નેત્રંગ પોલીસે કાકડકુઇ ગામમાં થયેલી હત્યાના કેસમાં આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આરોપી અશ્વિન ધારાસિંગભાઇ વસાવાએ તેના મિત્ર રાજેશ ગોમાભાઇ વસાવાની હત્યા કરી હતી. ગત 24મી માર્ચે રાત્રે સાડા આઠ વાગ્યે બંને મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. આરોપી અશ્વિને જમવાનું બનાવવા માટે ચૂલો બનાવવામાં વપરાયેલા પથ્થર વડે રાજેશના માથા અને દાઢીના ભાગે હુમલો કર્યો હતો. હુમલા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો. મૃતકની બહેન સંગીતા વસાવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. બાતમીદારની માહિતીના આધારે પોલીસે ફુલવાડી ચોકડી નજીક આવેલા એક મોટા પીપળાના ઝાડ નીચેથી ઊંઘતા આરોપીને ઝડપી પાડ્યો હતો. નેત્રંગ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે.