છીએ. પરંતુ મારૂ માનવું છે કે, ગૌ માતામાં 33 કોટી દેવી-દેવતાઓ વાસ કરે છે, અને તે તાજા અને ઠંડા કેરીના રસના હકદાર છે. આ મામલે આપણે આપણી માનસિકતા બદલવાની જરૂરત છે. પ્રતિ પશુ 2.80 કિલો કેરીનો રસ જમી શકે તેવું આયોજન
નીરવ ઠક્કરે વધુમાં જણાવ્યું કે, અમે 2,001 કિલો તાજો ઠંડો કેરીનો રસ ગૌ શાળાની 9 ક્યારીમાં ઠાલવ્યો હતો. ગૌ શાળામાં અંદાજીત 700 જેટલી ગૌ માતા-નંદીજી મહારાજ તથા અન્ય પશુનો વસવાટ છે. જેથી અમારી ગણતરી પ્રમાણે પ્રતિ પશુ 2.80 કિલો કેરીનો રસ જમી શકે તેવું અમારૂ આયોજન હતું. એટલું જ નહીં ક્યારીના જે ભાગે ગૌ માતા જલ્દી કેરીનો રસ સફાટચ કરી ગયા, ત્યાં અમે તેમની હાજરીમાં જ ક્યારી ફરી ભરી આપી હતી. આવું બે-ત્રણ વખત થયું હતું. …તો આવનારી પેઢી ગૌ સેવાની વાતો માત્ર પાઠ્યપુસ્તકોમાં જ વાંચશે
નીરવ ઠક્કરે જવાબદારીપૂર્વક કહ્યું કે, ગૌ માતા આપણા સંસ્કાર અને સંસ્કૃતિનો હિસ્સો છે. એક સમયે આપણા પરિવારની એક પેઢી જમવાનું બનાવતા પહેલા ગૌ માતા માટે અલગ ભોજન કાઢતી હતી. સમયજતા બધુ વિસરાઇ રહ્યું છે. જો આપણે આજે જાગૃત નહીં થયા તો સમય જતા આપણી આવનારી પેઢી ગૌ સેવાની વાતો ભૂલી જશે અને ત્યાર બાદ માત્ર પાઠ્યપુસ્તકોમાં જ ગૌ સેવા વાંચવા મળશે. જેથી આપણે પોતાની સાંસ્કૃતિક જવાબદારી સમજીને યથાશક્તિ ગૌ સેવામાં જોડાવવું જોઇએ તેવી મારી સૌ ને અપીલ છે.