સામાન્ય લોકોના નામે બોગસ એકાઉન્ટ ખોલીને બેંક એકાઉન્ટનો વેપાર થતો હોવાની આખી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં અમદાવાદ શહેર પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે એનો મુખ્ય ભેજાબાજ દુબઈમાં હોવાની વિગતો સામે આવી છે. હાલ આ સમગ્ર પ્રકરણમાં વધુ પણ ચોંકાવનારા તથ્યો સામે આવે તેવી શક્યતા છે. જે સંદર્ભે પોલીસે આરોપીના રિમાન્ડ માગીને આગળની તપાસ હાથ ધરી છે. ઝોન 7 ડીસીપીના એલસીબી સ્કોડે સાયબર ફ્રોડ માટે બોગસ પેઢી અને લોકોના નામે બોગસ બેંક એકાઉન્ટ ખોલાવવાનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ બેંક એકાઉન્ટ અને સિમ કાર્ડની કીટ પ્રોવાઈડ કરતા હતા અને આ નેટવર્કનો માસ્ટરમાઈન્ડ દુબઇમાં બેઠો હતો. આરોપીઓ બેંક એકાઉન્ટનો વેપાર કરતા હતા. હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ચિરાગ કડિયા, સ્નેહલ સોલંકી, મુકેશ દૈયા અને ગોપાલ પ્રજાપતિ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 53 પાસબુક, 42 ડેબિટ કાર્ડ, ચેકબૂક, 61 બેંક કીટ, પ્રિએક્ટિવ 29 સિમ કાર્ડ, સ્વાઈપ કરવાના 3 મશીન પણ મળ્યા છે. ત્યારે આ નેટવર્કનો માસ્ટર માઈન્ડ વોન્ટેડ આરોપી જૈમિન ઉર્ફે સેમ ઠક્કર દુબઇમાં બેઠા બેઠા ઓપરેટ કરી રહ્યો છે. જોકે, વોન્ટેડ આરોપી સેમ ઠક્કર દ્વારા અમદાવાદમાં સ્નેહલ ઉર્ફે પિન્ટુ સોલંકી અને ચિરાગ કડિયાને નોકરી પર રાખીને બોગસ પેઢી અને બોગસ બેંક એકાઉન્ટ ખોલવતો હતો. એટલું જ નહીં સાયબર ફ્રોડના નાણાં બેંક એકાઉન્ટથી ઉપાડીને દુબઇ મોકલતા હતા. પકડાયેલા મુખ્ય આરોપી પિન્ટુ ઉર્ફે સ્નેહલ સોલંકીએ અત્યાર સુધીમાં 53 કરોડ રૂપિયા બેંકમાંથી મેળવીને વોન્ટેડ આરોપી જૈમિન ઉર્ફે સેમ ઠક્કરને દુબઈ મોકલ્યા છે. જોકે, આરોપી સ્નેહલ બેંક ખાતાધારકને ડમી બેંક એકાઉન્ટ ખોલાવતા તેમને 10 હજાર રૂપિયા આપતો હતો. આરોપી મુકેશ પ્રિ-સિમ કાર્ડ નામે લેનાર પાસેથી 1200 રૂપિયામાં સિમ કાર્ડ લેતો હતો. જે બાદ ડમી બેંક એકાઉન્ટ કીટ એ વોન્ટેડ આરોપી જૈમિન ઉર્ફે સેમ ઠક્કરને દુબઇ મોકલતા હતા. બાદમાં આરોપી જૈમિન સાયરબ ફ્રોડ સાથે સંકળાયેલી ગેંગના સભ્યોને ડમી બેંક એકાઉન્ટ પ્રોવાઈડ કરતો હતો. જે ફ્રોડના પૈસા બેંક ખાતામાં જમા થતા જ આરોપી સ્નેહલ સોલંકી બેંકમાંથી ઉપાડી દેતો અને ઠગાઈના પૈસા હવાલા મારફતે દુબઇ જૈમિન ઠક્કરને પહોંચાડતો હતો. આરોપીઓ કોલ સેન્ટર ચલાવીને શેર બજારમાં ઇન્વેસ્ટ કરી મોટું વળતર મેળવતા હતા. ઓનલાઈન ગોલ્ડમાં સારો નફો કમાવો એવા વોટ્સએપ મેસેજ અને ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરી લોકો સાથે ઠગાઈ પણ કરતા હતા. આરોપી ઠગાઈના પૈસાની મોટી રકમની લેવડદેવડ માટે 7 જેટલી બોગસ પેઢી આરોપી ગોપાલ પ્રજાપતિના નામે ઉભી કરી હતી. જે બોગસ પેઢીની દેખરેખ આરોપી ચિરાગ કરતો હતો. હાલ વોન્ટેડ મુખ્ય આરોપી સેમ ઠક્કર દુબઈ બેઠા બેઠા સાયબર ફ્રોડ નેટવર્ક ઓપરેટ કરી રહ્યો છે. જેની સાથે અન્ય કેટલા આરોપી સંડોવાયેલા છે જેને લઈને વધુ તપાસ શરૂ કરી છે.