ખેરાલુની વૃંદાવન ચોકડી નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે. વડગામ તાલુકાના કોદરામ ગામના 65 વર્ષીય જડીબેન દેવીપૂજક વૃંદાવન ચોકડી નજીક રોડની સાઈડ પર વીજપોલ પાસે ઊભા હતા. પાલનપુરથી આવતી બસ નંબર GJ-18-Z-3692ના ચાલકે બેફામ ગતિએ વાહન ચલાવતા રોડ સાઈડ પાર્ક કરેલી રિક્ષાને ટક્કર મારી. બસના દરવાજાનું મજાગરું રિક્ષાના આગળના ભાગમાં ભરાઈ ગયું. બસ ચાલકે રિક્ષાને લગભગ 25 મીટર સુધી ઢસડી. આ દરમિયાન વીજપોલ પાસે ઊભેલા જડીબેન રિક્ષા અને પોલ વચ્ચે કચડાઈ ગયા. ઈજાગ્રસ્ત વૃદ્ધાને તાત્કાલિક ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા. પ્રાથમિક તપાસમાં તેમને ફ્રેક્ચર થયું હોવાનું જણાયું. ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા છે.