મહેસાણા કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વ્હીકલ લોન કેસમાં ચેક રિટર્ન થવાના મામલે એક શખ્સને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. મનોજ મિસ્ત્રી નામના શખ્સે એક ખાનગી બેંકમાંથી વાહન માટે લોન લીધી હતી. લોનની રકમ સમયસર ન ભરાતા બેંકે તેમની સામે ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી. આ કેસની સુનાવણી મહેસાણા કોર્ટમાં થઈ હતી. કેસની વિગતો મુજબ, બેંકે લોનની મૂળ રકમ કરતાં વધારે રકમનો ચેક ભરી નાખ્યો હતો. આ મહત્વપૂર્ણ મુદ્દા અંગે ફરિયાદી બેંક તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. આરોપી પક્ષના વકીલ ભરત પટેલે આ મુદ્દો કોર્ટમાં ઉઠાવ્યો હતો. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.એમ.ઝવેરીની કોર્ટમાં કેસની સુનાવણી થઈ હતી. કોર્ટે આરોપી પક્ષના વકીલની દલીલો અને રજૂ કરેલા બચાવને માન્ય રાખ્યો હતો. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને કોર્ટે મનોજ મિસ્ત્રીને નિર્દોષ જાહેર કર્યા છે.