અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ચૂંટણી પ્રક્રિયામાં ફેરફાર કરતા એક કાર્યકારી આદેશ પર સહી કરી હતી. આ અંતર્ગત, અમેરિકન નાગરિકોએ વોટર રજીસ્ટ્રેશન માટે નાગરિકતાનો પુરાવો આપવો પડશે. ટ્રમ્પે ચૂંટણીમાં છેતરપિંડી અટકાવવા માટે આ આદેશ આપ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓના મતે, તેનો હેતુ મતદાર યાદીમાં ગેરકાયદેસર રીતે સમાવિષ્ટ ઇમિગ્રન્ટ્સ પર કાર્યવાહી કરવાનો છે. ડોનાલ્ડ ટ્રમ્પે 2020ની ચૂંટણીમાં પોતાની હાર માટે ખોટા મતદાનને જવાબદાર ઠેરવ્યું હતું. જો કે, રાજ્યોએ ટ્રમ્પના આ આદેશને કોર્ટમાં પડકારવાની તૈયારી કરી છે. મંગળવારે આદેશ પર સહી કરતી વખતે ટ્રમ્પે કહ્યું- ‘ચૂંટણીમાં છેતરપિંડી’. તમે આ શબ્દ તો સાંભળ્યો જ હશે. હું એને ખતમ કરીશ. એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં જણાવાયું છે કે અમેરિકા જરૂરી ચૂંટણી સુરક્ષા લાગુ કરવામાં નિષ્ફળ ગયું છે. આમાં, રાજ્યોને વ્હાઇટ હાઉસ સાથે સહયોગ કરવા કહેવામાં આવ્યું છે. જો કોઈ રાજ્ય આમાં મદદ નહીં કરે, તો તેને સંઘ તરફથી મળતું ભંડોળ બંધ થઈ શકે છે. મતદાનના નિયમો રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે અમેરિકામાં મતદાન અંગે કોઈ સમાન નિયમો નથી. દરેક રાજ્યના પોતાના કાયદા હોય છે. ટેક્સાસ, જ્યોર્જિયા અને ઇન્ડિયાના જેવા રાજ્યોમાં મતદાન પ્રક્રિયા અત્યંત કડક છે. અહીં મતદાન કરવા માટે, ફોટો ઓળખપત્ર (દા.ત. ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ) બતાવવું જરૂરી છે. કેલિફોર્નિયા, ન્યુયોર્ક અને ઇલિનોઇસ જેવા રાજ્યો મતદાન અંગે એટલા સખ્ત નથી. આ રાજ્યોમાં, નામ અને સરનામું આપીને અથવા વીજળી બિલ જેવા કોઈપણ દસ્તાવેજ બતાવીને મતદાન કરી શકાય છે. આ ઉપરાંત, મિશિગન જેવા રાજ્યોમાં મતદાન કરતી વખતે ફોટો ID જરૂરી છે. જો કોઈની પાસે આ નથી તો તે સોગંદનામા પર સહી કરીને મતદાન કરી શકે છે. વિદેશી નાગરિકો દ્વારા દાન આપવા પર પ્રતિબંધ આ એક્ઝિક્યુટિવ ઓર્ડર હેઠળ, અમેરિકન ચૂંટણીઓમાં વિદેશી નાગરિકો દ્વારા દાન પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, અમેરિકન ચૂંટણીઓમાં વિદેશી નાગરિકો તરફથી મળતું દાન એક મુખ્ય મુદ્દો બની ગયું છે. આનું એક મોટું કારણ સ્વિસ અબજોપતિ હંસજોર્ગ વીસ છે, જેમણે અમેરિકાને કરોડો ડોલરનું દાન આપ્યું છે. વીસ દ્વારા સમર્થિત સંસ્થા, ધ સિક્સટીન થર્ટી ફંડે ઓહાયોના બંધારણમાં ગર્ભપાત સુરક્ષાને સમાવિષ્ટ કરવા માટે 3.9 મિલિયન ડોલરનું દાન આપ્યું હતું. હાલમાં, કેન્સાસે એક સમાન બિલ પસાર કર્યું, જેમાં વિદેશી નાગરિકો, કંપનીઓ, સરકારો અથવા રાજકીય પક્ષોને રાજ્યના બંધારણીય સુધારાઓની તરફેણમાં અથવા વિરુદ્ધ ઝુંબેશમાં દાન આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.