અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં રહેતી 19 વર્ષે યુવતીએ મંગેતરના ત્રાસથી પોતાની દાદીના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ત્રણ માસ પહેલાં યુવતીની સગાઈ થઈ હતી. ત્યાર બાદ છેલ્લા એક મહિનાથી મંગેતર યુવતીના ચારિત્ર ઉપર શંકા કરીને તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતો હતો. તેમજ ઇન્સ્ટાગ્રામમાંથી બધા ફ્રેન્ડને રિમૂવ કરી દેવાની વાત કરીને ઝઘડો કરતો હતો. આ સમગ્ર બાબતે બોલાચાલી અને ઝઘડો થતાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે મંગેતર વિરુદ્ધ અરજી આપવામાં આવી હતી. ત્યાર બાદ યુવતી પોતાના દાદીના ઘરે જઈને આપઘાત કરી લીધો હતો. શહેરના સરસપુર વિસ્તારમાં આવેલી ભાવસારની ચાલી ખાતે છપ્પનભાઈ પટણી તેમના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં 19 વર્ષીય પુત્રી કાજલ તેમની સાથે રહેતી હતી. ત્રણેક માસ પહેલાં કલાપીનગર વિસ્તારમાં આવેલા સાત માળિયા ખાતે રહેતા જતીન પટણી નામના યુવક સાથે કાજલની સગાઈ કરવામાં આવી હતી. બંને જણા સગાઈ બાદ ફોન ઉપર અવારનવાર વાતચીત કરતા હતા. સગાઈના એક મહિના બાદ બંને ફોન ઉપર વાતચીત કરતા હતા, ત્યારે તેઓ વચ્ચે ઝઘડો થયો હતો અને તેમની દીકરી રડતી રડતી આવી હતી, ત્યારે તેમને ફોન ઉપર વાતચીત કરી તો જતીન તેને તેના ચરિત્ર બાબતે બોલાચાલી કરી અને ઝઘડો કરતો હોવાનું કહ્યું હતું. જે બાદ બંને પરિવારે જતીનને આ બાબતે સમજાવ્યું હતું છતાં પણ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ત્રણેક દિવસ પહેલા બાપુનગરના બત્રીસીપૂરા ખાતે છપ્પનભાઈના માતા રહે છે તેઓના ઘરે જ્યારે આખો પરિવાર હાજર હતો તે દરમિયાનમાં જતીન બાપુનગર ખાતે આવ્યો હતો. તેણે કાજલ વિશે જેમ ફાવે તેમ વાતો કરી હતી અને તેના ચરિત્ર વિશે બોલ્યો હતો. જેથી આ મામલે બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે તેની વિરુદ્ધ ફરિયાદ કરવા માટે ગયા હતા. જ્યાં પોલીસ સ્ટેશનમાં આ માટે અરજી આપી હતી તે દરમિયાનમાં કાજલ ત્યાંથી એકલી નીકળી ગઈ હતી જેને શોધવા માટે પરિવારજનો ફર્યા હતા. રાત્રિના સમયે જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે બાપુનગર ખાતે કાજલ અંદરથી દરવાજો ખોલતી નહોતી. જેથી પાડોશીઓએ જ્યારે ઘર ખોલીને જોયું તો તેણે ગળે ફાંસો ખાઈ લીધો હતો અને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે જતીન વિરુદ્ધ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.